World

ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપ્યું 13 લોકોનું હિટ લિસ્ટ, દુનિયાભરમાં તણાવનો માહોલ

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ઈરાની અખબારોએ પશ્ચિમી દેશોને ધમકી આપી છે. ઈરાનના અગ્રણી અખબારોએ ટ્રમ્પ, નેતન્યાહૂ સહિત 13 શક્તિશાળી નેતાઓની "હિટ-લિસ્ટ" જાહેર કર્યું, 2026 સુધીમાં અચાનક મોત માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. 'હમશહરી' એ ફ્રન્ટ પેજ પર નેતાઓના ફોટા સાથે "અચાનક મોત માટે તૈયાર રહો" શીર્ષક આપ્યું. નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ બદલો લેવાની કસમ લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપ્યું 13 લોકોનું હિટ લિસ્ટ, દુનિયાભરમાં તણાવનો માહોલ

Iran Newspapers Hitlist Donald Trump Netanyahu 2026 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમના અચાનક થયેલા અવસાન બાદ ઈરાનના સરકારી અને મુખ્ય અખબારોએ અમેરિકા અને તેના સહયોગી દેશો વિરૂદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. ઈરાની મીડિયાએ સેનેટર ગ્રાહમના મોતને અમેરિકા માટે એક કુદરતી સંદેશ ગણાવીને પશ્ચિમી દેશોને ધમકી આપી છે. ઈરાનના અગ્રણી અખબારોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત વિશ્વના 13 શક્તિશાળી નેતાઓનું એક હિટ-લિસ્ટ જાહેર કર્યું છે અને તેમને અચાનક મોતના આંચકા માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે.

હમશહરી અખબારની વિવાદાસ્પદ હેડલાઇન: ‘અચાનક મોત માટે તૈયાર રહો’

ઈરાનના પ્રભાવશાળી અખબાર 'હમશહરી' એ પોતાના ફ્રન્ટ પેજ પર એક મોટું ગ્રાફિક છાપ્યું છે. જેમાં અમેરિકા, ઇઝરાયલ અને યુરોપના ટોચના રાજકીય અને લશ્કરી નેતાઓની તસવીરો મૂકીને હેડલાઇન આપી છે - "અચાનક મોત માટે તૈયાર રહો." અખબારે આ તમામ 13 નેતાઓને ઈરાનના પૂર્વ સુપ્રિમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે.

આ હિટ-લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહૂ ઉપરાંત અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, સેન્ટકોમ કમાન્ડર બ્રેડ કૂપર અને ઇઝરાયલમાં અમેરિકી રાજદૂત માઇક હકાબીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝ, વિદેશ મંત્રી ગિદોન સાર અને IDF ચીફ ઓફ સ્ટાફ ઇયાલ જમીરને જેલના કપડામાં બતાવવામાં આવ્યા છે. આ યાદીમાં યુરોપના નેતાઓ જેવા કે ઇટાલીના વડાપ્રધાન મેલોની, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને પણ નિશાન બનાવાયા છે.

‘મોતના સૌદાગરનું મોત’

ઈરાનના અન્ય એક અગ્રણી અખબાર 'વતન-એ-ઇમરોઝ' એ સેનેટર લિન્ડસે ગ્રાહમના ફોટો સાથે ફારસી ભાષામાં મોટી હેડલાઇન છાપી છે - "મોતના સૌદાગરનું મોત." અખબારે ગ્રાહમને ઈરાન વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધો અને આક્રમક નીતિઓના મુખ્ય સમર્થક ગણાવ્યા છે. અહેવાલ મુજબ સેનેટર ગ્રાહમનું મોત અચાનક કોઈ બીમારીના કારણે થયું છે. આ સિવાય અન્ય એક અખબાર 'કયહાન' એ પણ દાવો કર્યો છે કે ઈરાને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી લીધા છે અને હવે યુદ્ધનો નવો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે.

નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની બદલો લેવાની કસમ

ઈરાની મીડિયામાં આ પ્રકારના ભડકાઉ ગ્રાફિક્સ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર બાદ દેશના નામે પ્રથમ સંદેશ જાહેર કર્યો છે. સરકારી ટેલિવિઝન પર વાંચવામાં આવેલા તેમના લેખિત નિવેદનમાં જણાવાયું છે કે, "અમે શહીદ નેતા અને તમામ શહીદોના લોહીનો બદલો તે ગુનેગાર અને બદનામ હત્યારાઓ પાસેથી લેવાની કસમ ખાઈએ છીએ." તેમણે આ બદલાને 'ઈરાની રાષ્ટ્રની માંગ' ગણાવીને કહ્યું કે આ મિશન ટૂંક સમયમાં જ પૂરું કરવામાં આવશે.