McCormick Warns Trump on India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને ભારત સાથે આકરું વલણ દાખવ્યું છે, જોકે હવે તેમની જ પાર્ટીના નેતાએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ અને ટ્રમ્પની પાર્ટીના નેતા રિચ મૈકકોર્મિકે ભારત-પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને ટ્રમ્પ તંત્રને મહત્ત્વની સલાહ આપી છે. એટલું જ નહીં ડેમોક્રેટ સાંસદ એમી બેરાએ પણ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે.
ટ્રમ્પના સાંસદે પાકિસ્તાનની ફજેતી કરી, ભારતના વખાણ કર્યા
ટ્રમ્પના પાર્ટીના સાંસદ મૈકકોર્મિકે પાકિસ્તાની ફજેતી કરતાં ટ્રમ્પ તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ‘જો ભારતની મુશ્કેલી વધારવામાં આવશે તો આપણા દેશને ઘણું નુકસાન થવાની સાથે મુસીબતમાં પણ ફસાશે. ભારતના મુકાબલે પાકિસ્તાન અમેરિકામાં રોકાણ કરવામાં નિષ્ફળ ગયું છે. ભારત અમેરિકામાં રોકાણકારોને આકર્ષિક કરવાની સાથે પોતે રોકાણ કરે છે.’
‘ભારત અમેરિકાથી રોકાણ લે છે, સાથે રોકાણ પણ કરે છે’
મૈકકોર્મિકે ભારતની પ્રતિભા શક્તિના વખાણ કરીને કહ્યું કે, ‘પાકિસ્તાનમાં 30 કરોડની વસ્તી છે, તેમ છતાં તેઓ અમેરિકામાં રોકાણ કરતાં જોવા મળ્યા નથી. તેનીથી ઉલ્ટું ભારત રોકાણ પણ લે છે અને અમેરિકામાં રોકાણ પણ કરે છે.’
આ પણ વાંચો : ટેક જગતમાં ભૂકંપ: OpenAI અને માઈક્રોસોફ્ટ પર મસ્કનો કેસ, 11.65 લાખ કરોડ રૂપિયા માંગ્યા!
ટ્રમ્પના સાંસદે ભારતના ટેલેન્ટેડ લોકોના કર્યા વખાણ
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારત કુશળ લોકોને અમેરિકામાં મોકલવાની સાથે તે લોકો દેશના વિવિધ સેક્ટરોમાં મહત્ત્વની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે. ટેલેન્ટ ખૂબ જ મહત્ત્વનું છે અને ભારત વિશ્વભરમાં બહોળા પ્રમાણમાં ટેલેન્ટેડ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ભારત પ્રતિભાશાળી લોકોને અમેરિકા મોકલવાની સાથે અહીં મહત્ત્વના પદો પણ ભરી રહ્યું છે.’
તેમણે ટ્રમ્પ તંત્રને ચેતવણી આપતાં કહ્યું કે, ‘જો અમેરિકા ભારતને મિત્ર તરીકે અપનાવશે તો શાંતિ અને સ્મૃદ્ધિ થશે. જો આપણે ભારતને અલગ કરીશું તો તેનાથી ઘણું નુકસાન થવાની સાથે સંકટ પણ ઊભું થશું.’
અમેરિકામાં પાકિસ્તાનનું કોઈ રોકાણ નહીં
કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય મૂળના ડેમોક્રેટ સાંસદ એમી બેરાએ મૈકકોર્મિકની વાત પર સંમતિ વ્યક્ત કરી છે. બેરાએ કહ્યું કે, ‘અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ સંબંધો વિકસ્યા છે, જોકે તેમ છતાં પાકિસ્તાન અમેરિકન કંપનીઓમાં અબજો ડૉલરનું રોકાણ કરતી નથી. અમેરિકા પાકિસ્તાનને કોઈપણ પ્રકારનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવી રહ્યું નથી. અમેરિકન કંપનીઓ પણ પાકિસ્તાનમાં અબજ ડૉલરોનું રોકાણ કરતી નથી. આવું માત્ર ભારતમાં થાય છે.’
આ પણ વાંચો : ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર


