World

ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની 'સરપ્રાઇઝ'થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

By GS TEAM
11 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ભીષણ થતું જાય છે. તેના કારણે દુનિયાભરમાં સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે ટ્રમ્પ અને નેતન્યાહૂ હવે ચોતરફી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ સૌની વચ્ચે એક અહેવાલે ટ્રમ્પ અને નેતન્યાહૂની ઊંઘ ઊડાડી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની 'સરપ્રાઇઝ'થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

Ai Image



Israel-USA vs Iran War Updates : ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ભીષણ થતું જાય છે. તેના કારણે દુનિયાભરમાં સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે ટ્રમ્પ અને નેતન્યાહૂ હવે ચોતરફી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ સૌની વચ્ચે એક અહેવાલે ટ્રમ્પ અને નેતન્યાહૂની ઊંઘ ઊડાડી દીધી છે. 

ટ્રમ્પ-નેતન્યાહૂની ગણતરીઓ ફેલ 

'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની પલટવાર કરવાની શક્તિને ઓછી આંકી હતી, જે હવે ભારે પડી રહી છે. અમેરિકાને ધારણા હતી કે ઈરાન પરના હુમલા બાદ તે નરમ પડશે, પરંતુ ઈરાને બમણી આક્રમકતા સાથે અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયલી વસ્તીવાળા વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે.

ઓઇલના બજારમાં 'આર્થિક યુદ્ધ'નો ભય

ટ્રમ્પ પ્રશાસને અગાઉ એવી આશંકાઓને ફગાવી દીધી હતી કે યુદ્ધથી ઓઇલના સપ્લાયમાં મોટો અવરોધ આવશે. જોકે, વાસ્તવિકતામાં અત્યારે કાચા ઓઇલના ભાવ આસમાને છે. ઈરાને વિશ્વના 20% ઓઇલ સપ્લાયના માર્ગ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'માં અવરોધો ઊભા કરતાં ગ્લોબલ શિપિંગ રૂટ જોખમમાં મૂકાયો છે. આ સ્થિતિને કારણે અમેરિકામાં પણ ગેસ અને ઈંધણના ભાવ વધતા ટ્રમ્પ સરકાર દબાણમાં આવી છે.

પેન્ટાગોનમાં નિરાશા અને અસ્પષ્ટ યોજના

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્વીકાર્યું છે કે ઈરાનના વળતા પ્રહારોએ પેન્ટાગોનને ચોંકાવી દીધું છે. સીનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર પાસે અત્યારે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે કોઈ સ્પષ્ટ યોજના નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓમાં પણ જંગ ખતમ કરવાની સ્પષ્ટ રણનીતિના અભાવે નિરાશા જોવા મળી રહી છે.

શાંતિ માટે કૂટનીતિક રસ્તાની શોધ

જ્યારે ટ્રમ્પ ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન જેવી મોટી માંગણીઓ કરી રહ્યા છે, ત્યારે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ સચિવ હેગસેથ મર્યાદિત લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીને કૂટનીતિક રસ્તો કાઢવા મથામણ કરી રહ્યા છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે પોતાના વલણનો બચાવ કરતાં કહ્યું છે કે ઈરાનના જોખમને ખતમ કરવા માટે ઓઇલ બજારમાં આવતી આ અસ્થાયી મુશ્કેલીઓ અનિવાર્ય છે.