Get The App

ઘરમાં જ ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત પર ટેરિફ મુદ્દે અમેરિકન સંસદીય સમિતિએ પૂછ્યાં તીખાં સવાલો

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
ઘરમાં જ ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત પર ટેરિફ મુદ્દે અમેરિકન સંસદીય સમિતિએ પૂછ્યાં તીખાં સવાલો 1 - image


US Tariff: અમેરિકન ફોરેન પોલિસીને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હાઉસ ફૉરેન અફેર્સની કમિટીએ પોતાના જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતીની આકરી ટીકા કરી છે. હાઉસ ફૉરેન અફેર્સ કમિટીએ કહ્યું કે, ટ્રમ્પ ભારત પર ટેરિફ લગાવીને તેને નિશાનો બનાવી રહ્યા છે, જેનાથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે અને આ પ્રક્રિયામાં અમેરિકા-ભારત સંબંધોને નુકસાન પહોંચી રહ્યું છે. 

ટ્રમ્પ નીતિની કરી ટીકા

અમેરિકાની હાઉસ ફોરેન અફેર્સ કમિટી ભારતની સંસદીય સમિતિઓ જેવી જ છે. તે અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની કાયમી સમિતિ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશ નીતિ સંબંધિત બિલ અને તપાસની દેખરેખ રાખે છે. આ સમિતિ દ્વારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, ખાસ કરીને ભારત પર ભારે ટેરિફ લાદવાની ટ્રમ્પની નીતિ પર આકરી પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ 'વેપાર હવે હથિયાર બની ગયો છે...' પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ટેરિફ મુદ્દે ભારતને ચેતવ્યું

ચીન અને અન્ય દેશોને બાકાત રાખી ભારતને નિશાનો બનાવ્યું

આ સમિતિએ જણાવ્યું હતું કે, ચીન અથવા અન્ય દેશો દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટા પાયે ખરીદી પર પ્રતિબંધ મૂકવાને બદલે, ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદીને નિશાન બનાવી રહ્યા છે, જેનાથી અમેરિકનોને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં અમેરિકા-ભારત સંબંધોને નુકસાન થઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પનો આ તમામ પ્રયાસ યુક્રેન વિશે છે જ નહીં. 

આ સમિતિમાં હાલ 52 સભ્યો છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હાલમાં હાઉસ ફોરેન અફેર્સ કમિટીમાં પ્રભુત્વ ધરાવે છે. કારણ કે, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન બહુમતીમાં છે. આ સમિતિમાં 27 રિપબ્લિકન અને 25 ડેમોક્રેટિક સભ્યો છે. સમિતિના અધ્યક્ષ બ્રાયન માસ્ટ પણ રિપબ્લિકન છે. ડેમોક્રેટ ગ્રેગરી મીક્સ હાલમાં લઘુમતિ પક્ષના રેન્કિંગ મેમ્બર છે.

પોતાની બહુમતિ છતા ટીકાનો સામનો કરવો પડ્યો

હાઉસ ફોરેન અફેર્સ કમિટીમાં રિપબ્લિકન બહુમતિ હોવા છતાં, તેમના પોતાના પક્ષના અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટીકા કરવી એ તેમના માટે મોટી વાત છે.

આ પણ વાંચોઃ 'આ મોદીનું યુદ્ધ છે...' અમેરિકન રાજદ્વારીએ રશિયા-યુક્રેન યુદ્ધ ભારત સાથે જોડ્યું, ટેરિફ ઘટાડવા મૂકી શરત

આ સમિતિએ ટ્રમ્પની આકરી ટીકા કરતા કહ્યું કે, 'જો ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા કોઈપણ દેશ પર ગૌણ પ્રતિબંધોની ધમકી લાગુ કરવાનો નિર્ણય લીધો હોત તો તે એક વાત હોત. પરંતુ ફક્ત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્ણયથી કદાચ સૌથી ગૂંચવણભર્યું નીતિગત પરિણામ આવ્યું છે: રશિયન ઊર્જાનો સૌથી મોટો આયાતકાર ચીન, હજુ પણ ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને અત્યાર સુધી સમાન સજાથી મુક્ત રાખવામાં આવ્યું છે.'

ભારત પર 50% ટેરિફ

નોંધનીય છે કે, ભારત પર 50 ટકા ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યો છે. આ 50 ટકામાંથી અમેરિકાએ ફક્ત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરવા માટે 25 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકા માને છે કે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી રશિયાને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળે છે.

વળી, ભારતે કહ્યું કે, તેને તેની ઊર્જા સુરક્ષાનો અધિકાર છે અને યુરોપ, ચીન અને અમેરિકાનો પણ રશિયા સાથેનો વેપાર રાબેતા મુજબ ચાલુ રહે છે.

Tags :