વધુ એક મુસ્લિમ દેશને ઈઝરાયલના હુમલાનો ડર લાગ્યો, 6 દેશોને હચમચાવી ચૂકી છે યહૂદી સૈના
Israel-Turkey Controversy : ઈઝરાયલે ગત અઠવાડિયે કતારની રાજધાની દોહા પર હુમલા કર્યા બાદ આખા ઈસ્લામિક જગત ગુસ્સે ભરાયું છે. આ હુમલામાં ઈઝરાયલે હમાસના કેટલાક વરિષ્ઠ કમાન્ડરોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ આજે દોહામાં જ 50 મુસ્લિમ દેશોના નેતાઓ એકઠા થઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ, તેઓ ઈઝરાયલ પર અંકુશ મૂકવા માટે અમેરિકા પર પણ દબાણ લાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જો આ પ્રકારના હુમલા ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ઈઝરાયલની ધમકી બાદ તૂર્કેઈ ભયભીત
નિષ્ણાતો માને છે કે, ઈઝરાયલના આ હુમલાના કારણે તુર્કેઈ પણ ભયભીત થયું છે, કારણ કે ઈઝરાયલી સેનાના ચીફ ઑફ જનરલ સ્ટાફ એયાલ ઝામિરે તાજેતરમાં કહ્યું હતું કે, ગાઝા બહાર અન્ય દેશોમાં પણ હમાસના ટોચના નેતાઓ આશ્રય લઈ રહ્યા છે, તેથી અમે તેઓને ત્યાં જ ટાર્ગેટ કરીશું. આ નિવેદન બાદ અને દોહા પર થયેલા હુમલાથી તૂર્કેઈની ચિંતામાં વધારો થયો છે, કારણ કે તૂર્કેઈમાં હમાસના ટોચના નેતાઓ આશ્રય લઈ રહ્યા છે. ઈઝરાયલનો આરોપ છે કે તૂર્કેઈ દ્વારા હમાસને આર્થિક મદદ મળી રહી છે.
શું ઈઝરાયલ તૂર્કેઈ પર પણ હુમલો કરશે?
તૂર્કેઈને ડર છે કે, ઈઝરાયલ તેમના પર પણ હુમલો કરી શકે છે. આ જ કારણથી ઈસ્લામિક દેશોની આજની બેક અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે કારણ કે તેમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કેઈ સહિત 50 દેશો સામેલ થઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ઈઝરાયલે યમન, લેબનાન, ઈરાન, સીરિયા, પેલેસ્ટાઈન અને કતાર પર હુમલા કર્યા છે. આમ ઈઝરાયેલે અત્યાર સુધીમાં કુલ છ દેશોને ટાર્ગેટ કર્યા છે, તેથી આવી સ્થિતિમાં તૂર્કેઈ પણ પોતાને બિલકુલ સુરક્ષિત માની શકે નહીં.
આ પણ વાંચો : ઈઝરાયલ વિરુદ્ધ દોહામાં એકત્ર થયા 50 મુસ્લિમ દેશોના નેતા, મોટો નિર્ણય લેવાની તૈયારી
કતારનું ઉદાહરણ અને તૂર્કેઈની દ્વિધા
ઈઝરાયલે દોહા પર હુમલો કરીને કતારને પોતાની સાહસિકતા બતાવી દીધી છે. કતાર અમેરિકાનું એક મોટું વ્યૂહાત્મક ભાગીદાર છે અને ત્યાં અમેરિકાનો લશ્કરી બેઝ પણ આવેલો છે. તેમ છતાં, ઈઝરાયલે ત્યાં હુમલો કરીને દેખાડી દીધું છે કે, તે કોઈપણ ભોગે પોતાના ટાર્ગેટ હાંસલ કરવા તૈયાર છે. આ જ બાબત તૂર્કેઈ માટે ચિંતાનું કારણ છે. તૂર્કેઈ પણ અમેરિકાનું સહયોગી અને નાટોનું સભ્ય છે. તેથી તૂર્કેઈને ડર છે કે, ઈઝરાયલ જો કતાર પર હુમલો કરી શકતું હોય તો તે તેના પર હુમલો થઈ કરી શકે છે. બીજીતરફ રાષ્ટ્રપતિ એર્દોઆનના સત્તામાં આવ્યા બાદ ઈઝરાયલ સાથેના તેના સંબંધો બગડ્યા છે.
આ પણ વાંચો : અમેરિકાના વિદેશમંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 32ના મોત