India-EU FTA News: અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે યુરોપિયન યુનિયન(EU)ની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કરતાં એક મોટો દાવો કર્યો છે. દાવોસમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, રશિયન તેલની આયાત મુદ્દે ભારત પર સંયુક્ત ટેરિફ લાદવાના અમેરિકાના પ્રસ્તાવને યુરોપિયન દેશોએ ફગાવી દીધો હતો. બેસેન્ટના મતે, યુરોપ આ પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ ભારત સાથેની 'મધર ઑફ ડીલ્સ' એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA)ને અંતિમ રૂપ આપવાની તેમની લાલચ હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુરોપિયન યુનિયનના વડા ઉર્સલા વૉન ડેર લેયેન મોટી ટ્રેડ ડીલ કરવા માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જે વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે.
યુરોપની નીતિ પર અમેરિકાનો પ્રહાર
દાવોસમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં બેસેન્ટે વ્યંગ કરતાં કહ્યું કે, 'યુરોપના દેશો એકતરફ યુક્રેનનું સમર્થન કરે છે અને બીજી તરફ ભારતની રિફાઇનરીઓ પાસેથી રશિયન તેલના ઉત્પાદનો ખરીદીને પરોક્ષ રીતે રશિયાને જ યુદ્ધ માટે ફંડિંગ પૂરું પાડે છે.' તેમણે યુરોપની આ નીતિને 'મૂર્ખતાની પરાકાષ્ઠા' ગણાવી હતી.
સ્કોટ બેસેન્ટે આપ્યા 25% ટેરિફ હટાવવાના સંકેત
તેમજ બેસેન્ટે સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલો 25% વધારાનો ટેરિફ હવે હટાવવામાં આવી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના આ દબાણને કારણે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે આ ટેરિફ દૂર કરવાનો યોગ્ય સમય છે. હાલમાં અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લગાવ્યો છે, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ 25% દંડનો સમાવેશ થાય છે. ભારત આ ટેરિફને સતત 'અન્યાયી અને અતાર્કિક' ગણાવતું આવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેની ઊર્જા ખરીદી માત્ર રાષ્ટ્રીય હિત માટે છે.
ટ્રમ્પ પ્રશાસનનું આર્થિક દબાણ
આ દરમિયાન રિપબ્લિકન સીનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા રશિયન તેલની પુનઃ ખરીદી પર 500% જેટલો જંગી ટેરિફ લાદવાનું બિલ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેના પર ટ્રમ્પ પ્રશાસન વિચાર કરી રહ્યું છે. જોકે, આ આર્થિક દબાણની અસર દેખાઈ રહી હોય તેમ લાગે છે, કારણ કે ડિસેમ્બર મહિનામાં રિલાયન્સ અને સરકારી રિફાઇનરીઓ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે રશિયન ઇંધણના ખરીદદારોની યાદીમાં ભારત હવે ત્રીજા ક્રમે આવી ગયું છે.


