અમેરિકાની સંસદમાં PM મોદી અને પુતિનના ફોટોની ચર્ચા, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠ્યા સવાલ

| (IMAGE - IANS) |
Sydney Kamlager Dove slams Donald Trump: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથેની તાજેતરની તસવીરને ટાંકીને, અમેરિકી પ્રતિનિધિ સિડની કામલાગર-ડોવએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી કે ટ્રમ્પની આ નીતિઓથી અમેરિકાને જ નુકસાન થશે.
હાઉસ ફોરેન અફેયર્સની દક્ષિણ અને મધ્ય એશિયા ઉપસમિતિની સુનાવણીમાં બોલતાં સિડની કામલાગર-ડોવએ કહ્યું કે, 'અમેરિકાની સમૃદ્ધિ, સુરક્ષા અને વૈશ્વિક નેતૃત્વ માટે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમેરિકા-ભારત ભાગીદારીને જે નુકસાન થયું છે તેને તાત્કાલિક ઘટાડીને સહયોગ ફરીથી સ્થાપિત કરવો જરૂરી છે.'
ટ્રમ્પના શાસનમાં દ્વિપક્ષીય સંબંધો બગડ્યા
ડોવએ વધુમાં કહ્યું કે, 'જ્યારે ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યું, ત્યારે બાઇડન પ્રશાસને તેમને શિખર પરના મજબૂત દ્વિપક્ષીય સંબંધો સોંપ્યા હતા. જોકે, ટ્રમ્પે તેમની વ્યક્તિગત ફરિયાદો સંતોષવા માટે અમેરિકાના રાષ્ટ્રીય હિતોના ભોગે, દાયકાઓથી બનાવેલી મૂડીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી.'
નોબેલ પુરસ્કારની લાલસાએ સંબંધો બગાડ્યા
ભારત સાથે અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો અને જોડાણ ત્યાં સુધી સુધરશે નહીં, જ્યાં સુધી પ્રમુખ ટ્રમ્પ પોતાનો દૃષ્ટિકોણ નહીં બદલે. ડોવએ ચેતવણી આપી કે ટ્રમ્પ તેવા અમેરિકન પ્રમુખ તરીકે યાદ રહેશે જેમણે ભારતને ગુમાવી દીધું. વધુ ચોક્કસ કહીએ તો, તેમણે રશિયન સામ્રાજ્યને પુનર્જીવિત કરીને, ટ્રાન્સ એટલાન્ટિક જોડાણને તોડીને અને લેટિન અમેરિકાને ધમકાવીને ભારતને અમેરિકાથી દૂર ધકેલી દીધું. આ એવી વિરાસત નથી, જેના માટે કોઈ પણ પ્રમુખને ગર્વ હોવો જોઈએ.
જ્યારે ઇતિહાસમાં આ બાબત લખવામાં આવશે કે ટ્રમ્પની ભારત પ્રત્યેની શત્રુતા ક્યાંથી શરુ થઈ, ત્યારે તેમાં એક એવા કારણનો ઉલ્લેખ હશે જેનો અમેરિકાના લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતો સાથે કોઈ સંબંધ નથી-તે છે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની તેમની વ્યક્તિગત લાલસા. ભલે આ કારણ હાસ્યાસ્પદ લાગે, પરંતુ તેનાથી થતું નુકસાન ઓછું નથી.
આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ, જાણો તેનાથી USને શું ફાયદો અને ભારત પર શું અસર થશે?
ભારત પર લગાવેલી ટેરિફ નીતિની ટીકા
ડોવના મતે, ભારત પર 50% જેટલો ઊંચો ટેરિફ લગાવવો(જે અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ છે) તે નીતિએ બંને દેશો વચ્ચેની નેતા-સ્તરની બેઠકોમાં અવરોધ ઊભો કર્યો. વધુમાં, ભારતને ટાંકીને રશિયન તેલની આયાત પર લગાવેલો 25% ટેરિફ એકદમ નિરર્થક છે, કારણ કે સ્ટીવ વિટકૉફ ગુપ્ત રીતે પુતિનના સલાહકારો સાથે વ્યાવસાયિક રોકાણના બદલામાં યુક્રેનને વેચવાના સોદા કરી રહ્યા છે.
વિઝા નિયમો: લોકોના સંબંધો પર હુમલો
ડોવના મતે, ટ્રમ્પે ટેરિફ ઉપરાંત, અમેરિકા અને ભારત વચ્ચેના લોકોના પરસ્પર સંબંધો પર પણ હુમલો કર્યો છે. H-1B વિઝા પર $100,000નો ચાર્જ લગાવવો(જેના 70% લાભાર્થી ભારતીયો છે) તે અમેરિકામાં વિજ્ઞાન, ટૅક્નોલૉજી, ચિકિત્સા અને કલાના ક્ષેત્રમાં ભારતીયોના અતુલનીય યોગદાનનું અપમાન છે.

