ક્રિમિનલની જેમ ભાગતા ઓબામાનો પોલીસ બની પીછો કરતાં ટ્રમ્પ, ફરી AI Meme વાઈરલ
Donald Trump Trolls Obama with Sharing Meme: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા પર સતત પ્રહારો કરી રહ્યા છે. ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પર AI જનરેટેડ એક મીમ દ્વારા ઓબામા પર નિશાન સાધ્યું. ટ્રમ્પ જુનિયર દ્વારા શેર કરવામાં આવેલું આ મીમ 1994ના કુખ્યાત ઓજે સિમ્પસનનો પોલીસ દ્વારા થઈ રહેલો પીછો પર આધારિત છે. બાદમાં ટ્રમ્પે પોતે ટ્રુથ સોશિયલ પર આ મીમ શેર કર્યું હતું. મીમમાં ઓબામા સફેદ ફોર્ડ બ્રોન્કોમાં ભાગી રહ્યા છે, જ્યારે પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સ પોલીસ કારમાં તેમનો પીછો કરી રહ્યા છે.
ટ્રમ્પના ડિજિટલ પ્રહાર
આ પહેલીવાર નથી જ્યારે યુએસ પ્રમુખ ટ્રમ્પે બરાક ઓબામા પર ડિજિટલ પ્રહાર કર્યો હોય. અગાઉ પણ ટ્રમ્પે એઆઈ-જનરેટેડ વીડિયો શેર કર્યો હતો, જેમાં ઓબામાની એફબીઆઈ એજન્ટ દ્વારા ધરપકડ દર્શાવવામાં આવી હતી. ડીપફેક વીડિયોમાં ટ્રમ્પ અને ઓબામા ઓવલ ઓફિસમાં બેઠા હતા, જેમાં ત્રણ એફબીઆઈ એજન્ટ આવે છે અને ઓબામાને હાથકડી પહેરાવી તેમને ટ્રમ્પના પગ પાસે ઘૂંટણીયે પાડી દે છે. વીડિયોમાં ટ્રમ્પ હસતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
ટ્રમ્પની ભારે ટીકા
ડીપફેક વીડિયો બદલ સોશિયલ મીડિયા પર ટ્રમ્પની ભારે ટીકા થઈ હતી. તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ વાસ્તવમાં એપસ્ટીન ફાઇલ્સ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં તેમના પર જાતીય શોષણનો ગુનેગાર જેફરી એપસ્ટિન સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે બરાક ઓબામાએ 2016ની ચૂંટણીમાં તેમના પર રશિયા સાથે સંબંધો હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો અને તેમના પ્રમુખ અભિયાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
તુલસી ગાબાર્ડનો ઓબામા પર આરોપ
અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ અને ડેમોક્રેટિક પ્રમુખ પદના પૂર્વ ઉમેદવાર તુલસી ગાબાર્ડે દાવો કર્યો હતો કે ઓબામા સરકારના વરિષ્ઠ અધિકારીઓએ રશિયા સાથે ટ્રમ્પના સંબંધોની ખોટી વાર્તા જાણી જોઈને બનાવી હતી. ગાબાર્ડના મતે, તેમની પાસે "100 થી વધુ દસ્તાવેજો" છે જે સાબિત કરે છે કે આ કથિત યોજના 2016ની ચૂંટણી પછી ટ્રમ્પના પ્રમુખ પદને નુકસાન પહોંચાડવા માટે ઘડવામાં આવી હતી. આ દસ્તાવેજો 2020માં તૈયાર કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં જ તેમને જાહેર કરવામાં આવ્યા છે. તે તેમને DOJ અને FBI ને સોંપવાની તૈયારી કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામા પર "રાજદ્રોહ" નો આરોપ લગાવ્યો હતો.