મારી બહેન મારા કરતા પણ વધુ સુંદર છે', UAEની મહિલા અધિકારીના 469 ઈમેલ સામે આવતા ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Epstein Files : અમેરિકાના ન્યાય વિભાગ (US Justice Department) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી 'એપસ્ટીન ફાઇલ્સ' અંગેના દસ્તાવેજોમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અહેવાલ મુજબ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વરિષ્ઠ રાજદ્વારી હિંદ અલ-ઓવૈસ અને કુખ્યાત જાતીય અપરાધી જેફ્રી એપસ્ટીન વચ્ચે સેંકડો ઈમેલનું આદાન-પ્રદાન થયું હતું. આ ઈમેલ અલ-ઓવૈસની એપસ્ટીન સાથેની સામાજિક મુલાકાતો અને તેમની નાની બહેનના સંદર્ભો સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, હિંદ અલ-ઓવૈસ મહિલા અધિકારોના પ્રખર સમર્થક હોવાની છબી ધરાવે છે.
રાજદ્વારી અને એપસ્ટીન વચ્ચેનો સંપર્ક
હિંદ અલ-ઓવૈસ હાલમાં યુએઈની સ્થાયી માનવ અધિકાર સમિતિ (PCHR) ના નિયામક છે અને સંયુક્ત રાષ્ટ્ર (UN) માં વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે. દસ્તાવેજો અનુસાર, તેણે 2011 થી 2012 દરમિયાન એપસ્ટીન સાથે લગભગ 469 ઈમેલની આપ-લે કરી હતી. જોકે, આ દસ્તાવેજોમાં અલ-ઓવૈસ પર કોઈ ગુનાહિત કૃત્યનો આરોપ લગાવવામાં આવ્યો નથી, પરંતુ ઈમેલ પરથી એ સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે સતત વાતચીત થતી હતી.
ઈમેલમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો મુજબ જાન્યુઆરી 2012 ના એક ઈમેલમાં અલ-ઓવૈસે એપસ્ટીનને લખ્યું હતું, 'એક છોકરીને તૈયાર કરવી જ મુશ્કેલ છે; બે છોકરીઓ ચોક્કસપણે એક પડકાર છે.' જેના જવાબમાં એપસ્ટીને પૂછ્યું હતું કે શું તેઓ સવારે 11 વાગ્યાની આસપાસ આવી શકે છે જેથી તેને 'બંને સાથે વધુ સમય' મળી શકે.
ઓવૈસ પોતાની બહેનની સુંદરતાના કર્યા વખાણ
અન્ય એક ઈમેલમાં અલ-ઓવૈસે તેની બહેનને એપસ્ટીન સાથે મળાવવાની વાત કરી હતી. તેણે લખ્યું, 'મારી બહેન અહીં છે અને મેં તેને તમારા વિશે ઘણી વાતો કરી છે. હું ઈચ્છું છું કે તે તમને મળે.' વધુમાં તેણે લખ્યું, 'હું તમને મળવા અને મારી બહેનનો પરિચય કરાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે મારા કરતા પણ વધુ સુંદર છે!'
બંન્ને સતત સંપર્કમાં હતા
દસ્તાવેજોમાં સામેલ કેલેન્ડર એન્ટ્રી અને મેસેજ દર્શાવે છે કે, આ કોઈ એક-બે વખતની વાતચીત નહોતી પરંતુ બંને સતત સંપર્કમાં હતા. અમેરિકી સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ દસ્તાવેજો કાચા અને અપ્રમાણિત રેકોર્ડનો ભાગ છે અને તેમાં એવો કોઈ સંકેત નથી કે અલ-ઓવૈસ એપસ્ટીનની ગુનાહિત પ્રવૃત્તિઓથી વાકેફ હતી.
કોણ હતો જેફ્રી એપસ્ટીન?
જેફ્રી એપસ્ટીન એક અમેરિકન ફાઇનાન્સર હતો, જે પાછળથી જાતીય શોષણ અને સેક્સ ટ્રાફિકિંગ જેવા ગંભીર અપરાધોને કારણે કુખ્યાત થયો હતો. તેના પર સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવાનો અને તેમને અમીર તેમજ શક્તિશાળી લોકો પાસે મોકલવાનો આરોપ હતો. 2008 માં તેણે ફ્લોરિડામાં સગીર છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો ગુનો કબૂલ્યો હતો. 2019 માં તેની ન્યૂયોર્કની જેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.









