ભારત પર ટ્રમ્પનો 100 ટકા ટેરિફ હાથવેંતમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયા પાસેથી ક્રૂડ-ગેસની ખરીદી બદલ ભારત સહિતના પાંચ દેશો પર ટેરિફનો કોરડો વિંઝાશે
- બિલ અમેરિકન સેનેટમાં 86-11ના જંગી બહુમતથી પસાર, હવે 31 ઓગસ્ટે પ્રતિનિધિ સભામાં રજૂ કરાશે
વોશિંગ્ટન : રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી કરતા દેશોને દંડ કરવા માટે તેમના પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવા માટેનું એક બિલ અમેરિકન સેનેટમાં જંગી મતોથી પસાર થઈ ગયું છે. આ બિલ હવે ૩૧ ઓગસ્ટે યુએસ પ્રતિનિધિ સભામાં રજૂ કરાશે ત્યાર પછી ટ્રમ્પના હસ્તાક્ષરથી તે કાયદો બની જશે. આ બિલનો આશય ભારત અને ચીન સહિતના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી કરતા રોકવાનો છે. પશ્ચિમી દેશોનું માનવું છે કે રશિયા સાથેના વેપારથી યુક્રેનમાં યુદ્ધમાં રશિયન પ્રમુખ પુતિનને મદદ મળી રહી છે.
યુક્રેન સામે રશિયાનું યુદ્ધ રોકવા માટે રશિયા પર નવા સેકન્ડરી પ્રતિબંધો અંગેનું એક બિલ અમેરિકન સેનેટમાં ૮૬ વિ. ૧૧ના જંગી બહુમતથી પસાર થઈ ગયું છે. આ બિલનું નામ બદલીને લિન્ડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ કરાયું છે. આ બિલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ આયાતકાર દેશો પર ૧૦૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી નાંખવાની સત્તા આપે છે. જોકે, આ બિલ પસાર થવાનો અર્થ એ નથી કે અમેરિકા ભારત પર ૧૦૦ ટકા ટેરિફ નાંખશે.
આ બિલ કેટલાક દેશોને રાહત પણ આપે છે, જેના હેઠળ રશિયાના કુદરતી ગેસની આયાત ૧૫ ટકાથી ઓછી હોય અને રશિયાની ગેસની ખરીદી સતત ઘટાડતા હોય તેવા દેશોને ટેરિફમાંથી મુક્તિની પણ જોગવાઈ છે. આ જોગવાઈના પગલે રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદતા ફ્રાન્સ, હંગેરી, બેલ્જિયમ, જાપાન જેવા દેશોને રાહત મળે તેવી શક્યતા છે.
હાલમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસના ટોચા પાંચ આયાતકાર દેશ છે. રશિયા પર અમેરિકા સહિત પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી વિક્રમી પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી છે. રશિયા પર પ્રતિબંધો ઉપરાંત આ બિલ ઈરાન સેન્ક્શન એક્ટ ઓફ ૧૯૯૬ની સમય મર્યાદાને ૨૦૩૧ સુધી લંબાવવાની પણ મંજૂરી આપે છે. સૂચિત કાયદા હેઠળ અમેરિકા ઈરાનના ઊર્જા ક્ષેત્રોમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ કરશે.
અમેરિકન સેનેટમાં પસાર થયેલા આ બિલનો અન્ય એક આશય રશિયાની સાથે પ્રમુખ વ્લાદિમીર પુતિન, રશિયાના ઉદ્યોગપતિઓ અને નાણાકીય સંસ્થાઓ પર પણ આર્થિક પ્રતિબંધ મૂકવાનો છે. આ બિલને અમેરિકાના બંને પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંનેનું સમર્થન હતું. રશિયાને યુક્રેન યુદ્ધમાં આર્થિકરીતે સદ્ધર થતું રોકવા માટે લિન્ડસે ગ્રાહમે આ બિલ સેનેટમાં રજૂ કર્યું હતું. પરંતુ કીવના પ્રવાસ પછી અચાનક જ ૧૧ જુલાઈએ ગ્રાહમનું મોત થઈ ગયું હતું. લિન્ડસેના મોત બાદ રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોએ આ બિલને આગળ વધાર્યું હતું અને ગ્રાહમની બેઠક પર તેમનાં બહેન ડાર્લિન ગ્રાહમની નિમણૂક કરી હતી. સેનેટમાં આ બિલ પસાર થયા પછી ડાર્લિને કહ્યું કે, આ બિલ રશિયાના અર્થતંત્રને મજબૂત કરનારા દેશોને આકરા નિર્ણય લેવા મજબૂર કરશે. તેમણે અમેરિકા સાથે વેપાર કરવા અને રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓઈલ ખરીદવામાંથી એક માર્ગ પસંદ કરવાની ફરજ પડશે.









