'આ મોદીનું યુદ્ધ છે...' અમેરિકન રાજદ્વારીએ રશિયા-યુક્રેન યુદ્ધ ભારત સાથે જોડ્યું, ટેરિફ ઘટાડવા મૂકી શરત
Peter Navarro: અમેરિકન રાજદૂત અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારત અને રશિયા વચ્ચેના તાજેતરના ક્રૂડ ઓઇલ કરાર અંગે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત દ્વારા ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીએ રશિયાના આક્રમણને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકન કરદાતાઓ પર ભારે બોજ નાખ્યો છે.
મોદીનું યુદ્ધઃ નવારો
એટલું જ નહીં, નવારોએ રશિયા-યુક્રેન સંઘર્ષને 'મોદીનું યુદ્ધ' ગણાવ્યું અને ચેતવણી આપી કે, જો ભારત આ નીતિ ચાલુ રાખશે તો અમેરિકાને તેના પર કડક વલણ અપનાવવું પડશે. જો ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે તો અમેરિકાના ટેરિફમાં 25% રાહત મળી શકે છે.
આ પણ વાંચોઃ 'ભારત પીછેહઠ નહીં કરે તો કોઈ રાહત નહીં મળે...' ટ્રમ્પના સલાહકારની ભારતને વણમાગી સલાહ
એક ઇન્ટરવ્યુમાં નવારોએ કહ્યું કે, 'ભારત અસ્પૃશ્ય નથી અને શાંતિનો માર્ગ આંશિક રીતે ભારતમાંથી પસાર થાય છે. નવારોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (27 ઓગસ્ટ) ભારતમાંથી આવતા માલ પર 50% ટેરિફ લાદ્યો હતો, જે પશ્ચિમી દબાણ છતાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીને રોકવા માટે લાદવામાં આવ્યો છે.
ભારતને 25% ટેરિફમાંથી રાહત મળી શકેઃ નવારો
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકા ભારત સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને શું ટેરિફમાં ફેરફાર કરી શકાય છે?
જવાબમાં નાવારોએ કહ્યું, 'તે ખૂબ જ સરળ છે. જો ભારત આજે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે છે, તો તેને કાલે 25% ડિસ્કાઉન્ટ મળી શકે છે. મને નવાઈ લાગે છે કે, મોદી એક મહાન નેતા છે. આ (ભારત) એક પરિપક્વ લોકશાહી છે અને તે પરિપક્વ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. જે વાત મને હેરાન કરે છે કે, ભારતીય આટલા ઘમંડી છે. તેઓ કહે છે કે અમારી પાસે ઊંચા ટેરિફ નથી. તે અમારૂ સાર્વભૌમત્વ છે, અમે કોઈપણ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકીએ છીએ.'
આ પણ વાંચોઃ અમેરિકાની સ્કૂલમાં ગોળીબાર : ત્રણનાં મોત, 17 ઘાયલ
રશિયાના યુદ્ધને ટેકો આપવાનો આરોપ
નવારોએ કહ્યું કે, ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ ખરીદીને રશિયન યુદ્ધ પ્રયાસોને નાણાંકીય સહાય આપી રહ્યું છે. રશિયા તે નાણાંનો ઉપયોગ તેના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડવા માટે કરે છે અને વધુ યુક્રેનિયનો મોતને ભેટે છે. અમેરિકામાં પણ તમામ લોકોને આ યુદ્ધથી નુકસાન થઈ રહ્યું છે. યુદ્ધની અસર અમેરિકાના અર્થતંત્રમાં પણ જોવા મળી રહી છે. ગ્રાહકો, વ્યવસાયો અને કામદારો બધાને નુકસાન થાય છે. કારણ કે, ભારતના ઊંચા ટેરિફ આપણને નોકરીઓ, કારખાનાઓ, આવક અને ઊંચા વેતન ગુમાવવા મજબૂર કરે છે. જેના કારણે કરદાતાઓ પણ નુકસાન થાય છે કારણ કે આપણે મોદીના યુદ્ધને ફન્ડ કરવું પડે છે. હું મોદીનું યુદ્ધ કહુ છું કારણ કે, શાંતિનો રસ્તો આંશિક રૂપે ભારતથી થઈને પસાર થાય છે.'