પાકિસ્તાનમાં 60 કલાકમાં તૂર્કી-ચીનના વિમાનોએ ડ્રોનનો જંગી જથ્થો ઉતાર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈસ્લામાબાદ/નવી દિલ્હી : પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનિરની સત્તામાં અમર્યાદિત વધારો કરતા ડિફેન્સ ફોર્સીસ ઓફ પાકિસ્તાન એક્ટને સંસદના બંને ગૃહોમાં મંજૂરી અપાઈ છે. ભારત માટે જોખમી આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનમાં ૬૦ કલાકમાં ચીન અને તૂર્કીના સૈન્ય વિમાનોએ જંગી પ્રમાણમાં ડ્રોન સહિતનો શસ્ત્ર સરંજામ ઠાલવ્યો હોવાના મીડિયા અહેવાલોથી સંરક્ષણ ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે. બીજીબાજુ ભારત આગામી મહિનામાં ફાઈટર જેટ સુખોઈ પરથી બન્કર બસ્ટર બોમ્બનું પરીક્ષણ કરવાનું હોવાથી એશિયામાં તણાવ વધી ગયો છે.
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને કારમા પરાજયનો સામનો કરવા છતાં આર્મી ચીફ આસિમ મુનીરે પાકિસ્તાની સેના અને સરકાર પર પોતાની પક્કડ મજબૂત કરતાં ફિલ્ડ માર્શલ બની ગયા હતા. હવે આસિમ મુનીરને કાયદાકીય રૂપે ત્રણે સેનાના પ્રમુખ બનાવવા તથા આર્મી, નેવી અને એરફોર્સના કમાન્ડ અને કંટ્રોલ આપવા માટે પાકિસ્તાની સંસદે ગુરુવારે ડિફેન્સ ફોર્સીસ ઓફ પાકિસ્તાન એક્ટ ૨૦૨૬ને બંને ગૃહોમાં પસાર કરી દીધો છે. આ કાયદા હેઠળ હવે પાકિસ્તાની સશસ્ત્ર સેનાના મુખ્યાલયને ડિફેન્સ ફોર્સીસ હેડક્વાર્ટર કહેવાશે, જેમાં ત્રણે સેનાના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર બેસશે.
પાકિસ્તાનમાં નાગરિક સરકાર પર આર્મીનું પ્રભુત્વ વધ્યું છે ત્યારે ભારત માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ સંજોગોમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની સત્તામાં વધારો ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનમાં ૬૦ કલાકમાં ચીન અને તૂર્કીના જંગી સૈન્ય પરીવહન વિમાનોએ પાકિસ્તાની એરબેઝના અનેક ચક્કર લગાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સૈન્ય સહાય આપનારા ચીન અને તૂર્કીના સૈન્ય વિમાનોના પરિવહને આ ક્ષેત્રમાં ભારે હલચલ મચાવી છે. બંને દેશોના સૈન્ય પરિવહનને મોટું રણનીતિક લોજિસ્ટિકલ પુશ માનવામાં આવે છે. સંરક્ષણ સૂત્રોએ ચીન અને તૂર્કીથી પાકિસ્તાન સુધી સૈન્ય હવાઈ ટ્રાફિકમાં અચાનક વધારા મારફત ઈસ્લામાબાદને ડ્રોન સહિતનો નવો શસ્ત્ર સરંજામ મળવાની આશંકા વ્યક્ત કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચીનના મિલિટ્રી એરક્રાફ્ટ રાવલપિંડી નજીક પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ અને કરાચીના મસરુર એરબેઝ પર ઉતરતા જોવા મળ્યા હતા. આ સાથે તૂર્કીના ટ્રાન્સપોર્ટ વિમાનો પણ પાકિસ્તાનના એરપોર્ટ પહોંચ્યા હોવાનું જોવા મળ્યું છે. બંને દેશોના ૬૦ કલાકના હવાઈ ઓપરેશન પાછળ પાકિસ્તાનમાં આધુનિક ડ્રોન અને અન્ય ખતરનાક શસ્ત્રો પહોંચાડાયા હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન ભારતની સંરક્ષણ સંસ્થા ડીઆરડીઓ અને એરફોર્સ સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૬માં સુખોઈ-૩૦ ફાઈટર વિમાનમાંથી ૫૦૦ કિલોના સ્વદેશી બન્કર બસ્ટર બોમ્બનું પરીક્ષણ કરવાના છે. દુશ્મન દેશોમાં અત્યંત આકરા બંકરો, કમાન્ડ સેન્ટર્સ અને રણનીતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા માટે આ બોમ્બ બનાવાયા છે. આગામી મહિનામાં થનારા પરીક્ષણમાં પીજીબી-૫૦૦ સ્વદેશી પ્રિસિજન ગાઈડેડ બોમ્બને વિમાન પર લઈ જવા, એરોડાયનેમિક બેલેન્સ અને સુરક્ષિત રિલીઝની તપાસ કરાશે.









