ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પના મિજાજ ઢીલાં પડ્યા, કહ્યું- ઈરાન સાથે વાતચીત સફળ થઇ તો યુદ્ધ નહીં કરીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump about Iran War : અમેરિકામાં તાજેતરમાં સંપન્ન થયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા મોટા રાજકીય ઝટકા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તેવરમાં નરમાઈ જોવા મળી રહી છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે જો ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધતી રહેશે, તો અમેરિકાને ફરીથી યુદ્ધના મેદાનમાં કૂદવાની કે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપવાની જરૂરિયાત ઊભી થવાની શક્યતા નહિવત છે.
વાતચીત અને મજબૂત સમજુતી પર આધાર
સીએનએન (CNN) સાથેની ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલો તે વાત પર નિર્ભર કરે છે કે શું ઈરાન કોઈ મજબૂત અને વ્યાપક સમજુતી (ડીલ) પર હસ્તાક્ષર કરવા તૈયાર થાય છે કે નહીં. તેમણે સ્વીકાર્યું કે તાજેતરની વાતચીતમાં સમજી શકાય તેવી પ્રગતિ થઈ છે. જોકે, તેમણે આ સાથે એ પણ દોહરાવ્યું હતું કે અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર હાસલ કરવા નહીં દે.
એક કલાકમાં 38 પુલ તબાહ કરવાની ધમકી પણ આપી
એક તરફ ટ્રમ્પે વાતચીત દ્વારા મામલો ઉકેલવાની આશા વ્યક્ત કરી છે, તો બીજી તરફ અમેરિકન સેનાની તાકાત અને સજ્જતા વિશે વાત કરતા તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે અમેરિકન સેના સંપૂર્ણપણે તૈયાર છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની સેનાએ ઈરાનના 38 પુલ સહિતના અનેક મહત્વપૂર્ણ માળખાકીય સ્થળોને પોતાના નિશાન પર રાખ્યા છે, જેને જરૂર પડ્યે માત્ર એક જ કલાકમાં નેસ્તનાબૂદ કરી શકાય છે. જો કે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ ઈરાનના માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવા નથી માંગતા, કારણ કે તેને ફરીથી બનાવવામાં આશરે 10 વર્ષનો સમય લાગી શકે છે.
મિડટર્મ ચૂંટણીની હાર અને વધતું રાજકીય દબાણ
ટ્રમ્પનું આ નવું વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે 3 નવેમ્બરે યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટી જીત મેળવીને સંસદના બંને સદનો (પ્રતિનિધિ સભા અને સેનેટ) પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. ચૂંટણી પરિણામોથી ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે અને હવે સંસદમાં ડેમોક્રેટ્સની તાકાત વધવાથી તેમને ઈરાન યુદ્ધ, સરકારી ખર્ચ અને અન્ય નીતિઓ બાબતે આંતરિક સ્તરે કડક સવાલોનો સામનો કરવો પડી શકે છે. આગામી સમયમાં ઈરાન સાથેની વાટાઘાટો કઈ દિશામાં જાય છે અને શું બંને દેશો કોઈ સ્થાયી સમજુતી સુધી પહોંચી શકે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.




