ટૅક્નોલૉજીનો દુરુપયોગ કરીને ‘ભુખ્ખડ જાપાની’ બે વર્ષમાં 21 લાખ રૂપિયાનું મફતિયું ભોજન ઝાપટી ગયો

Japanese man free food scam: પારકાં નાણા માટે બૅંક જેવી સંસ્થાઓને ચૂનો લગાડતા લોકો વિશે તો ઘણીવાર સાંભળવામાં આવે છે, પણ મફતિયા ભોજન માટે કોઈ ફૂડ ડિલિવરી એપને ઉલ્લુ બનાવતા ‘ભુખ્ખડ બદમાશ’ વિશે સાંભળ્યું છે? ભારતમાં તો નહીં, પણ સાગરપારથી ખબર આવ્યા છે કે, એક જાપાની યુવાન મફતના ભોજન માટે ફૂડ ડિલિવરી ઍપ્લિકેશન્સને સતત બે વર્ષથી છેતરતો આવ્યો છે, અને એય પાછી જેવીતેવી છેતરપિંડી નથી. એ યુવાન છેલ્લા બે વર્ષમાં લગભગ 21 લાખ રૂપિયાનું મફતિયું ભોજન ઝાપટી ગયો છે. વાંચીને હસવું આવે એવા આ ગુનાની વિગતોમાં ઊંડા ઉતરીને જાણીએ કે આખરે એણે કેવી તરકીબો લગાવીને આ બદમાશી કરી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પના નવા ટેરિફ, આયાત કરેલી ટ્રક અને તેના પાર્ટ્સ પર 25% અને બસ સામે 10% ઝીંક્યો
1 પણ રૂપિયો ચૂકવ્યા વિના 1,095 ઑર્ડર કર્યા!
38 વર્ષના આરોપી ‘તાકુયા હિગાશિમોટો’ પર આરોપ લાગ્યો છે કે, એણે એપ્રિલ, 2023થી જુલાઈ, 2025 સુધી 'ડેમાએ-કાન' નામની લોકપ્રિય ફૂડ ડિલિવરી સેવાનો દુરુપયોગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન એક પણ રૂપિયો ચૂકવ્યા વિના એણે 1,095થી વધુ ફૂડ ઑર્ડર કર્યા હતા, જેની કિંમત લાખો રૂપિયા થતી હતી!
તાકુયાએ 'કોન્ટેક્ટલેસ ડિલિવરી'ની સગવડને હથિયાર બનાવ્યું
ફૂડ ડિલિવરી એપ દ્વારા અપાતી 'કોન્ટેક્ટલેસ ડિલિવરી'ની સગવડનો તાકુયાએ હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. કોન્ટેક્ટલેસ ડિલિવરીમાં ગ્રાહક એપ દ્વારા ફૂડનો ઑર્ડર આપે છે અને ઓનલાઇન ચૂકવણી કરે છે. ડિલિવરી કરનાર કર્મચારી ગ્રાહકના સરનામા પર દરવાજાની બહાર ફૂડનું પેકેટ મૂકીને જતો રહે છે અને એપ દ્વારા ગ્રાહકને ફૂડ ડિલિવર થઈ ગયાનું સૂચિત કરી દે છે. ત્યારબાદ ગ્રાહક દરવાજો ખોલીને પેકેટ લઈ લે છે. આમ, આ સગવડને લીધે ગ્રાહકે ફૂડ ડિલિવરી પર્સન સાથે સીધો સંપર્ક કરવાનો હોતો નથી.
'કોન્ટેક્ટલેસ ડિલિવરી'નો દુરુપયોગ કઈ રીતે કર્યો?
તાકુયા શું કરતો? એ ફૂડ પેકેટ લઈ લેતો અને પછી તરત જ એપ પર ફરિયાદ દાખલ કરતો કે, એને ઑર્ડર પહોંચ્યો જ નથી. આ કામ માટે એ કદી કસ્ટમર કેર સાથે ફોન કૉલ પર વાત નહોતો કરતો, કાયમ ચેટ સુવિધા દ્વારા મેસેજ કરીને જ ફરિયાદ નોંધાવતો, જેથી એનો કોલ રૅકોર્ડ થવાની શક્યતા જ ઊભી ન થાય. ડિલિવરી પર્સને ભૂલથી કોઈ બીજા માણસને ફૂડ પહોંચાડી દીધું હશે, એમ માનીને ડિલિવરી એપ તાકુયાના એકાઉન્ટમાં નાણાં પરત કરી દેતી. છેતરપિંડીની આવી રમત કોઈ ગ્રાહક રમતું ન હોવાથી તાકુયા પર શંકા નહોતી કરાતી.
ઓળખ છુપાવવા સજ્જડ તરકીબો લગાવી
પોતાની ઓળખ છુપાવવા માટે અને કોઈ પોતાના પર શંકા ન કરે એ માટે તાકુયાએ ટૅક્નોલૉજીનો પણ ચાલાકીપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેણે ડિલિવરી એપ પર 124થી વધુ નકલી એકાઉન્ટ બનાવ્યા હતા અને તે દર વખતે અલગ-અલગ એકાઉન્ટ પરથી ઑર્ડર કરતો, જેથી આવી બદમાશી કોઈ એક જ વ્યક્તિ કરી રહી છે, એવી કોઈને શંકા ન જાય. આટલા બધા એકાઉન્ટ્સ બનાવવા માટે તેણે અસંખ્ય પ્રીપેઈડ મોબાઇલ સિમ કાર્ડ ખરીદ્યા હતા. નવા ઑર્ડર માટે બનાવટી નામો અને અલગઅલગ સરનામાનો પણ એ ઉપયોગ કરતો. ક્યારેક કોઈ શોપિંગ મોલની બહાર ઑર્ડર મંગાવતો, તો ક્યારેક કોઈ સરકારી ઑફિસની બહાર! ઑર્ડર પૂરો થઈ જાય, ચૂકવેલા નાણા એના એકાઉન્ટમાં આવી જાય એટલે એ એકાઉન્ટ ડિલિટ કરી દેતો અને પછી ફરી ઑર્ડર કરતી વખતે ‘નવી ગિલ્લી, નવો દાવ’ અજમાવતો.
આટલી તકેદારી છતાં કઈ રીતે ઝડપાયો?
30 જુલાઈ, 2025ના રોજ તાકુયાએ એક નવા એકાઉન્ટ પરથી ફૂડનો ઑર્ડર આપ્યો અને ફૂડ મળી જતાં ચૂકવેલી રકમ પાછી મેળવવા ચેટ સુવિધા દ્વારા ફરિયાદ કરી. આ વખતે ફૂડ ડિલિવર કરતી કંપનીને શંકા ગઈ, કેમ કે આવું વારંવાર થઈ રહ્યું હતું. તેમણે ભૂતકાળના આવા તમામ ઑર્ડર્સની હિસ્ટ્રી કાઢીને એનું લાંબું લિસ્ટ પોલીસને આપ્યું. પોલીસે તપાસ કરી. બે-અઢી મહિના લાગ્યા, પણ આખરે ઑક્ટોબર મહિનામાં પોલીસ તાકુયા સુધી પહોંચી ગઈ અને એની ધરપકડ કરી.
આ પણ વાંચો: અમેરિકાના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી કહ્યું - ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો
21 લાખનું નુકસાન!
તાકુયાની છેતરપિંડીના કારણે ફૂડ ડિલિવરી કંપનીને 37 લાખ યેન(ભારતીય રૂપિયામાં લગભગ 21 લાખ)નું નુકસાન થયું છે. પોલીસ સામે કરેલી કબૂલાતમાં તાકુયા હિગાશિમોટોએ કહ્યું હતું કે, પહેલા જ પ્રયાસમાં એની યોજના સફળ થતાં એને પ્રોત્સાહન મળ્યું હતું, જેને લીધે એ લાગલગાટ બે વર્ષ સુધી આવી છેતરપિંડી કરતો રહ્યો હતો. જાપાની પ્રજા બહુ મહેનતુ અને પ્રામાણિક ગણાતી હોવાથી આ કિસ્સાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. જાપાનીઓ માની જ નથી શકતા કે, ફૂડ જેવી વસ્તુ માટે કોઈ વ્યક્તિ આટલી નિમ્ન હદે જવા તૈયાર થાય. આખો દેશ હવે એ વાતની રાહ જોઈ રહ્યો છે કે, આવા ગુના માટે કૉર્ટ ગુનેગારને કેવી સજા આપે છે.

