દર વર્ષે 120 કરોડ સગીર બાળકો ઘર-શાળામાં ભોગવે છે શારીરિક સજા, WHO નો ચોંકાવનારો દાવો
WHO Global Report: નોકરી-ધંધા અને સામાજિક સંબંધોમાં તણાવમાં રહેતા વાલીઓ તેમજ શિક્ષકો બાળકોને સુધારવા કે ભૂલ બદલ સજા કરવા ફટકારતા હોય છે. એવામાં આ અંગે WHO દ્વારા જાહેર કરાયેલા એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બાળકોને મારવાથી તેના આરોગ્ય અને વિકાસ ઉપર માઠી અસર પહોંચે છે અને મોટા થઈને તે ઝનુની-હિંસક અને ગુનાગાર કે ઠોઠ બનવાની ભીતિ વધી જાય છે.
કેવા બાળકોને વધુ માર પડે છે?
કોર્પોરલ (ફિઝીકલ) પનિશમેન્ટ ઑફ ચિલ્ડ્રન-ધ પબ્લિક હેલ્થ ઇમ્પેક્ટ નામના આ રિપોર્ટ અનુસાર, જે બાળકો ભણવા વગેરેમાં નબળા હોય છે, જેમના માતાપિતા પોતે બાળક હતા ત્યારે આવી સજા મેળવી હોય, જેમના માતા પિતા કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય કે ડિપ્રેસન સહિત માનસિક રોગથી પીડાતા હોય તેમના બાળકોને માર પડવાનું જોખમ વધારે છે.
17 ટકા બાળકોને નાજુક ભાગમાં થાય છે ઈજા
વિશ્વમાં દર વર્ષે આશરે 120 કરોડ 18 વર્ષથી નાની વયના સગીર બાળકોને ફટકારીને શારીરિક સજા અપાતી હોય છે. 58 દેશોમાંથી મળેલી માહિતી દર્શાવે છે કે, 17 ટકા બાળકોને તો માથા, મુખ, કાન જેવા નાજુક ભાગમાં ઈજા થાય તેવો માર મારવામાં આવ્યો છે. જેમાં કઝાખસ્તાન, યુક્રેન, સર્બિયા જેવા દેશોમાં આ પ્રમાણ ઘણુ વધારે છે. WHOના ડાયરેક્ટર એટિન ક્રુગે જણાવ્યું કે, નાનપણમાં મારવાથી બાળકોના આરોગ્ય પર અનેક પ્રકારનું જોખમ સર્જાય છે તે માટે હવે પુરતા વૈજ્ઞાાનિક પુરાવા છે.
આ પણ વાંચોઃ સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ
બાળકોને મારવાથી તેમના પર ભવિષ્યમાં શુ અસર થાય?
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મૂજબ બાળકોને શારિરીક સજા કરવાથી નીચે મુજબની અસર જોવા મળે છે.
- તેનું વર્તન એગ્રેસીવ થવું
- અભ્યાસમાં નબળો દેખાવ
- મોટા થઈને હિંસક, અસામાજિક, ગુનાખોરીમાં સંડોવણી
- તોફાની બાળકોને તો મારવા જોઈએ તેવી ખોટી ભાવના જનરેશનમાં આવવાની પૂરી શક્યતા રહેલી છે.