- ઇરાનનું વધુ એક ટેન્કર જપ્ત કર્યાની અમેરિકન આર્મીની જાહેરાત
- ગાઝામાં ઇઝરાયેલના ડ્રોન હુમલા જારી, કુલ ત્રણના મોત, લેબનોનના દક્ષિણ ભાગમાં હુમલામાં મહિલા પત્રકારનું મોત થયું
દુબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે અમેરિકન લશ્કરને આદેશ આપ્યો છે કે હોર્મુઝની ખાડીમાં સુરંગો ગોઠવવા જતી ઇરાનની બોટ્સને ખતમ કરી નાખે, જેના કારણે ટ્રાફિક અટવાઈ ગયો છે. અમેરિકન લશ્કરે ઇરાનના ઓઇલની દાણચોરી કરતાં વધુ એક ઓઇલ ટેન્કરને જપ્ત કર્યાના થોડા સમયમાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી.
અમેરિકાએ ઇરાનનું વધુ એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી : ઇરાને હોર્મુઝની ખાડીમાં ગોઠવેલી સુરંગો કાઢવાનું અમેરિકાના માઇન સ્વીપર જહાજોએ શરૂ કર્યું
ટ્રમ્પે જણાવ્યું હતું કે હાલમાં અમારા માઇન સ્વીપરો હોર્મુઝની ખાડીમાંથી સુરંગો દૂર કરવાનું કામ કરી રહ્યા છે. લશ્કરે ખાડીમાંથી સુરંગ હટાવવાની કામગીરી વધુ તીવ્ર બનાવી છે. સંરક્ષણ વિભાગે અમેરિકન દળે જપ્ત કરેલા જહાજનો વિડીયો જારી કર્યો હતો.આ જહાજ ભારતીય સમુદ્રમાં શ્રીલંકા અને ઇન્ડોનેશિયા વચ્ચેથી જપ્ત કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પની યુદ્ધવિરામની ઓફરનો પણ ઇરાને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. આ અંગે ટ્રમ્પનો દાવો છે કે ઇરાનની નેતાગીરી હાલમાં વિભાજીત છે. તેથી તેઓ યુદ્ધવિરામ અંગે નિર્ણય લઈ શકતા નથી. અમે તેમની ટોચની નેતાગીરીને ખતમ કરી દેતા સ્થિતિ થોડી જટિલ બની ગઈ છે.
આ ઉપરાંત ૨૮મી ફેબુ્રઆરીના રોજ યુદ્ધ શરૂ થયા પછી ખાડીમાંથી પસાર થયેલા ૩૦થી વધુ જહાજો પર હુમલા થઈ ચૂક્યા છે. ઇરાનની હોર્મુઝની ખાડીને બ્લોક કરવાની ક્ષમતા તેના માટે વ્યૂહાત્મક ફાયદો પુરવાર થઈ છે. તેના લીધે યુદ્ધ જાણે હોર્મુઝની ખાડીનું જ છે તેવી તિેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આના લીધે વીમા પ્રીમિયમો પણ ઉચકાયા છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ક્યુબા અને વેનેઝુએલામાં ઘેરાબંધીનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો છે, પરંતુ ઇરાનમાં તેનો દાવ ઉલટો પડી ગયો છે. ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરીને આખા વિશ્વનું નાક દબાવ્યું છે. તેથી ટ્રમ્પ પર ઇરાન સાથે યુદ્ધ કરવા કરતાં હોર્મુઝની ખાડી ખોલાવવાનું દબાણ વધારે છે.
ગાઝામાં ઇઝરાયેલના ડ્રોન હુમલામાં ગુરુવારે ત્રણના મોત થયા હતા. મૃતકોને ડેર અલ સાબાહને અલ અકસા હોસ્પિટલ લઈ જવાયા હતા. ઇઝરાયેલ-હમાસ વચ્ચે ઓક્ટોબરથી યુદ્ધવિરામ થયો હોવા છતાં પણ ઇઝરાયેલે ચાલુ રાખેલના હુમલામાં ૭૯૧ના મોત થયા છે અને ૨૨૩૫ ઇજા પામ્યા છે. આ સિવાય દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનીઝ પત્રકારનું મોત થયું હતું.
ઇરાનના હાંકી કાઢવામાં આવેલા ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવી બર્લિનમાં પત્રકાર પરિષદ કરીને નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર લાલ રંગનું પ્રવાહી ફેંકવામાં આવ્યું હતું. સદનસીબે તે પ્રવાહી બીજું કશું જ નહીં પણ ફક્ત ટોમેટો જ્યુસ નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે તે ફેંકનારાને અટકાયતમાં લેવાયો છે.
ઇરાને જપ્ત કરેલા બે જહાજોમાં 22 ભારતીય ખલાસી પકડયા
તંગદિલી વધતા પોતાના નાગરિકોને ઇરાનનો પ્રવાસ ન કરવા ભારતની તાકીદ
તહેરાન : ઇરાને હોર્મુઝની ખાડીમાં બુધવારે બે જહાજને પકડવા નેવી ઓપરેશન કર્યુ. તેની ઝપેટમાં ૨૨ ભારતીય ખલાસી પણ આવી ગયા છે.આ ૨૨ ભારતીય ખલાસીઓ બે જહાજ પર સવાર હતા, એવી જાણકારી પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિકારીએ આપી હતી.
ભારતે જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે, જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે બધા ૨૨ નાગરિક સુરક્ષિત છે. અહેવાલ મુજબ ૨૨ નાગરિકમાંથી એક ખલાસી ગુજરાતના મુંદ્રા બંદરે આવતા એપામિનોન્ડાસ નામના જહાજ પર હતો. જ્યારે બાકીના ૨૧ નાગરિક યુફોરિયા જહાજ પર સવાર હતા.
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ બે જહાજો પર ૨૨ ભારતીય ખલાસી સવાર હતા. તેમણે દાવો કર્યો તે કે બંને જહાજ પર ભારતીય નાગરિક પણ સુરક્ષિત છે. સરકારનું કહેવું છે કે ઇરાને કરેલા ગોળીબારમાં કોઈપણ ભારતીય નાગરિકને ઇજા થઈ નથી. યુદ્ધ શરૂ થયા પછી ભારતે કમસેકમ ૨,૬૮૦ ભારતીય ખલાસીઓને સલામત નીકાળ્યા છે.


