મિત્રતા બની રહે, સલાહ આપતો રહીશ..., ટ્રમ્પની ટીમને ગુડબાય કહેતા પહેલા જુઓ શું બોલ્યા મસ્ક
Elon Musk after Leaving Donald Trump Team: અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પે 20મી જાન્યુઆરીના રોજ શપથ લીધા હતા. ત્યારબાદ જાન્યુઆરીના અંતે DOGE વિભાગના વડા તરીકે ઈલોન મસ્કને જવાબદારી સોંપવામાં આવી હતી. એવામાં હવે ફક્ત ચાર જ મહિનામાં મસ્કે રાજીનામું આપીને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમને વિદાય આપી છે.
કાર્યકાળ પૂરો થવાની અસર મારી અને ટ્રમ્પની મિત્રતા પર નહી પડે: મસ્ક
ટ્રમ્પના મહત્વાકાંક્ષી સરકારી કાર્યક્ષમતા વિભાગનો હવાલો સંભાળનારા મસ્ક શરૂઆતથી હેડલાઇન્સમાં રહ્યા છે. તાજેતરમાં DOGE ચીફ તરીકે રાજીનામું આપતા મસ્કે કહ્યું કે, 'ભલે મારો કાર્યકાળ પૂરો થયો હોય, પણ આની અસર મારી અને ટ્રમ્પની મિત્રતા પર નહીં પડે, હું ટ્રમ્પનો મિત્ર અને સલાહકાર રહીશ.'
મસ્કે વધુમાં કહ્યું, 'DOGE ચીફનું કામ શરૂઆતથી જ ટૂંકા ગાળાનું હતું, જે હવે પૂરું થઈ ગયું છે, આથી હું હવે મારા બિઝનેસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ.'
ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી
વ્હાઇટ હાઉસમાં મસ્કની વિદાય દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી અને તેમની સાથેની પોતાની મિત્રતાને ખાસ ગણાવી. ટ્રમ્પે કહ્યું, 'ઈલોને અમેરિકા માટે જે કર્યું છે તે પેઢીઓથી કરવામાં આવ્યું નથી... અમેરિકન લોકો માટે તેમનું યોગદાન ઐતિહાસિક છે. આ તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે પરંતુ તેઓ હંમેશા અમારી સાથે રહેશે અને અમને દરેક રીતે મદદ કરશે.'
DOGE ચીફ તરીકેના પોતાના કાર્યકાળને મસ્કે શાનદાર ગણાવ્યો
બીજી તરફ, DOGE ચીફ તરીકેના પોતાના કાર્યકાળને શાનદાર ગણાવતા, મસ્કે કહ્યું, 'આ DOGEનો અંત નથી, પરંતુ હકીકતમાં તે એક નવી શરૂઆત છે. ખાસ નિમણૂક તરીકેનો મારો કાર્યકાળ એક સમયે સમાપ્ત થવાનો જ હતો. શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે મારો કાર્યકાળ મર્યાદિત સમય માટે રહેશે... DOGE ટીમ હવે વધુ મજબૂત બનશે. હું તેની તુલના બૌદ્ધ ધર્મ સાથે કરીશ... તે જીવન જીવવા જેવું છે... મારું માનવું છે કે સમય જતાં તે સરકાર માટે એક ટ્રિલિયન ડોલર બચાવશે.'