Get The App

અમેરિકા ઈરાનના ‘હોર્મુઝ’માં ફસાયેલા વિશ્વભરના તેલ ટેન્કરોને બહાર કાઢી આપશે : ટ્રમ્પની જાહેરાત

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા ઈરાનના ‘હોર્મુઝ’માં ફસાયેલા વિશ્વભરના તેલ ટેન્કરોને બહાર કાઢી આપશે : ટ્રમ્પની જાહેરાત 1 - image

US-Israeli War With Iran : અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો ઈરાન પણ વળતો જવાબ આપીને ઈઝરાયલ સહિત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલો ઝિંકી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં નાગરિકો અને સૈનિકો સહિત 1145 લોકોના મોત થયા છે. બીજીતરફ યુદ્ધના કારણે વિશ્વભર માટે અતિમહત્ત્વનો જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. બે દેશોના હુમલા બાદ ઈરાને ધમકી આપી હતી કે, હોર્મુઝમાંથી પસાર થતા ટેન્કરો પર હુમલા કરાશે. આ ધમકી બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો જવાબ આપ્યો છે.

અમેરિકાનું નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ આપશે : ટ્રમ્પ

ઈરાને હોર્મુઝ બંધ કરવાની ધમકી આપ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકાનું નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ આપશે. જેનાથી વિશ્વભરમાં ઊર્જાનો સપ્લાયમાં કોઈપણ અડચણ આવશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘જો જરૂર પડશે તો અમેરિકન નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પુરુ પાડશે. ભલે ગમે તે થાય, પરંતુ અમેરિકા વિશ્વાસ સાથે કહે છે કે, કોઈપણ અડચણ વગર વિશ્વભરને ઊર્જાનો પૂરવઠો મળતો રહેશે.’ ટ્રમ્પે આદેશ પણ આપ્યો છે કે, ‘કોમર્શિયલ જહાજોને વીમાની સુવિધા આપવામાં આવે, જેથી ડરી ગયેલા જહાજ માલિકોને સુરક્ષાનો અહેસાસ થાય.’

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મેં તાત્કાલીક અસરથી અમેરિકાના સંયુક્ત રાજ્ય વિકાસ નાણાંકીય નિગમ (DFC)ને આદેશ આપ્યો છે કે, તેઓ ખાડીમાંથી પસાર થતા તમામ ઊર્જા સહિત કોમર્શિયલ જહાજને નાણાંકીય સુરક્ષા આપવા માટે રાજદ્વારી જોખમ વીમો અને ગેરેન્ટી આપે. આ સુવિધા તમામ શિપિંગ લાઈનોને ઉપલબ્ધ કરાવવામાં આવે.’

આ પણ વાંચો : અમેરિકન સબમરીને શ્રીલંકન દરિયાકાંઠા પાસે ઈરાનનું જહાજ ડૂબાડ્યું, 80 લોકોના મોતની આશંકા

હોર્મુઝમાં 700 ટેન્કર ફસાયા

ઉલ્લેખનીય છે કે, ચીન અને જાપાનમાં 80થી 90 ટકા ક્રુડ તેલ પશ્ચિમ એશિયામાંથી આવે છે. ભારતમાં પણ 1.5 લાખ મિલિયન બેરલ ક્રુડ આ જળમાર્ગથી આવે છે. એવા અહેવાલો પણ છે કે હોર્મુઝથી પસાર થનારા પર્શિયલ ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતની 37 શિપ ફસાયેલી છે જેમાં કુલ 1109થી વધુ સેઇલર્સ કે સ્ટાફ અથવા નાવિકો સામેલ છે. યુદ્ધના કારણે આ વિસ્તારમાં 700 ટેન્કરો ફસાયેલા છે. ઇસ્ટ-વેસ્ટનો 86 ટકા ક્રૂડ ટ્રાફિક થંભી ગયો છે, એટલુ જ નહીં અનેક દેશોમાં ઇંધણ માર્કેટ મુશ્કેલીમાં મુકાયા છે. 1 માર્ચના રોજ 28 લાખ બેરલ લઇ જનારા માત્ર ત્રણ જ ટેન્કરો હોર્મુઝ પાર કરી શક્યા હતા. જ્યારે સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં દૈનિક 1.98 કરોડ બેરલ ટ્રાન્સપોર્ટ કરાય છે.

...તો ટેન્કરોની સંખ્યા અનેકગણી વધી જશે

બે માર્ચના રોજ શરૂઆતમાં માત્ર એક નાનુ ટેન્કર અને એક કાર્ગો શિપ મુખ્ય લેનમાંથી પસાર થયા હતા. જ્યારે અન્ય 700થી વધુ ટેન્કરો આ ખાડીમાં ફસાયા છે. 706 બિન ઇરાની ટેન્કરો ખાડીની બન્ને તરફ ખડકાયેલા પડયા છે. જેમાં 334 ક્રૂડ કેરિયર, 109 ડર્ટી પ્રોડક્ટ કેરિયર, 263 ક્લીન પ્રોડક્ટ વેસલ સામેલ છે. 26 ટેન્કરો કોઇ જ સ્પષ્ટ ડેસ્ટિનેશન વગર ખાડીમાં વહી રહ્યા છે. જ્યારે ઓમાનની ખાડીમાં અનેક ટેન્કરો બેકાર પડયા છે. જો લાંબા સમય સુધી આ ટેન્કરો અહીંયા ફસાયેલા રહ્યા તો ટેન્કરોની સંખ્યા અનેકગણી વધી શકે છે. અને ડિલિવરીનો સમય ખોરવાઇ જશે. હાલમાં ટ્રાન્સફોર્ટેશન સાથે સંકળાયેલા જહાજોનું ભાડુ પણ વધી રહ્યું છે. જેની અસર વિશ્વભરના ઇંધણના ભાવો પર પડી શકે છે. 

આ પણ વાંચો : અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું, અત્યાર સુધીમાં 1145 લોકોના મોત