Get The App

ટ્રમ્પનો વિઝા બોમ્બ : વિદેશીઓએ પોતાના દેશમાંથી ગ્રીન કાર્ડની અરજી કરવી પડશે

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો વિઝા બોમ્બ : વિદેશીઓએ પોતાના દેશમાંથી ગ્રીન કાર્ડની અરજી કરવી પડશે 1 - image

- અમેરિકાએ અડધી સદી જૂનો નિયમ બદલી દેશમાં કાયદેસર રહેતા વિદેશીઓને મોટો આંચકો આપ્યો

- ટ્રમ્પ તંત્રના નિર્ણયના લીધે એચ-1બી વિઝાધારક ભારતીયોને મોટો ફટકો પડે તેવી સંભાવના

વોશિંગ્ટન : અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ ફરી પાછો વિઝા બોમ્બ ફોડયો છે. નવા નિયમ હેઠળ કાયમી ધોરણે અમેરિકન નાગરિક બનવા માંગતા ગ્રીનકાર્ડ ધારકે તેના માટેની અરજી ફાઇલ કરવા પોતાના દેશમાં પરત ફરવું પડશે. આમ અમેરિકામાં વિઝા પર રહેતો વિદેશી નાગરિક અમેરિકન નાગરિક બનવા માંગતો હશે તો તેણે પહેલાં પોતે જે દેશમાં છે ત્યાં જવું પડશે અને ત્યાંથી વિઝાની અરજી ફાઇલ કરવી પડશે. 

વિઝા નીતિમાં ફેરફારથી ઇબી-ટુ-ઇબી-૩ કેટેગરીમાં આવતા એચ-૧બી વિઝાધારકો પર વિપરીત અસર  અમેરિકાએ દેશમાં જ રહીને સ્ટેટસમાં એડજસ્ટમેન્ટ કરીને રહી જતાં વિદેશીઓની હાલત કફોડી કરી

અમેરિકન ઇમિગ્રેશન વિભાગના આ નિર્ણયના લીધે ઇબી- ટુ અને ઇબી-૩ કેટેગરીમાં આવતા એચ-૧બી વિઝાધારક વર્કરો પર મોટાપાયા પર અસર પડશે. આમ ઇરાનના મુદ્દે કંઇ ખાસ ઉકાળવામાં નિષ્ફળ ગયેલું ટ્રમ્પનું વહીવટીતંત્ર ફરી પાછું ગેરકાયદે વસાસહતીઓ અંગેના તેના વલણ પર આવી ગયું છે, જેથી આગામી મિડ ટર્મ ઇલેકશન પહેલા ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો લાવી શકાય. 

ઉલ્લેખનીય છે કે લગભગ અડધી સદીથી અમેરિકામાં કાનૂની દરજ્જો ધરાવતા વિદેશીઓ અમેરિકામાં જ રહીને કાયમી નાગરિક બનવાની પ્રક્રિયા પૂરી કરી શકતા હતા. તેમા અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનાર વ્યક્તિઓ,  નોકરિયાતો, સ્ટુડન્ટ વિઝાધારક, નિરાશ્રિતો, રાજકીય આશ્રય મેળવનારાઆનો સમાવેશ થતો હતો. 

અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે સુધારેલી નીતિ મુજબ નોકરિયાતો, સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝાની અરજી કરવા માટે પણ અરજદારે તેના મૂળ દેશમાં પરત ફરવું પડશે. જ્યારે ગ્રીન કાર્ડ માટેની અરજી અમેરિકન રાજદૂતાવાસ કે વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ) દ્વારા કરવી પડશે.આમ અમેરિકામાં કાયદેસર રીતે રહેતા દરેક વિદેશીએ અમેરિકામાંથી પરત તેમના દેશમાં જઈને અમેરિકન નાગરિક બનવા અરજી કરવી પડશે.  આ બતાવે છે કે અમેરિકાએ ઇમિગ્રેશન નીતિના મોરચે કેવા તળિયાઝાટક ફેરફાર કર્યા છે. અગાઉની નીતિમાં ઘણા પાત્ર અરજદારો અમેરિકામાં જ રહીને સ્ટેટસ એડજસ્ટમેન્ટની પ્રક્રિયા દ્વારા કાયમી નાગરિક બનવા માટે અરજી કરી શકતા હતા. હવે નવા નિયમમમાં તે શક્ય નથી. આ બાબતને લઈને આકરી ટીકા થતાં અને ગૂચવાડો સર્જાતા અમેરિકન ઇમિગ્રેશને તેમા બે અપવાદો આર્થિક ફાયદો અને રાષ્ટ્રીય હિત શબ્દ ઉમેરી દીધા છે. 

કેટલાક લોકોને અપવાદરૂપ ગણી લાભ અપાશે

આમ અમેરિકા માટે આર્થિક મૂલ્ય સર્જતા અને તેના રાષ્ટ્રીય હિત માટે ઉપયોગી હોય તેવા લોકોને જ અમેરિકા આ નિયમમાં અપવાદરૂપ ગણશે. આવા લોકોને જ અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ માટેની પ્રક્રિયા કરવા દેવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇકોનોમિક બેનિફિટ અને રાષ્ટ્રીય હિત એવા બે જ માર્ગ છે જેના અન્વયે અમેરિકામાં જ રહીને ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકાશે. 

અમેરિકન ઇમિગ્રેશને  જણાવ્યું છે  કે નવી પોલિસીમાં તે  હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે લાંબા સમયથી ઇમિગ્રેશન કાયદા અને ઇમિગ્રેશન કોર્ટના નિર્ણયો દ્વારા એલિયન્સ તેમના સ્ટેટસમાં એડજસ્ટમેન્ટ કરી લેતા હતા, હવે તેમણે આ બધી પ્રક્રિયા દેશની બહાર જઈને વિદેશ વિભાગ દ્વારા કોન્સ્યુલર પ્રોસેસિંગથી કરવી પડશે. 

નોન ઇમિગ્રન્ટ્સ જેવા કે સ્ટુડન્ટ્સ, કામચલાઉ કામદારો કે ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો અથવા તો અમેરિકા ટૂંકા સમયગાળા માટે આવેલા લોકો કે ખાસ હેતુ માટે આવેલા લોકોએ તેમનો સમય કે વિઝિટનો સમય પૂરો થાય એટલે પરત જવું પડશે તેવી રીતે અમે અમારી સિસ્ટમ ડિઝાઇન કરી છે, એમ અમેરિકન ઇમિગ્રેશને જણાવ્યું હતું. 

વિઝાની જવાબદારી વિદેશ વિભાગ સંભાળશે

અમેરિકાની મુલાકાતને ગ્રીન કાર્ડ લેવાની પ્રક્રિયાનું પ્રથમ દિશાનું પગલું માની નહી શકાય. આ કાયદાના કારણે હવે આમાના મોટાભાગના કેસો અમેરિકાના વિદેશ વિભાગ  અને તેના હસ્તક વિદેશમાં આવેલી કોન્સ્યુલર ઓફિસ દ્વારા સંભાળવામાં આવશે અને તેના કારણે યુએસસીઆઈએસના સંસાધનો તેના ેનેજા હેઠળ આવતા બીજા કેસોના પ્રોસેસિંગમાં વધુ સમય ફાળવી શકશે. 

તેમા હિંસક ગુનાનો ભોગ બનેલા પીડિતો, માનવ તસ્કરીનો ભોગ બનેલા પીડિતોને વિઝા આપવા, નેચરલાઇઝેશનની અરજીઓ અને અન્ય અગ્રતાઓનો સમાવેશ થાય છે. યુએસસીઆઈએસે જણાવ્યું હતું કે આ કાયદો તે રીતે લખાયો છે કે તેના દ્વારા અમારી કાર્યપ્રણાલિને વધુ યોગ્ય અને કાર્યક્ષમ બનવામાં મદદ મળશે, જેની વર્ષોથી અવગણના કરવામાં આવી હતી, એમ અમેરિકન ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું છે.  ટ્રમ્પ તંત્રની આ નીતિના કારણે કુટુંબોમાં વિભાજન થઈ શકે છે, એમ માનવતાવાદી અને નિરાશ્રિત પુર્નવસવાટ સંગઠન વર્લ્ડ રિલીફે લખ્યું હતું. આના કારણે ભારતીયોને જબરદસ્ત ફટકો પડશે તેમ માનવામાં આવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રમ્પ તંત્રએ અચાનક જ નિર્ણય લઈને ભારત આવેલા ભારતીયોને ફસાવી દીધા હતા. હવે આ પ્રકારનો નિર્ણય લેતા સંખ્યાબંધ ગ્રીન કાર્ડ ધારક ભારતીયોએ ભારત પરત ફરીને અરજી કરવી પડશે.

અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા છે: રૂબિયોએ નવા ઇમિગ્રેશનનો બચાવ કર્યો

નવી દિલ્હી : ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ ભારતીયોના રિજેક્ટ થતાં વિઝા અને ગ્રીન કાર્ડ મળવામાં પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે. 

આ બતાવે છે કે અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં ખામી છે. અમે આ ખામી દૂર કરી રહ્યા છીએ. અમારી ઇમિગ્રેશન સિસ્ટમ ઘણી જૂની છે અને તેને અમે હવે વર્તમાન સ્થિતિ સાથે સુસંગત બનાવી રહ્યા છીએ. અમારી ઇમિગ્રેશન પ્રણાલિ ફક્ત ભારતીયોનો વિરોધ કરે છે તેવું નથી, પણ તે આખા વિશ્વ માટે છે. અમે અમારી ગ્રીન કાર્ડ સિસ્ટમમાં ઘણા છીંડા જોયા છે, જેનો લાભ ઉઠાવીને લોકો ગેરકાયદે ઘૂસી જાય છે. તેના કારણે અમે ઇમિગ્રેશન પ્રણાલિ રિફોર્મ કરી રહ્યા છીએ. જ્યારે કોઈપણ રિફોર્મ થાય ત્યારે તકલીફ આવે જ છે. પણ લાંબા સમયગાળે આ સિસ્ટમ ઘણી સ્થિર હશે. આ સિસ્ટ ભારતીયો અને અમારા બંને માટે વધુ કાર્યક્ષમ અને સારી પુરવાર થશે.