અમેરિકાના વિદેશમંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 32ના મોત
Israel Gaza War: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની મુલાકાત પહેલા ઈઝરાયલે ગાઝા પર તાબડતોડ હુમલા કર્યા છે. રવિવારે ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરમાં 30થી વધુ ઉંચી ઈમારતો પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 32 લોકો માર્યા ગયા છે. ગાઝા સિટીની શિફા હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં 12 બાળકો પણ સામેલ છે. આ હુમલાઓને કારણે હજારો લોકોને પલાયન કરવા માટે મજબૂર થવુ પડ્યું છે. આ હુમલાના થોડા જ કલાકોમાં ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરના અનેક ટાવર ખાલી કરવાના આદેશો પણ જારી કર્યા હતા. પેલેસ્ટિનિયન તબીબી કાર્યકરોએ આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયનોને ગાઝા શહેર ખાલી કરવાની અપીલ કરવામાં આવી છે.
મામલાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું કે, આ હુમલો ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા ગાઝા શહેર પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઈઝરાયલી દળો દ્વારા જમીન કાર્યવાહી શરૂ કરવામાં આવે ત્યારે ગાઝા બંધકોને નુકસાનથી કેવી રીતે બચાવવા તે અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠક પહેલા થયો છે. ઈઝરાયલે પહેલાથી જ કહી ચૂક્યુ છે કે તે ગાઝા શહેર પર કબજો કરીને રહેશે, જ્યાં લાખો પેલેસ્ટિનિયનો આશ્રય લઈ રહ્યા છે.
ગાઝામાં હુમલા વધારાયા
આ જ ઈરાદાથી ઈઝરાયલે તાજેતરના દિવસોમાં ગાઝા શહેરમાં હુમલાઓ વધારી દીધા છે, ઘણી ઊંચી ઈમારતોનો નષ્ટ કરી દીધી છે અને હમાસ પર તેમાં દેખરેખ રાખવાના ડિવાઈસ લગાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે રહેવાસીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે, જે સૌથી મોટા પેલેસ્ટિનિયન શહેરને કબજે કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા હુમલાનો ભાગ છે. ઈઝરાયલ તેને હમાસનો છેલ્લો ગઢ કહે છે જ્યાં લાખો લોકો હજુ પણ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
હુમલા પછી ધુમાડાના ગોટેગોટા દેખાયા
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, આખી રાત અને શનિવારે વહેલી સવારે થયેલા હુમલાઓમાંના એકમાં શેખ રદવાનના પડોશમાં એક ઘરને નિશાન બનાવ્યું હતું, જેમાં એક મહિલા અને તેના ત્રણ બાળકો સહિત 10 લોકોના પરિવારના મોત થયા છે. તસવીરોમાં હુમલાઓ પછી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. ઈઝરાયલી સેનાએ હુમલાઓ અંગેના સવાલોના તાત્કાલિક જવાબ નહોતા આપ્યા. સહાયક કાર્યકરોના જણાવ્યા પ્રમાણે વધતી જતી દુશ્મનાવટ અને શહેર ખાલી કરવાના આહવાનના ધ્યાનમાં રાખીને તાજેતરના અઠવાડિયામાં શહેર છોડીને જતા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.
આ પણ વાંચો: રશિયાના ડ્રોન હુમલા સામે NATO 'લાચાર', ઘાટ કરતાં ઘડામણ મોંઘી, યુદ્ધ મોંઘુ પડી રહ્યું છે
અઢી લાખથી વધુ લોકોએ ગાઝા છોડ્યું
સેનાના પ્રવક્તા અવિચાઈ અદ્રાઈએ જણાવ્યું કે, અઢી લાખથી વધુ લોકો ગાઝા શહેર છોડી ચૂક્યા છે. ગાઝામાં કામચલાઉ આશ્રયસ્થાનો સ્થાપવા માટે યુએનની આગેવાની હેઠળની પહેલ પ્રમાણે ગત અઠવાડિયા સુધીમાં 86,000થી વધુ ટેન્ટ અને અન્ય સામગ્રીની આપૂર્તિ માટે હજુ પણ ગાઝામાં પ્રવેશવાની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કુપોષણ સંબંધિત કારણોસર બાળકો સહિત સાત લોકોના મૃત્યુ થયા છે, જેનાથી યુદ્ધ શરૂ થયા પછી મૃત્યુઆંક 420 થયો છે, જેમાં 145 બાળકો સામેલ છે.