ઈલોન મસ્કે જેને કહ્યા 'સાપ' એને જ ટ્રમ્પે ભારતમાં આપી મોટી જવાબદારી, જાણો કોણ છે સર્જિયો ગોર?
Who Is Sergio Gor: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના સહાયક અને વિશ્વાસુ સર્જિયો ગોરને ભારતમાં અમેરિકન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયાની અમેરિકન ખાસ રાજદૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. આ એ જ વ્યક્તિ છે જેમણે ટ્રમ્પ અને ટેસ્લાના CEO ઈલોન મસ્ક વચ્ચે ઝઘડો કરાવ્યો હતો. એમના જ કારણે ટ્રમ્પ વહીવટીતંત્રથી મસ્કે રાજીનામું આપવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પ સાથે પડછાયાની જેમ રહેનારા ઈલોન મસ્કે મે મહિનામાં DOGEના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ આ વિવાદ જાહેરમાં સામે આવી ગયો હતો.
જૂન 2025માં ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સર્જિયો ગોરને 'સાપ' કહ્યા હતા. એક ન્યૂઝ અખબારના રિપોર્ટના જવાબમાં તેમણે આ હુમલો કર્યો હતો, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોરે પોતાની કાયમી સુરક્ષા મંજૂરી માટે જરૂરી લેખિત સુરક્ષા મંજૂરી નથી લીધી.
તમને જણાવી દઈએ કે, તે સમયે ગોર વ્હાઈટ હાઉસના 'પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસ'ના ડિરેક્ટર તરીકે હજારો એક્ઝિક્યુટિવ બ્રાન્ચ કર્મચારીઓની તપાસનું નિરીક્ષણ કરતા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની ઉચ્ચ-સ્તરીય તપાસ જવાબદારીઓ હોવા છતાં વચગાળાની મંજૂરી હેઠળ કામ કરી રહ્યા હતા. જો કે, વ્હાઈટ હાઉસે આ દાવાઓનું સખત ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ગોરે તમામ જરૂરી પગલાં લીધા હતા અને તેમની મંજૂરી સક્રિય હતી.
મસ્ક અને ગોર વચ્ચે તણાવ
કેબિનેટ બેઠકોમાં બંને વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતું. એક અહેવાલ પ્રમાણે મસ્ક અને ગોર વચ્ચે કેબિનેટ બેઠકો સહિત અનેક વખત ઉગ્ર દલીલો થઈ હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મસ્કે સ્ટાફ નિમણૂકોને લઈને અસહમતિ પર ગોરને ઠપકો પણ આપ્યો હતો.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપાત્ર સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બનાવ્યાં
આ ઉપરાંત ઈલોન મસ્કના સહયોગી જેરેડ આઈઝેકમાનને નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ના નેતૃત્વ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. અહેવાલ પ્રમાણે ગોરે ટ્રમ્પને આઈઝેકમાન પર એક ડોઝિયર સોંપ્યું હતું, જેમાં ડેમોક્રેટ્સને તેમના ભૂતકાળના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પગલાથી ઈલોન મસ્ક વધુ નારાજ થઈ ગયા હતા.
ઈલોન મસ્કનું રાજીનામું
ઈલોન મસ્કે મે મહિનામાં DOGE ના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. આ પદ પર તેમનું મુખ્ય કાર્ય ફેડરલ ખર્ચ ઘટાડવાનું હતું. તેમનું રાજીનામું ત્યારે આવ્યું જ્યારે તેઓ ખાસ સરકારી સલાહકાર તરીકેના તેમના કાર્યકાળના મહત્તમ સમયગાળાની નજીક પહોંચી ગયા હતા.