ટ્રમ્પ પાકિસ્તાન પર મહેરબાન! અમેરિકાએ બલૂચ લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું
Balochistan Liberation Army : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની પેટા-સંસ્થા 'મજીદ બ્રિગેડ'ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે જાહેર કરી છે. આ નિર્ણય પાકિસ્તાની આર્મી ચીફની વિનંતી સાથે સીધો સંબંધ ધરાવે છે, જેમણે બલુચ વિદ્રોહીઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આતંકી જાહેર કરાતા BLAને થશે નુકસાન
આ જાહેરાત બાદ BLA ને વૈશ્વિક સ્તરે મળતા ભંડોળ અને હથિયારો પર સીધી અસર પડશે. અમેરિકી કાયદા હેઠળ, હવે કોઈપણ વ્યક્તિ કે સંગઠન BLA ને આર્થિક કે તકનીકી મદદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આનાથી BLA નું નેટવર્ક નબળું પડશે. આ નિર્ણયથી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમર્થન મળશે, જેનાથી તેની સુરક્ષા સંબંધિત દલીલો મજબૂત થશે. આ જાહેરાતથી બલુચ વિદ્રોહી ગતિવિધિઓ પર માનસિક અસર થશે. સંગઠનના સમર્થકો માટે હવે વિદેશમાં ખુલ્લેઆમ ભંડોળ એકત્ર કરવું કે લોબિંગ કરવું મુશ્કેલ બનશે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે તેનાથી BLA દબાણમાં આવીને હુમલાઓ વધુ તીવ્ર બનાવી શકે છે.
અમેરિકન પત્રમાં BLAની આતંકી ઘટનાઓનો ઉલ્લેખ
અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં BLAની ઘણી આતંકવાદી ઘટનાઓમાં સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2024માં BLAએ કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ ઓથોરિટી નજીક આત્મઘાતી હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો. 2025માં BLAએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઈજેક કર્યું હતું, જેમાં 31થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.
BLAને આતંકી જાહેર કરાતા ચીનને ફાયદો
આ નિર્ણય ચીન માટે રાહતરૂપ છે, કારણ કે BLA એ ગ્વાદર પોર્ટ અને CPEC (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર) માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, વોશિંગ્ટનનો આ નિર્ણય પાકિસ્તાન-અમેરિકા સુરક્ષા સહયોગને મજબૂત કરશે, પરંતુ તે જ સમયે બલુચ ચળવળ પર તેની મોટી અસર થઈ શકે છે અને બલુચિસ્તાનના રાજકીય ઉકેલની શક્યતાઓ સમાપ્ત થઈ શકે છે. આ પહેલા 2019માં પણ અમેરિકાએ BLA ને 'ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી સંગઠન (SDGT)' તરીકે જાહેર કર્યું હતું, અને આ નવી જાહેરાત તે કાર્યવાહીને વધુ મજબૂતી આપે છે.
બલુચિસ્તાન રાષ્ટ્રની સ્થાપના કરવાનો BLAનો ઉદ્દેશ્ય
BLA એ પાકિસ્તાનમાં કાર્યરત એક બલુચ રાષ્ટ્રવાદી સશસ્ત્ર સંગઠન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બલુચિસ્તાન રાષ્ટ્રની સ્થાપના કરવાનો છે. આ સંગઠન પાકિસ્તાની સુરક્ષા દળો અને સરકારી સંસ્થાઓ પર હુમલા કરવા માટે જાણીતું છે. BLA દલીલ કરે છે કે પાકિસ્તાનની કેન્દ્ર સરકાર બલુચિસ્તાનના સમૃદ્ધ કુદરતી સંસાધનો (જેમ કે ગેસ અને ખનિજો)નું શોષણ કરી રહી છે અને ત્યાંના સ્થાનિક લોકોને તેમના અધિકારોથી વંચિત રાખી રહી છે. આ અન્યાય સામે લડવા માટે તેમણે સશસ્ત્ર વિદ્રોહનો માર્ગ અપનાવ્યો છે.
BLA ચીન-પાકિસ્તાન માટે પડકાર
BLA માને છે કે CPEC દ્વારા ચીન બલુચિસ્તાનના સંસાધનોનું શોષણ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ગ્વાદર પોર્ટ પર ચીનની વધતી હાજરી પણ બલુચ રાષ્ટ્રવાદીઓને સ્વીકાર્ય નથી. BLA દ્વારા ચીની નાગરિકો અને CPEC સંબંધિત પ્રોજેક્ટ્સ પર અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે, જે ચીન અને પાકિસ્તાન બંને માટે સુરક્ષાનો એક મોટો પડકાર છે. BLAએ પાછલા વર્ષોમાં પાકિસ્તાની સેના, પોલીસ, અને ચીની નાગરિકોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. તેના આત્મઘાતી હુમલા કરનાર યુનિટને 'મજીદ બ્રિગેડ' તરીકે ઓળખવામાં આવે છે. 2025માં, BLAએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઈજેક કર્યું હોવાનો દાવો કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.