Get The App

નેતન્યાહૂને મળતાં પહેલાં ટ્રમ્પે ઇરાનને બીજો નૌકા કાફલો મોકલવાની ધમકી આપી

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
નેતન્યાહૂને મળતાં પહેલાં ટ્રમ્પે ઇરાનને બીજો નૌકા કાફલો મોકલવાની ધમકી આપી 1 - image

- ઇરાન પણ અડીને ઊભું છે. કહે છે મંત્રણામાં પહેલાં મિસાઈલ્સનો ઉલ્લેખ જ ન હતો : અમેરિકા મિસાઇલ્સ સંખ્યા અને રેન્જ મર્યાદિત રખાવવા માગે છે

વૉશિંગ્ટન : ઇરાન જો પરમાણુ સમજૂતી નહિં કરે તો અમેરિકા બીજો નૌકા-કાફલો મોકલશે તેવી પ્રમુખ ટ્રમ્પે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની આજની મુલાકાત પૂર્વે ઇરાનને ખુલ્લી ધમકી આપી છે. એવું માનવામાં આવે છે કે, ઇઝરાયલ વડાપ્રધાન પ્રમુખ ટ્રમ્પને ઇરાન ઉપર લશ્કરી કાર્યવાહી કરવા અનુરોધ કરશે.

આ પૂર્વે નેતન્યાહૂ ગત વર્ષના ડીસેમ્બરની ૨૭મી તારીખે પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતા. તે પછી બીજા જ દિવસે તા. ૨૮મીએ ઇરાનમાં વ્યાપક રમખાણો થયાં હતાં. તે પછી નેતન્યાહૂએ ઇરાન ઉપર આક્રમણ કરવાની રૂપરેખા ટ્રમ્પને દર્શાવી હતી. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ઇઝરાયલી લોબી, ટ્રમ્પ વહીવટીતંત્ર ઉપર ઇરાન પર લશ્કરી પગલાં લેવા ભારે દબાણ કરી રહી છે.

તે સર્વવિદીત છે કે ઇરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ અંગે ટ્રમ્પ ઇરાનને, તેની શરતો સ્વીકારી લેવા વારંવાર કહી રહ્યા છે. સાથે તેવી પણ ધમકી ઉચ્ચારી છે કે જો તે અમેરિકાનું કહ્યું નહીં કરે તો બીજો નૌકા કાફલો તેની સામે મોકલશે.

નેતન્યાહૂને ચિંતા તે હતી કે ટ્રમ્પ છેલ્લી ઘડીએ ઇરાન ઉપર લશ્કરી પગલાં ભરવામાંથી પાછી પાની કરશે. હવે પ્રશ્ન તે છે કે અમેરિકા ઇરાન વચ્ચે પરમાણુ સમજૂતિ થશે કે નહીં.

ટ્રમ્પ તંત્ર ઇરાનને તેના બેલાસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પણ મર્યાદિત રાખવા કહે છે. સાથે ઇઝરાયલ કહે છે કે મધ્યપૂર્વમાં આતંકી જૂથોને ઇરાન સમર્થન આપવાનું બંધ કરે.

બીજી તરફ ઇરાન કહે છે કે તે માત્ર તેના પરમાણુ કાર્યક્રમ અંગે જ ચર્ચા કરવા તૈયાર છે. ઓમાનમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા દરમિયાન અમેરિકાએ નવી માંગણીઓ પણ મુકી છે. તેમાં બેલાસ્ટિક મિસાઈલ્સની સંખ્યા તથા પ્રહાર મર્યાદા મર્યાદિત રાખવાની માગણી આવરી છે. જ્યારે ઇરાન કહે છે કે શાંતિ મંત્રણામાં પહેલાં તેનો ઉલ્લેખ હતો જ નહીં. આમ બંને અડીને અટક્યા છે. બંને પોતપોતાની વાતને વળગી રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર જણાવે છે કે આ વખતે તહેરાને વધુને વધુ બાબતો દાવ ઉપર મુકી છે. આ વખતની મંત્રણા પહેલા જેવી નથી. તદ્દન જુદા પ્રકારની છે અને નેતન્યાહૂ ઇરાન અમેરિકા મંત્રણાથી જરા પણ ડગી રહ્યા નથી. તેઓ ઇરાન સાથે કડક સમજૂતિ કરાવવાના મનના છે. મધ્યપૂર્વમાં તંગદિલી વધી રહી છે.