ભારતીય કંપનીઓએ મોટી રાહત, જેનેરિક દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ, જાણો યુ-ટર્નનું કારણ

Tariffs on Generic Drug Imports Relief: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે જેનેરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ પૂરતી સ્થગિત કરી છે. આ નિર્ણય ભારતીય ફાર્મા કંપનીઓ માટે મોટી રાહતરૂપ છે, કારણ કે અમેરિકાની લગભગ 50% જેનેરિક દવાઓ ભારતમાંથી આયાત થાય છે. વળી, આનાથી લાખો અમેરિકન નાગરિકોને પણ ફાયદો થયો છે, જેઓ સસ્તી ભારતીય જેનેરિક દવાઓ પર હાઇ બ્લડપ્રેશર, ડિપ્રેશન, અલ્સર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓની સારવાર માટે આધાર રાખે છે.
ભારતને કહેવાય છે 'દુનિયાની ફાર્મસી'
IQVIA નામના વૈશ્વિક મેડિકલ ડેટા એનાલિટિક્સના અહેવાલ મુજબ, અમેરિકામાં ફાર્મસીઓમાં વેચાતી કુલ જેનેરિક દવાઓમાંથી 47% દવાઓ ભારતમાંથી આવે છે. આની સરખામણીમાં, અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોનો હિસ્સો માત્ર 30% છે અને બાકીના પુરવઠામાં ભારતનો સૌથી મોટો ફાળો રહે છે. આ કારણોસર જ ભારતને 'દુનિયાની ફાર્મસી' તરીકે ઓળખવામાં આવે છે.
વ્હાઇટ હાઉસનો યુ-ટર્ન
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ નિર્ણયથી અમેરિકન વાણિજ્ય વિભાગ દ્વારા દવાઓ પર ચાલી રહેલી ટેરિફ તપાસનો વ્યાપ ઘટી ગયો છે. એપ્રિલમાં શરુ થયેલી આ તપાસમાં અગાઉ તૈયાર દવાઓ (જેનેરિક અને નોન-જેનેરિક) તેમજ દવાના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ(ડ્રગ ઇન્ગ્રેડિઅન્ટ્સ)ને પણ તપાસના દાયરામાં રાખવાનો વિચાર હતો.
જોકે, વ્હાઇટ હાઉસમાં આ મુદ્દે સખત આંતરિક વિરોધ જોવા મળ્યો. 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' (MAGA) જૂથના કટ્ટરપંથી સભ્યો ઇચ્છતા હતા કે દવા ઉત્પાદન અમેરિકામાં પરત લાવવા માટે વિદેશી દવાઓ પર ભારે ટેરિફ લાદવામાં આવે, જેને તેઓ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ગણાવતા હતા.
તેમજ ટ્રમ્પની સ્થાનિક નીતિ પરિષદના કેટલાક સભ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો. તેમણે દલીલ કરી કે જેનેરિક દવાઓ પર ટેરિફ લાદવાથી અમેરિકામાં દવાઓની કિંમતો વધશે અને અછત સર્જાઈ શકે છે. વધુમાં, ભારતમાં ઉત્પાદન એટલું સસ્તું છે કે ભારે ટેરિફ પછી પણ અમેરિકન ઉત્પાદન આર્થિક રીતે લાભદાયી નહીં રહે.
ટ્રમ્પની 'ટેરિફ પોલિસી' પર ફરી સવાલ
ટ્રમ્પ વહીવટીતંત્રની ટેરિફ નીતિ અગાઉ પણ ટીકાનો ભોગ બની હતી. ચીન પર ટેરિફ લાદતા, ચીને સોયાબીન જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી બંધ કરી દીધી, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું. પરિણામે, સરકારે ખેડૂતોને મદદ કરવા $16 અબજની સબસિડી આપવી પડી, જેનો અંતિમ બોજ અમેરિકન ગ્રાહક પર પડશે તેમ અર્થશાસ્ત્રીઓ માને છે. એક ખેડૂતે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર તેમની પાસેથી પૈસા વસૂલીને તેમને જ પાછા આપી રહી છે. આના પરથી, ટ્રમ્પ વહીવટીતંત્રને કદાચ સમજાયું હશે કે જેનેરિક દવાઓ પર ટેરિફ લાદીને જનતાને વધુ એક કડવી દવા ન આપવી જોઈએ.
ભારતીય દવાઓથી અમેરિકન સ્વાસ્થ્ય પ્રણાલીને મોટી બચત થઈ છે. અંદાજ મુજબ, વર્ષ 2022માં ભારતીય જેનેરિક દવાઓએ અમેરિકન સિસ્ટમને આશરે $219 અબજની બચત કરાવી, જે છેલ્લા દાયકામાં $1.3 ટ્રિલિયન જેટલી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 2022માં સિપ્લા, સન ફાર્માસ્યુટિકલ્સ અને ડૉ. રેડ્ડીઝ જેવી ભારતીય કંપનીઓએ અમેરિકામાં કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન વગેરે જેવી ગંભીર બીમારીઓ માટે અડધાથી વધુ પ્રિસ્ક્રિપ્શન સપ્લાય કર્યા. આમાં ડાયાબિટીસ (મેટફોર્મિન), કોલેસ્ટ્રોલ (એટોરવાસ્ટેટિન), બ્લડ પ્રેશર (લોસાર્ટન) અને સામાન્ય એન્ટિબાયોટિક્સ જેવી દૈનિક વપરાશની દવાઓનો સમાવેશ થાય છે.