Get The App

'વેપાર હવે હથિયાર બની ગયો છે...' પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ટેરિફ મુદ્દે ભારતને ચેતવ્યું

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
'વેપાર હવે હથિયાર બની ગયો છે...'  પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ટેરિફ મુદ્દે ભારતને ચેતવ્યું 1 - image


US Tariff: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત સામે લગાવેલા ટેરિફને અત્યંત ગંભીર ચિંતાજનક મામલો ગણાવતા કહ્યું કે ભારતે કોઈ એક વ્યાપારિક સહયોગી પર નિર્ભરતા ઘટાડવી જોઈએ.  આ સાથે  વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં વેપાર, રોકાણ અને નાણાને હથિયાર બનાવાઈ રહ્યા છે ત્યારે ભારતે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે.

ભારતને નિશાનો બનાવવામાં આવ્યું

બુધવાર (27 ઓગસ્ટ)થી અમલમાં આવેલા અમેરિકાના 50 ટકા ટેરિફ વિશે વાત કરતા ડૉ. રાજને ચેતવણી આપી હતી કે, 'આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવી રહ્યું છે અને આ માટે ભારતને નિશાનો બનાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું

આનાથી કોને ફાયદો થયો અને કોને નુકસાન? 

એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'આ એક ચેતવણી છે. આપણે પૂર્વની તરફ જોવું જોઈએ. યુરોપ, આફ્રિકા બાજુ જોવું જોઈએ અને અમેરિકાની સાથે પણ સંબંધ શરૂ રાખવા જોઈએ. આ સિવાય એવા સુધાર કરવા પડશે જેના કારણે આપણે 8 થી 8.5 ટકાની વૃદ્ધિ હાંસલ કરી શકીએ અને પોતાના યુવાનોને રોજગાર આપી શકીએ. રશિયન ક્રૂડ ઓઇલની આયાત પર પોતાની નીતિ વિશે ફરી એકાવર વિચાર કરવો જોઈએ. આપણે પૂછવું જોઈએ કે, આનાથી કોને ફાયદો થઈ રહ્યો છે અને કોને નુકસાન? રિફાઇનરીઓ ભારે નફો કમાઈ રહ્યા છે. પરંતુ, નિકાસકારો ટેરિફ દ્વારા કિંમત ચૂકવી રહ્યા છે. જો નફો વધારે ન હોય તો વિચારવું જોઈએ કે, શું આપણે ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ જ રાખવું જોઈએ?'

'કોઈ પર વધુ નિર્ભર ન રહેવું...'

ભારતની ચીન સાથે સરખામણી કરતા રાજને કહ્યું કે, 'આ મુદ્દો નિષ્પક્ષતાનો નથી પણ ભૂરાજનીતિનો છે. આપણે કોઈના પર વધારે નિર્ભર ન રહેવું જોઈએ. વેપાર, રોકાણ અને નાણાંને શસ્ત્ર બનાવવામાં આવે છે. આપણે આપણા પુરવઠા અને નિકાસ બજારોમાં વિવિધતા લાવવી પડશે. ભારતે આ કટોકટીને એક તક તરીકે જોવી જોઈએ. ચીન, જાપાન, અમેરિકા અથવા અન્ય કોઈની સાથે મળીને કામ કરવું જોઈએ. પરંતુ તેના પર નિર્ભર ન રહેવું જોઈએ. ખાતરી કરો કે તમે શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર બની શકો. વેપાર કરવાની સરળતા, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં એકીકરણ અને સ્થાનિક કંપનીઓ વચ્ચે મજબૂત સ્પર્ધાત્મકતા સુધારવા માટે માળખાકીય સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ.'

અમેરિકન ગ્રાહકો માટે પણ હાનિકારક

રાજને વધુમાં ચિંતા વ્યક્ત કરી કે, 'આ પગલાથી ખાસ કરીને ઝીંગા ખેડૂતો અને કાપડ ઉત્પાદકો જેવા નાના નિકાસકારોને નુકસાન થશે, જેનાથી તેમની આજીવિકા જોખમમાં મુકાશે. તે અમેરિકન ગ્રાહકો માટે પણ હાનિકારક છે, જેઓ હવે 50 ટકા ડિસ્કાઉન્ટ પર માલ ખરીદશે.'

ટ્રમ્પની ટેરિફ નીતિ પાછળના તર્ક પર પૂર્વ આરબીઆઈ ગવર્નરે મુખ્ય કારણો તરફ ધ્યાન દોર્યું - લાંબા સમયથી ચાલતી માન્યતા કે વેપાર ખાધ અન્ય દેશો દ્વારા શોષણને પ્રતિબિંબિત કરે છે. એવો વિચાર કે ટેરિફ સસ્તી આવક તરફ દોરી જાય છે જે કથિત રીતે વિદેશી ઉત્પાદકો દ્વારા ઉઠાવવામાં આવે છે અને તાજેતરમાં, વિદેશી નીતિના દંડાત્મક સાધન તરીકે ટેરિફનો ઉપયોગ, તે મૂળભૂત રીતે શક્તિનો ઉપયોગ છે. અહીં નિષ્પક્ષતાનો મુદ્દો નથી.

આ પણ વાંચોઃ ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

ભારત અંગે રાજને કહ્યું કે, ભારતને અન્ય એશિયન દેશોની જેમ - લગભગ 20 ટકા ટેરિફની અપેક્ષા છે અને મને આશા છે કે મોદી-ટ્રમ્પ સંબંધો વધુ સારા પરિણામો આપશે. વાતચીતની વચ્ચે કંઈક બદલાયું છે.

નવારોના આરોપ પર પૂર્વ RBI ગવર્નરનો જવાબ

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોના આરોપ છે કે, 'ભારત રશિયન ક્રૂડ ઓઇલથી નફો કમાઇ રહ્યું છે. જોકે આ આરોપના જવાબમાં રઘુરામ રાજને કહ્યું કે, 'સ્પષ્ટ રૂપે એવું લાગે છે કે કોઈ સમયે પ્રમખે (ટ્રમ્પ) નક્કી કર્યું હતું કે, ભારત એક એવો દેશ છે જે નિયમોનું પાલન કરી રહ્યો નથી અને તેને અલગ પાડવાની જરૂર છે. નવારો કોઈ મંજૂરી વિના આવું ન લખે.'

નવારોએ શું કહ્યું?

હકીકતમાં, ટ્રમ્પના લાંબા સમયથી સાથી રહેલા નવારોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતીય રિફાઇનરીઓ (રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી) (યુક્રેન) યુદ્ધને વેગ આપવા માટે પૈસા કમાઈ રહ્યા છે. તેમને ક્રૂડ ઓઇલની જરૂર નથી. તે એક રિફાઇનિંગ નફાખોરી યોજના છે.'

ભારત-અમેરિકાના તણાવપૂર્ણ સંબંધ

નોંધનીય છે કે, ટ્રમ્પે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટેરિફ લાદવાની જાહેરાત કરી અને આખરે ભારતીય આયાત પર 50 ટકા ડ્યુટી લાદી ત્યારથી, ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બગડ્યા છે. ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ લાદવા પર ભાર મૂકતા રહ્યા, પરંતુ મોદી સરકારે મક્કમતા દાખવી છે અને કહ્યું છે કે, તે કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં અને તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. ભારતે ચીન દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની આયાત અને યુરોપિયન દેશો દ્વારા રશિયન ઊર્જા ખરીદીનો ઉલ્લેખ કરીને અમેરિકા પર ભેદભાવપૂર્ણ વર્તનનો પણ આરોપ લગાવ્યો છે, જે સતત શરૂ છે.'

Tags :