America Conducted a Nuclear Missile Test : અમેરિકી વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડે બુધવારે (5 નવેમ્બર) કેલિફોર્નિયાના વાન્ડેનબર્ગ એર ફોર્સ બેઝ પરથી હથિયાર વગરની મિનિટમેન-3 આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ(ICBM)નું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ રેગ્યુલર ટેસ્ટિંગનો એક ભાગ છે. જોકે, આ અંગે ટ્રમ્પ અને અમેરિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.
ટ્રમ્પના નિવેદન બાદ થયું મિસાઇલ ટેસ્ટિંગ
આ મિસાઇલે લગભગ 6759 કિલોમીટરની મુસાફરી કર્યા બાદ, માર્શલ આઇલૅન્ડના રોનોલ્ડ રીગન બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ટેસ્ટ સાઇટ પર સફળ લેન્ડિંગ કર્યું છે. આ પરીક્ષણ એવા સમયે કર્યું, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં કહ્યું હતું કે, ‘રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા દેશો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે, તેથી અમેરિકાએ પણ તેઓથી પાછળ ન રહેવું જોઈએ.’ જોકે, ઊર્જા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, હાલમાં વિસ્ફોટવાળા પરમાણુ પરીક્ષણો કરવામાં આવશે નહીં.
મિનિટમેન-3ની વિશેષતાઓ
- મિનિટમેન-3 એ અમેરિકાની સૌથી જૂની આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ છે.
- આ સૌથી જૂની મિસાઇલ 1970ના દાયકાથી સેવામાં છે.
- તેની મારક ક્ષમતા 13,000 કિલોમીટર સુધીની છે.
- મિનિટમેન-3 પરમાણુ વોરહેડ લઈ જવામાં સક્ષમ છે.
- અમેરિકા પાસે હાલમાં લગભગ 400 જેટલી આવી મિસાઇલો છે.
- આ મિસાઇલ એક જ મિનિટમાં સજ્જ થઈ જતી હોવાના કારણે તેનું નામ 'મિનિટમેન' રખાયું છે.
મિસાઇલ 50 વર્ષ જૂની છતાં વિશ્વાસપાત્ર
જનરલ એસ.એલ. ડેવિસે કહ્યું કે, આ પરીક્ષણથી સાબિત થયું છે કે, 50 વર્ષ જૂની હોવા છતાં મિનિટમેન-3 હજી પણ વિશ્વાસપાત્ર છે. આ પહેલા મે મહિનામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલાથી યોજના બનાવ્યા બાદ આવા પ્રકારના પરીક્ષણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : વિશ્વભરને ચેતવણી... તાપમાન વધશે તો શું થશે? જુઓ રિપોર્ટ


