બ્રિટન કરશે ભારતની 'નકલ'! આધાર કાર્ડની જેમ 'બ્રિટ કાર્ડ' બનાવાશે, PM સ્ટાર્મરની વિચારણા

Britain identity system: બ્રિટન વડાપ્રધાન કીર સ્ટાર્મરે તાજેતરમાં મુંબઈની મુલાકાત દરમિયાન તેમણે ભારતની આધાર સિસ્ટમની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું આ સિસ્ટમ જોઈને ખૂબ પ્રભાવિત થયો છું અને અમારા દેશની નવી ડિજિટલ ઓળખ યોજના, બ્રિટકાર્ડ માટેના મોડેલ તરીકે તેનો ઉપયોગ કરવાની યોજના બનાવવાનું વિચારી રહ્યા છીએ.'
આધાર એક ડિજિટલ ID નંબર છે, જે દરેક ભારતીય નાગરિકને મળે છે. તેમાં નાગરિકની માહિતી, ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક ડેટા જોડાયેલા છે. આ સરકારને ખાતરી કરવામાં મદદ કરે છે, કે સરકારી લાભો યોગ્ય લોકો સુધી પહોંચે અને છેતરપિંડી ઓછી થાય.
'અમારો ધ્યેય ગેરકાયદેસર કામદારોને રોકવાનો છે'
બ્રિટનની યોજના કંઈક અલગ છે. તેમનો ધ્યેય ગેરકાયદેસર કામદારોને રોકવાનો છે જેથી યોગ્ય લોકોને જ સરકારી સેવાઓનો લાભ મળી શકે. જો કે, ત્યાંના રહેવાસીઓ તેમની ગોપનીયતા વિશે પણ ચિંતા છે અને વધુ પડતી સરકારી દેખરેખ ઇચ્છતા નથી.
ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી સાથે પણ મુલાકાત કરી
કીર સ્ટાર્મરની મુંબઈ યાત્રા દરમિયાન તેમણે આધારના મુખ્ય શિલ્પી, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી સાથે પણ મુલાકાત કરી હતી.. બંનેએ ભારતના અનુભવોના આધારે બ્રિટનમાં એક મજબૂત અને સુરક્ષિત ડિજિટલ ID સિસ્ટમ બનાવવાની ચર્ચા કરી હતી.
બ્રિટન તેની સિસ્ટમમાં બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ નહીં કરે
નોંધનીય છે કે, આધારે ભારતમાં ઘણા સરકારી કાર્યોને સરળ બનાવ્યા છે, પરંતુ તેનાથી ગોપનીયતાની ચિંતાઓ પણ વધી છે. બ્રિટિશ સરકારના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, બ્રિટન તેની સિસ્ટમમાં બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ નહીં કરે અને ડેટા સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.