ટ્રમ્પ ભારતીયોના સપના ચકનાચૂર કરી નાખશે? H-1B વિઝાની પરીક્ષા આકરી બનાવવાની તૈયારીમાં
US H-1B Visa Rule : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોના સપના ચકનાચૂર કરવા બેઠા હોય તેમ H-1B વિઝા વધુ કડક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના નિદેશક જોસેફ એડલોએ કહ્યું હતું કે, ‘H-1B વિઝા હેઠળની વર્તમાન પરીક્ષા વધુ સરળ છે અને તેને માત્ર યાદ કરવાથી પાસ કરી શકાય છે.’ ત્યારે હવે ટ્રમ્પે આ પરીક્ષા વધુ આકરી બનાવવાની યોજના બનાવી દીધી છે.
યુએસ નાગરિકતા પરીક્ષા એટલે શું?
અમેરિકન નાગરિકતા પરીક્ષા એ યુનાઇટેડ સ્ટેટ્સની નાગરિકતા મેળવવા માંગતા કાયમી નિવાસીઓ (ગ્રીન કાર્ડ ધારકો) માટે USCIS દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે. આ પરીક્ષાના મુખ્ય બે ભાગ અંગ્રેજી પરીક્ષા અને નાગરિકશાસ્ત્ર પરીક્ષામાં લેવામાં આવે છે.
અંગ્રેજી પરીક્ષા કેવી રીતે લેવાય છે?
USCIS અધિકારી ઇન્ટરવ્યુ દરમિયાન અરજદાર સાથે વાતચીત કરીને તેની અંગ્રેજી બોલવાની અને સમજવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. આમાં અરજદારના N-400 ફોર્મ (નેચરલાઈઝેશન માટેની અરજી) પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબોનો સમાવેશ થાય છે. અરજદારને ત્રણ અંગ્રેજી વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય યોગ્ય રીતે મોટેથી વાંચવાનું હોય છે. આ વાક્યો સામાન્ય રીતે યુએસ ઇતિહાસ અને સરકાર વિશેના હોય છે. USCIS અધિકારી ત્રણ અંગ્રેજી વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય બોલે છે અને અરજદારે તેને યોગ્ય રીતે લખવાનું હોય છે. જોડણી, વ્યાકરણ, વિરામચિહ્નો અને કેપિટલાઇઝેશનમાં નાની ભૂલોને માફ કરી શકાય છે, પરંતુ વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ.
આ પણ વાંચો : થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયરની જાહેરાત, અમેરિકા નહીં મલેશિયાએ કર્યો દાવો
નાગરિકશાસ્ત્ર પરીક્ષા કેવી રીતે લેવાય છે?
આ ભાગમાં અરજદારના યુએસ ઇતિહાસ અને સરકાર (નાગરિકશાસ્ત્ર)ના જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હાલમાં કુલ 100 પ્રશ્નોની એક સૂચિ હોય છે જેમાંથી USCIS અધિકારી અરજદારને 10 પ્રશ્નો પૂછે છે. આ 10 પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. પ્રશ્નો યુએસ સરકારના સિદ્ધાંતો, અમેરિકન ઇતિહાસ, ભૂગોળ, પ્રતીકો અને રજાઓ જેવા વિષયોને આવરી લે છે.
ટ્રમ્પે પ્રથમ કાર્યકાળમાં પણ ફેરફાર કર્યા હતા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (American President Donald Trump) પોતાના પ્રથમ કાર્યકાળ વર્ષ 2020માં નાગરિકતા પરીક્ષામાં થોડા સમય માટે આકરા ફેરફાર કર્યા હતા. તે સમયે 128 પ્રશ્નોની યાદી હતી, જેમાંથી અરજદારને 20 પ્રશ્ન પૂછવામાં આવતા હતા. પાસ થવા માટે ઓછામાં ઓછા 12 પ્રશ્નોના સાચા ઉત્તર આપવા ફરજીયાત હતા. જોકે પછીથી આ આકરો નિયમ હટાવી દેવાયો હતો. હવે ટ્રમ્પ બીજા કાર્યક્રળમાં આ આકરો નિયમ પરત લાવવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : ક્રિમિનલની જેમ ભાગતા ઓબામાનો પોલીસ બની પીછો કરતાં ટ્રમ્પ, ફરી AI Meme વાઈરલ