| (AI IMAGE) |
Trump's Plot for Regime Change in Cuba via Venezuela: વેનેઝુએલામાં નિકોલસ માદુરો સરકાર વિરુદ્ધ સફળતા મળતા ટ્રમ્પ પ્રશાસનનું ધ્યાન હવે લાંબા સમયના વૈચારિક પ્રતિસ્પર્ધી ક્યુબાને ઝુકાવવા પર છે. તાજેતરમાં અમેરિકાના મીડિયામાં એવા અહેવાલો છે કે, ટ્રમ્પ વહીવટી તંત્ર ક્યુબામાં સાત દાયકાથી ચાલી રહેલા સામ્યવાદી શાસનનો અંત આણવા સક્રિય થયું છે અને 2026ના અંત સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવાની ગણતરી છે. ચાલો જાણીએ કે અમેરિકા ક્યુબામાં કેવો ખેલ ખેલવા જઈ રહ્યું છે.
ક્યુબાનું ભૌગોલિક સ્થાન અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ
ક્યુબા કેરિબિયન સમુદ્રમાં સ્થિત ટાપુ દેશ છે. લગભગ 1,10,860 ચોરસ કિ.મી. ક્ષેત્રફળ ધરાવતા ક્યુબાની વસ્તી 1.13 કરોડ જેટલી છે. કેરિબિયન ક્ષેત્રના સૌથી મોટા આ ટાપુ દેશ પાસે ઉષ્ણકટિબંધીય હવા-પાણી, સુંદર બીચ અને ખેતી માટે ઉપયુક્ત જમીન છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યની ભૂમિથી ક્યુબા માત્ર 145 કિ.મી. દૂર છે. આ ભૌગોલિક નિકટતા જ તેને અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બનાવે છે.
અમેરિકા સાથે દાયકાઓ જૂની દુશ્મનાવટ છે
ક્યુબા અને અમેરિકા વચ્ચેનો તણાવ 1959ની ક્યુબન ક્રાંતિ પછી શરૂ થયો હતો. એ સમયે ફિડેલ કાસ્ટ્રોની સામ્યવાદી ચળવળને પગલે અમેરિકા સમર્થિત સરકાર ગબડી ગઈ હતી. એ વખતે ક્યુબાએ તત્કાલીન સોવિયેત સંઘ(USSR)ની નજીક હતું. 1962માં ક્યુબામાં સોવિયેત મિસાઈલો તહેનાત કરાતા પરમાણુ યુદ્ધનું જોખમ સુદ્ધાં સર્જાયું હતું. ગુસ્સે ભરાયેલા અમેરિકાએ ક્યુબા પર સખત આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા, જે આજે પણ ચાલુ છે. નાનકડું ક્યુબા ક્યારેય અમેરિકાને તાબે નથી થયું, એ હકીકત અમેરિકાને પચતી નથી. લગભગ છ દાયકાથી ચાલતી દુશ્મનાવટનું સાટું વાળવા માટે અમેરિકાએ વાયા વેનેઝુએલા ક્યુબાનું આર્થિક પતન આણવાની યોજના બનાવી હોવાનું કહેવાય છે.
ક્યુબા પર વાયા વેનેઝુએલા દબાણ ઊભું કરવાનો પ્રયાસ
'ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' અંતર્ગત અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ માદુરોની ધરપકડ કરી લીધી. આ સફળતાથી ઉત્સાહિત ટ્રમ્પ અને તેના સલાહકારો માને છે કે ક્યુબન સરકાર હાલમાં બહુ નાજુક સ્થિતિમાં છે. સોવિયેત યુનિયનના પતન બાદ ક્યુબાનું અસ્તિત્વ મોટા ભાગે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની નિકાસ અને આર્થિક સહાય પર આધારિત હતું, પરંતુ હવે વેનેઝુએલાની ઊર્જા કંપનીઓ પર અમેરિકાનું નિયંત્રણ હોવાથી વેનેઝુએલાની નવી સરકાર પર ક્યુબા સાથેના સંબંધો તોડવાનું દબાણ છે. આમ, ક્યુબાની આર્થિક 'જીવનરેખા' કાપી નાખવા માટે અમેરિકા વાયા વેનેઝુએલા ચાલ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ હવે યુરોપમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દૂતાવાસ પર હુમલો
ક્યુબાનું અર્થતંત્ર તોડીને આક્રોશ ભડકાવવાની યોજના
અમેરિકા ક્યુબા પર સીધું આર્થિક દબાણ વધારી રહ્યું છે. વેનેઝુએલાથી મળતું ઓઈલ બંધ થઈ જાય તો ક્યુબાનું અર્થતંત્ર તૂટી પડે. બળતણ વિના દેશની આર્થિક ગાડી અટકી જાય, ભૂખે મરતા, બેરોજગાર નાગરિકો રસ્તા પર ઉતરી આવે અને સંપૂર્ણ શાસન વ્યવસ્થા નિષ્ફળ જાય. પરિણામે વર્તમાન સરકાર પડી ભાંગે અને અમેરિકાને ચંચુપાત કરવાની તક મળી જાય.
જાણો અમેરિકાની 'અંદરથી બહાર'ની વ્યૂહરચના
માત્ર બાહ્ય દબાણ પર નિર્ભર રહેવાને બદલે અમેરિકા 'અંદરથી બહાર' (ઇનસાઈડ-આઉટ)ની યુક્તિ અપનાવી રહ્યું છે. ક્યુબામાં 'કમ્યુનિસ્ટ પાર્ટી'(Partido Comunista de Cuba - PCC)નું રાજ છે. 1965માં સ્થપાયેલી આ પાર્ટીનું સંસદ, સૈન્ય, મીડિયા અને અર્થતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ છે.
'માર્ક્સવાદ-લેનિનવાદ'ના સિદ્ધાંતો પર ચાલતી PCC દેશની સર્વોચ્ચ રાજકીય શક્તિ છે. જો કે, ક્યુબાના આર્થિક પતન અને શાસનની નિષ્ફળતાથી નિરાશ નેતાઓ અને સૈન્યના ઉચ્ચ અધિકારીઓ પણ ક્યુબામાં છે જ. અમેરિકા ગુપ્ત રીતે એવા અસંતુષ્ટ લોકોને શોધીને તેમને ભવિષ્યની સરકારમાં બહેતર હોદ્દા અને નેતૃત્વ આપવાનું આશ્વાસન આપીને વર્તમાન શાસનથી દૂર જવા પ્રોત્સાહિત કરવા માંગે છે. આ યોજના માટે રાજ્ય સચિવ માર્કો રુબિયો દ્વારા ત્રણ-પગલાનું માળખું રચાયું છે...
1. સ્થિરતા: સત્તા પલટો થતાં જ ખોરાક-પાણી અને આરોગ્ય સહિતની માનવીય સહાય તાત્કાલિક પહોંચાડવી. નાગરિકોના સ્થળાંતરને પણ રોકવું.
2. પુનઃપ્રાપ્તિ: ઊર્જા ક્ષેત્રનું સંપૂર્ણ પુનર્ગઠન કરવું અને બજાર-આધારિત સુધારા દ્વારા ખાનગી રોકાણને ઉત્તેજન આપવું.
3. લોકશાહીની સ્થાપના: સામ્યવાદી શાસનનો અંત આણીને નવી લોકશાહી સરકારની સ્થાપના કરવી.
અમેરિકાને પણ ક્યુબાની યુવા પેઢીના નેતાઓમાં વિશ્વાસ
ટ્રમ્પ સરકાર માને છે કે ફિડેલ કાસ્ટ્રોના નાના ભાઈ 'રાઉલ કાસ્ટ્રો' અને હાલના રાષ્ટ્રપતિ 'મિગુએલ ડિયાઝ-કેનેલ' જેવા જૂના અને વૈચારિક રીતે કઠોર નેતાઓ કરતાં પાર્ટીની યુવા પેઢી વધુ વ્યવહારુ છે. આર્થિક સંકટ સર્જાશે તો યુવા નેતાઓ દેશને સંપૂર્ણ પતનથી બચાવવા માટે સિનિયર નેતાઓની વિરુદ્ધ જઈને પાર્ટીની એકતાને ભોગે પણ ક્યુબાને સંભાળી લેશે. યુવા પેઢીના હાથમાં ક્યુબાની સત્તા સોંપવાના બદલામાં અમેરિકા તેમની સામે અમુક તમુક શરતો મૂકવાના મૂડમાં છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો તેના કારણો
આ યોજનામાં અમેરિકા સામે પણ અનેક પડકારો અને જોખમો
અમેરિકાની આ યોજના નીચે મુજબના પડકારો અને જોખમોથી ભરપૂર છે. જેમ કે...
1. ક્યુબામાં મજબૂત વિરોધી દળનો અભાવ: વેનેઝુએલાની સ્થિતિથી વિપરીત ક્યુબામાં દાયકાઓથી એકપક્ષીય શાસન છે. ત્યાં કોઈ સંગઠિત, મજબૂત રાજકીય વિરોધ પક્ષ જ નથી, જેનો અર્થ એ છે કે શાસન પલટો થયા પછી દેશનું નેતૃત્વ કોણ સંભાળશે અને સત્તાનું સરળ સંક્રમણ કેવી રીતે થશે, તે અનિશ્ચિત છે. આ કારણસર અણધારી અસ્થિરતા ફેલાઈ શકે છે.
2. પ્રતિકૂળ પ્રતિક્રિયાનો ભય: કેટલાક વિશ્લેષકો માને છે કે અમેરિકાનું આટલું આક્રમક બાહ્ય દબાણ ક્યુબન લોકો અને શાસનમાં રાષ્ટ્રવાદી ભાવના ઉશ્કેરી શકે છે, જેને લીધે તેઓ વધુ કઠોર બની જશે. એમ થયું તો લોકશાહીની શાંતિપૂર્વકની સ્થાપના તો દૂર રહી, ક્યુબામાં અરાજકતા અને દેશવ્યાપી હિંસા ફાટી નીકળશે. આવું પરિણામ ટ્રમ્પ તંત્રની નિષ્ફળતા ગણાશે અને વૈશ્વિક સ્તરે અમેરિકાની છબી ખરડાશે.
3. ભૂ-રાજકીય ફેરફારો: ક્યુબા પરનું આ દબાણ મોટું ભૂ-રાજકીય ઉથલપાથલ સર્જી શકે એમ છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા પ્રદેશો પર પણ દબાણ વધ્યું છે. ક્યુબા પર દબાણ વધારવા જતાં રશિયા અને ચીન જેવા અમેરિકાના વૈશ્વિક પ્રતિસ્પર્ધી ક્યુબાની સહાય માટે મેદાનમાં ઉતરે તો અમેરિકા માટે આકરા સંઘર્ષનું જોખમ સર્જાઈ શકે છે.
ક્યુબાની પ્રતિક્રિયા અને આગળનો માર્ગ
ક્યુબન સરકારે અમેરિકાના દબાણ કે સત્તાપલટાના પ્રયાસ વખોડી કાઢ્યા છે. એટલું જ નહીં, અમેરિકાના આવા કોઈ પણ પ્રયાસને ક્યુબાના સાર્વભૌમત્વ પર તરાપ સમાન ગણાવ્યા છે. જો કે, ક્યુબન નાગરિકો આર્થિક પ્રતિબંધો અને સંભવિત શાસન પલટાની અસરોથી ચિંતિત છે.
ક્યુબામાં કોઈ અમેરિકન પ્રમુખ નથી ફાવ્યા, ટ્રમ્પ ફાવશે?
ટ્રમ્પ તંત્ર માત્ર વાતો અને ધમકીઓ સુધી મર્યાદિત રહેશે કે પછી ક્યુબન શાસનને હલાવી શકે એવા 'વધુ કઠોર આર્થિક પ્રતિબંધો', 'ગુપ્ત કાર્યવાહી' અને 'રાજદ્વારી દબાણ' જેવા ઠોસ પગલાં ભરશે, એ જોવું રસપ્રદ રહેશે. 60 વર્ષથી અમેરિકાના પ્રતિબંધો સહન કરતું આવેલું ક્યુબા નવા પ્રતિબંધો અને દબાણ પણ સહી લે એવું બની શકે છે. ક્યુબાને ઘૂંટણિયે પાડવામાં આજ સુધીમાં કોઈ અમેરિકન પ્રમુખને સફળતા નથી મળી, ટ્રમ્પને મળશે ખરી?, એ જોવું રસપ્રદ રહેશે.


