થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયરની જાહેરાત, અમેરિકા નહીં મલેશિયાએ કર્યો દાવો
Thailand-Cambodia Ceasefire : ચાર દિવસથી યુદ્ધ કરી રહેલા થાઈલેન્ડ અને કંબોડિયા સિઝફાયર માટે માની ગયા છે. બીજીતરફ ગઈકાલે (26 જુલાઈ) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચિમકી આપી યુદ્ધ અટકાવવા માટે કહ્યું હતું. જોકે હવે બંને દેશોએ મલેશિયાને મધ્યસ્થતા કરવા અને અન્ય દેશને સામેલ ન કરવાની વાત કહી છે.
મલેશિયાની મધ્યસ્થતા, સીઝફાયર કરાવ્યું
મીડિયા રિપોર્ટ મુજબ, મલેશિયાએ બંને દેશો વચ્ચે મધ્યસ્થા કરી સીઝફાયર કરાવ્યું છે. મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ હુસેને દાવો કર્યો છે કે, બંને દેશો સરહદ પર શાંતિ જાળવવા અને વિવાદ ઉકેલવામાં મલેશિયાની મદદ લેવા માટે માની ગયા છે. જોકે આ ઘટનાક્રમ બાદ બંને દેશોએ એકબીજા પર તોપોથી હુમલો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
કંબોડિયા-થાઈલેન્ડના PM મલેશિયા જશે
સમાચાર એજન્સી બર્નામાના રિપોર્ટ મુજબ, મલેશિયન વિદેશ મંત્રી હસને કહ્યું કે, કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટ અને થાઈલેન્ડના કાર્યવાહક વડાપ્રધાન કુમથામ વેચાયાચાઈ સોમવારે (28 જુલાઈ) મલેશિયા જઈ સરહદ પર શાંતિ જાળવવા અને વિવાદ ઉકેલવા માટે વાતચીત કરશે.
‘મલેશિયાને મધ્યસ્થતા કરે, અન્ય દેશ સામેલ ન થાય’
મલેશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘કંબોડિયા અને થાઈલેન્ડે મલેશિયા પર સંપૂર્ણ વિશ્વાય વ્યક્ત કર્યો છે અને અમને મધ્યસ્થાની ભૂમિકા નિભાવવા કહ્યું છે. મેં બંને દેશોના વિદેશમંત્રી સાથે વાત કરી છે અને બંને દેશો શાંતિ માટે માનવાની સાથે કહ્યું છે કે, આ મુદ્દામાં કોઈ અન્ય દેશને સામેલ ન કરવામાં આવે. મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ મલેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર સંઘનું અધ્યક્ષ છે અને તેમાં થાઈલેન્ડ અને કંપોડિયા સભ્ય છે. શુક્રવારે મલેશિયાએ બંને દેશોને ઘર્ષણ બંધ કરવા આહવાહન કર્યું હતું. આ સાથે તેણે હસ્તક્ષેપની પણ ઓફર કરી હતી.
ટ્રમ્પે થાઈલેન્ડ-કંબોડિયાને આપી હતી ચીમકી
ગઈકાલે (26 જુલાઈ) અમેરિકાએ કંબોડિયા-થાઈલેન્ડના યુદ્ધમાં એન્ટ્રી કરી હતી. જોકે હવે બંને દેશોએ મલેશિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બંને દેશોને ટેલિફોન કરીને કહ્યું હતું કે, બંને દેશોના યુદ્ધમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, તેથી યુદ્ધ અટકાવી દેવું જોઈએ. આ યુદ્ધે મને ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની યાદ અપાવી દીધી છે, જેને મેં સફળતાપૂર્વક અટકાવી દીધું હતું. થાઈલેન્ડ સાથે ચાલી રહેલું યુદ્ધ અટકાવી શકાય તે માટે મેં હાલમાં જ કંબોડિયાના વડાપ્રધાન સાથે વાત કરી છે. સંયોગથી અમે બંને દેશો સાથે વેપાર સમજૂતી પર વાત કરી રહ્યા છીએ, તેથી હું સ્પષ્ટ કહું છું કે, જો બંને દેશો યુદ્ધ અટકાવશે નહીં તો અમે કોઈની સાથે સમજૂતી કરીશું નહીં. હું બંને દેશોની જટિલ પરિસ્થિતિને સરળ બનાવાવનો પ્રયાસ કરી રહ્યો છું.’
કેમ વકરી સ્થિતિ?
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી હતી. રિપોર્ટ મુજબ બંને દેશો વચ્ચે ચાર દિવસ ચાલેલા ઘર્ષણમાં કુલ 30થી વધુ લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : ક્રિમિનલની જેમ ભાગતા ઓબામાનો પોલીસ બની પીછો કરતાં ટ્રમ્પ, ફરી AI Meme વાઈરલ