બ્રિટનમાં ગુરુદ્વારાને ક્લિનચીટ, કહ્યું - ખાલિસ્તાન સંબંધિત બેનરો લગાવવા નિયમ વિરુદ્ધ નથી
UK Charity Law: બ્રિટનના એક ગુરુદ્વારા પર લગાવવામાં આવેલા ખાલિસ્તાન સંબંધિત બેનરો પર ચાલી રહેલા વિવાદમાં બ્રિટનની ચેરિટી નિયમનકારી સંસ્થાએ તેને ક્લીનચીટ આપી છે. ચેરિટી કમિશને કહ્યું કે, 'ખાલિસ્તાન સંબંધિત બેનરો લગાવવાથી ચેરિટીની રાજકીય પ્રવૃત્તિ સંબંધિત નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, બ્રિટનના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પરની આ તપાસ થોડા વર્ષો પહેલા અનેક ફરિયાદો બાદ શરૂ કરવામાં આવી હતી. આ ફરિયાદોમાંથી એક ખાલિસ્તાન સંબંધિત બેનરો અંગેની હતી. આ મામલે ચેરિટી કમિશનના પ્રવક્તાએ ગુરુવારે (સાતમી ઓગસ્ટ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે ગુરુદ્વારામાં લગાવવામાં આવેલા બેનરોની સંપૂર્ણ સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે તેમાં અમારા પ્રચાર અને રાજકીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું નથી.'
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 'ખાલિસ્તાન' શબ્દનો અર્થ ધાર્મિક આકાંક્ષા અને રાજકીય ધ્યેય બંને હોઈ શકે છે. ગુરુદ્વારામાં લગાવેલા બેનરો કોઈ રાજ્યની માંગણી કરી રહ્યા ન હોવાથી, ચેરિટી કાયદાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે.
ચેરિટી કાયદો શું કહે છે
બ્રિટિશ ચેરિટી કાયદો રજિસ્ટર્ડ ચેરિટી દ્વારા રાજકીય અભિવ્યક્તિ અથવા પ્રચાર કરવાની મંજૂરી આપે છે, પરંતુ ફક્ત તેમના ચેરિટી હેતુને આગળ વધારવાના સંદર્ભમાં. આ કિસ્સામાં અધિકારીઓએ શોધી કાઢ્યું કે બેનરો કોઈ અલગતાવાદી સંદેશ આપતા નહોતા અને ગુરુદ્વારાના ધાર્મિક ઉદ્દેશ્યો સાથે સુસંગત હતા.
ઉલ્લેખનીય છે કે, ગુરુદ્વારાના સંચાલનની તપાસ હજુ પણ ચાલુ છે. ડિસેમ્બર 2024માં કમિશને એક રેગ્યુલેટરી એક્શન પ્લાન જાહેર કર્યો હતો. જેમાં અનેક વ્યવસ્થાપન સુધારાઓ માટે હાકલ કરવામાં આવી હતી. આમાંના ઘણાં મુદ્દાઓ પર સંતોષકારક પ્રગતિ થઈ છે.