'ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત તો ગાઝામાં શાંતિ સમજૂતી શક્ય નહોતી', ટ્રમ્પનું મોટું નિવેદન

Donald Trump Big Statement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'જો ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોત, તો ગાઝામાં શાંતિ સમજૂતી થવી સંપૂર્ણપણે અશક્ય બની જાત.' જોકે, આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, કારણ કે તે સમયે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની અણી પર હતું. તેમનું દ્રઢપણે માનવું હતું કે જો ઈરાન પરમાણુ શક્તિ હાંસલ કરી લેત, તો ગાઝામાં શાંતિ પ્રક્રિયાની સફળતા પર મોટો ખતરો આવી પડ્યો હોત અથવા તે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોત.
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે, "ઈરાન પરમાણુ હથિયાર મેળવવાથી માત્ર એક કે બે મહિના જ દૂર હતું. જો મેં તે થવા દીધું હોત, તો આ શાંતિ સમજૂતી શક્ય ન થાત અથવા તો તેમાં ભારે સંકટ આવી ગયું હોત. તમારી પાસે એક એવો દેશ હોય જે પરમાણુ શક્તિ સંપન્ન હોય, અને જે સ્પષ્ટપણે બહુ મૈત્રીપૂર્ણ ન હોય. પરમાણુ હથિયારની શક્તિ એવી વસ્તુ છે જેના પર આપણે ચર્ચા પણ ન કરવી જોઈએ. આટલા માટે આજનું ઈરાન સંપૂર્ણ રીતે અલગ છે."
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, શાંતિના પ્રયાસોથી વૈશ્વિક એકતા ઊભી થઈ છે, પરંતુ જો ઈરાનને પરમાણુ શસ્ત્રો મળી જાય તો શાંતિના માર્ગમાં ઘેરા વાદળો છવાઈ જાય. નોંધનીય છે કે, કતારના વડાપ્રધાને ગાઝા યુદ્ધવિરામ સમજૂતીના પ્રથમ તબક્કાની જોગવાઈઓ પર સહમતિ થવાની જાહેરાત કરી છે, જેમાં ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓની અદલાબદલીનો સમાવેશ થાય છે, અને હમાસે પણ આ સમજૂતી પર હસ્તાક્ષરની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: ભારતીય કંપનીઓએ મોટી રાહત, જેનેરિક દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ, જાણો યુ-ટર્નનું કારણ