Get The App

ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર 1 - image


Donald Trump and India Tariff News : ભારત અને અમેરિકા વચ્ચે બહુપ્રતિક્ષિત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાની વાતચીત અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. આ મહત્ત્વપૂર્ણ સમયગાળા વચ્ચે, અમેરિકન સેનેટરોના એક જૂથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત દ્વારા આયાતી દાળ પર લગાવવામાં આવેલા 30% ટેરિફને હટાવવા માટે દબાણ લાવવાની માંગ કરી છે.

ટ્રમ્પને લખેલા પત્રમાં શું છે મુખ્ય માંગ?

અમેરિકન સેનેટરોએ પ્રમુખ ટ્રમ્પને લખેલા પત્રમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં 'કઠોળના પાક માટે અનુકૂળ જોગવાઈઓ' સામેલ કરવામાં આવે. તેમની મુખ્ય માંગ એ સુનિશ્ચિત કરવાની છે કે ભારતને અમેરિકન ખેડૂતો દ્વારા વેચવામાં આવતા પીળા વટાણા (દાળ) પરનો 30% ટેક્સ સંપૂર્ણપણે દૂર કરે.

ભારત સૌથી મોટો ઉપભોક્તા, અમેરિકા મુખ્ય ઉત્પાદક

આ મુદ્દો અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે નોર્થ ડકોટા અને મોન્ટાના જેવા રાજ્યો વટાણા સહિત કઠોળના પાકના ટોચના બે ઉત્પાદકો છે. બીજી તરફ, ભારત આ પાકનો વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા છે, જે વિશ્વના કુલ વપરાશનો લગભગ 27% હિસ્સો ધરાવે છે. સેનેટરોનું માનવું છે કે જો વેપારની તકો મળે તો અમેરિકન ખેડૂતો ભારતની આ માંગને પહોંચી વળવા અને વિશ્વને અનાજ પૂરું પાડવા માટે સક્ષમ છે.

ટેરિફને કારણે અમેરિકાને નુકસાન

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે 30 ઑક્ટોબર, 2025ના રોજ પીળા વટાણા પર 30% ટેરિફ લગાવ્યો હતો, જે 1 નવેમ્બર, 2025થી લાગુ થયો છે. આ ઊંચા ટેરિફને કારણે, અમેરિકન કઠોળ ઉત્પાદકોને ભારતમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોની નિકાસ કરતી વખતે સ્પર્ધામાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પહેલા પણ કરી ચૂક્યા છે માંગ

સેનેટરોએ ટ્રમ્પને યાદ અપાવ્યું કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેમણે આ મુદ્દે પત્ર લખ્યો હતો. ત્યારે, ટ્રમ્પે 2020માં ભારત સાથેની વેપાર વાટાઘાટો દરમિયાન તે પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ આપ્યો હતો, જેનાથી અમેરિકન ઉત્પાદકોને વાટાઘાટોના ટેબલ પર સ્થાન મળ્યું હતું. સેનેટરોએ ફરી એકવાર ટ્રમ્પને વિનંતી કરી છે કે તેઓ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દા પર ભારપૂર્વક વાત કરે, કારણ કે તેનાથી અમેરિકન ઉત્પાદકો અને ભારતીય ગ્રાહકો બંનેને ફાયદો થશે અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધશે.