'સવારે હાથ મિલાવે અને સાંજે છરો ભોંકે...' અમેરિકન અર્થશાસ્ત્રીએ ટ્રમ્પ અંગે ભારતને સાવચેત કર્યા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી દુનિયાભરના દેશોમાં હોબાળો મચી ગયો છે તેનાથી તેના હજુ પણ ભારત-ચીન જેવા દેશો સાથે સંબંધ ખરાબ થઈ રહ્યા છે. ભારત પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 25 ટકા ટેરિફ લગાવ્યો અને 27 ઓગસ્ટથી 25 ટકા વધારાનો ટેરિફ લગાવવાના છે. આ દરમિયાન, એક અમેરિકન અર્થશાસ્ત્રીએ આ નિર્ણયની જોરદાર ટીકા કરી છે.
પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનના પૂર્વ સલાહકાર અને દિગ્ગજ અર્થશાસ્ત્રી સ્ટીવ હૈંકે ટ્રમ્પના ટેરિફને લઈને કહ્યું કે, 'હજુ તો આ ફક્ત શરૂઆત છે. તેના પરિણામ હજુ વધારે ગંભીર આવી શકે છે. ટ્રમ્પની વેપાર નીતિ, ભારતથી તેમનું દૂર થવું અને પાકિસ્તાન સાથે દોસ્તાના વ્યવહાર આર્થિક અને ભૂ-રાજકીય સંકટ ઊભુ કરી શકે છે.'
સવારે હાથ મિલાવે અને રાત્રે છરો ઘોંપે
ખુલીને વાત કરતા હૈંકે કહ્યું કે, 'ટ્રમ્પ એવા માણસ છે, જે સવારે મોદી સાથે હાથ મિલાવી શકે છે અને રાત્રે તેમની પીઠમાં છરો ઘોંપી શકે છે. ભારત લાંબા સમય સુધી અમેરિકા પર લાંબો સમય નિર્ભર નહીં રહે. કારણ કે, ચીન વધુ પ્રભાવશાળી દેશ છે. તેમની પાસે ખનન, ધાતુ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના રૂપે મોટા હથિયાર છે. ચીનનો આ ત્રણેય ક્ષેત્રે પોતાનો દબદબો છે. ચીનના આ દબદબાએ ટ્રમ્પને ફરી ગઠબંધન કરવા મજબૂર કર્યું છે. મને લાગે છે કે, ટ્રમ્પનું ભારતથી દૂર થઈને પાકિસ્તાન તરફના ઝૂકાવનું કારણ પાકિસ્તાનને તસવીરમાં લાવવાનું છે. પરંતુ, અચાનક આવું કેમ? શું તે એક સ્થિર અર્થતંત્ર છે? પરંતુ, તેનું કારણ અર્થતંત્ર નહીં ભૂ-રાજનીતિ છે. પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ ગત મહિને બે વાર અમેરિકા આવ્યા હતા. તે ઈરાન પર એક અન્ય હુમલા અથવા સંભવિત હુમલાની તૈયારી કરી રહ્યા છે.'
અમેરિકામાં મંદી?
હૈંકે ટેરિફને લઈને કહ્યું કે, 'આ અમેરિકન ગ્રાહકો માટે એક છૂપો ટેક્સ છે. આ ટેક્સ ક્યાંક બીજેથી નથી આવતો, પરંતુ અમેરિકાથી જ આવે છે. કારણ કે, ભારતીય ઉત્પાદનો ખરીદતા સમયે અમેરિકાના લોકો જ તેનો સૌથી વધુ ઉપયોગ કરશે. છેલ્લાં અઢી વર્ષમાં અમેરિકન ચલણ ખૂબ જ કમજોર થયું છે. તેથી અર્થતંત્ર ડગી રહ્યું છે. અમેરિકા મંદીના આરે છે. ટ્રમ્પની નીતિ વિનાશ તરફ લઈ જઈ રહી છે.'
આ પણ વાંચોઃ દર વર્ષે 120 કરોડ સગીર બાળકો ઘર-શાળામાં ભોગવે છે શારીરિક સજા, WHO નો ચોંકાવનારો દાવો
અમેરિકન રાજદૂતોએ ગંભીર આરોપો લગાવ્યા!
નોંધનીય છે કે અમેરિકન રાજદૂત પીટર નવારોએ કહ્યું હતું કે, ભારત અમને માલ વેચીને પૈસા કમાય છે અને પછી તે પૈસાથી તે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદે છે, જે પછી રિફાઇનરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે અને તેઓ ત્યાંથી ઘણા પૈસા કમાય છે. આ ઉપરાંત, નવારોએ ભારતને રશિયાનું 'વોશિંગ મશીન' અને ટેરિફનો 'મહારાજા' પણ ગણાવ્યો હતો.