| (AI IMAGE) |
US Greenland acquisition: વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને મધરાતે ઉઠાવી જઈને વેનેઝુએલા સહિત આખી દુનિયાને સ્તબ્ધ કરી દેનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ તરફ રડાર ઘુમાવીને દુનિયાના દેશોને ફરી એકવાર અદ્ધર જીવે કરી દીધા છે. આમ તો ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ગ્રીનલેન્ડમાં પગપેસારો કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આવ્યા છે, પણ લાગે છે કે હવે તેઓ આ કામ પૂરું કરવા માટે બરાબરના ઉતાવળા છે. ટ્રમ્પના આ વિચારથી ગ્રીનલેન્ડનું સંચાલન કરનારા ડેનમાર્ક અને અન્ય પશ્ચિમી દેશો ચિંતિત છે. ત્યારે ચાલો જાણીએ કે માત્ર 57,000 વસ્તી ધરાવતા આ શાંત અને સુંદર દેશમાં ટ્રમ્પને આટલો બધો રસ હોવાના કારણો કયા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ગ્રીનલેન્ડ પ્રેમના ત્રણ કારણ
ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકન ખંડનો ભાગ છે, પરંતુ રાજકીય રીતે તે ડેનમાર્કના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેના પર કબજો જમાવવાની અમેરિકાની મહેચ્છા પાછળ રહેલા મુખ્ય ત્રણ કારણ છે.
1. અમૂલ્ય ખનિજ સંપત્તિ
ગ્રીનલેન્ડની જમીન હેઠળ 'દુર્લભ ખનીજો'(Rare Earth Minerals)નો વિશાળ ભંડાર છે. આ ખનીજો આધુનિક ટેકનોલોજી, જેમ કે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિક વાહનોની બેટરી અને લશ્કરી સાધનો બનાવવા માટે અત્યંત જરૂરી છે. હાલમાં આ ખનીજોના ઉત્પાદન અને પુરવઠા પર ચીનનો ઈજારો છે. અમેરિકા ચીન પરની આ નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ગ્રીનલેન્ડ તે માટે એક મોટી તક બની શકે છે.
2. આર્કટિકનું વ્યૂહાત્મક મહત્ત્વ
ગ્રીનલેન્ડનો 80% ભાગ આર્કટિક સર્કલમાં આવે છે. ક્લાઈમેટ ચેન્જના કારણે આર્કટિકનો બરફ ઓગળી રહ્યો છે, જેથી નવા સમુદ્રી માર્ગો ખૂલી રહ્યા છે. આ માર્ગો પર નિયંત્રણ વ્યાપાર અને લશ્કરી દૃષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. રશિયા અને ચીન પહેલેથી જ આર્કટિક વિસ્તારમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહ્યા છે. ગ્રીનલેન્ડ પર કાબૂ થાય તો અમેરિકા આ ભૌગોલિક શક્તિપ્રદર્શનમાં મજબૂત સ્થિતિમાં આવી જાય એમ છે.
આ પણ વાંચો: પાકિસ્તાની જનરલે ભારત માટે નીચલા સ્તરની ભાષાનો પ્રયોગ કરતાં આપી પોકળ ધમકી
3. ઐતિહાસિક સુરક્ષા ચિંતા
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ડેનમાર્ક નાઝી જર્મનીના કબજા હેઠળ આવ્યું હતું, ત્યારે જર્મની ગ્રીનલેન્ડને પણ ગળી ન જાય એ માટે અમેરિકાએ ગ્રીનલેન્ડની સુરક્ષા કરી હતી. ત્યારથી અમેરિકાની આ વિસ્તારમાં સુરક્ષા સંબંધિત રસ રહ્યો છે. ટ્રમ્પના ગ્રીનલેન્ડ પ્રેમમાં આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ છે.
ડેનમાર્ક અને નાટો દેશોની નારાજગી
ગ્રીનલેન્ડ ડેનમાર્ક સાથે જોડાયેલું છે. 1953થી તે ડેનમાર્કનો ભાગ છે અને 2009થી તેને સ્વ-શાસન(Self-Rule)નો અધિકાર મળ્યો છે. તેનો અર્થ એ છે કે ગ્રીનલેન્ડ પોતાના આંતરિક બાબતોનું સંચાલન કરી શકે છે અને ભવિષ્યમાં સંપૂર્ણ સ્વતંત્રતા માટે મતદાન પણ કરી શકે છે.
અમેરિકાને ચેતવણી આપી
ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડેરિક્સન અને ફ્રાંસ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન એ છ દેશના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, 'ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય ફક્ત ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક જ કરી શકે.' ડેનમાર્કે ચેતવણી પણ આપી છે કે જો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કોઈ જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો, તો તે નાટો(NATO) જેવા ગઠબંધન માટે ગંભીર ખતરો ઊભો કરશે. અમેરિકા અને ડેનમાર્ક બંને નાટોના સભ્ય છે.
ગ્રીનલેન્ડના લોકો શું ઈચ્છે છે?
ગ્રીનલેન્ડના મોટા ભાગના રહેવાસીઓ અમેરિકાની દખલગીરી નથી ઈચ્છતા. ગ્રીનલેન્ડનો મુખ્ય રાજકીય પક્ષ 'પ્રોબિઝનેસ'(જે સ્વતંત્રતાની હિમાયત કરે છે) અમેરિકાના આ વિચારનો સખત વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે ગ્રીનલેન્ડના લોકો પોતાની નિયતિ પોતે નક્કી કરશે. તેઓ ડેનમાર્કથી ધીમે ધીમે સ્વતંત્ર થવાની પ્રક્રિયામાં છે અને કોઈ બીજા મોટા દેશના હસ્તક જવા નથી માગતા.
સત્તા, સંપત્તિ અને સ્વાતંત્ર્યનો સંઘર્ષ
ટ્રમ્પના ગ્રીનલેન્ડ પ્રેમમાં એ માત્ર એક ટાપુની ખરીદીનો પ્રશ્ન નથી. તે વિશ્વ સત્તાના નવા દાવપેચ, ખનીજ સંપત્તિ પર નિયંત્રણ અને આર્કટિક વિસ્તારમાં પ્રભુત્વ માટેની ચાલનો ભાગ છે. આ રાજકીય રમતમાં ગ્રીનલેન્ડના લોકોની ઇચ્છા, ડેનમાર્કનું સાર્વભૌમત્વ અને નાટો જેવા આંતરરાષ્ટ્રીય ગઠબંધનોની એકતા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આધુનિક વિશ્વમાં સંપત્તિ અને સત્તા માટેની દોડ આંતરરાષ્ટ્રીય કાયદા અને લોકશાહી ઇચ્છાઓની મર્યાદામાં જ રહેવી જોઈએ. અમેરિકા તેનો ભંગ કરશે તો વિશ્વ ભીષણ યુદ્ધમાં ધકેલાઈ જાય, એવું બની શકે.
ગ્રીનલેન્ડમાં કુદરતે મબલક સૌંદર્ય વેર્યું છે
ગ્રીનલેન્ડની ભવ્યતા તેની વિશાળ હિમ નદીઓ અને તરતા હિમખંડોમાં રહેલી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 'ઇલુલિસ્સાટ આઇસફિયોર્ડ' અને 'જેકોબશવન હિમનદી' જેવા સ્થળો પ્રકૃતિના સૌંદર્ય અને શક્તિની મૂર્તિમંત મિસાલ છે. જેકોબશવન હિમ નદીમાંથી દર વર્ષે લગભગ 20 અબજ ટનથી વધુ બરફ વિશાળ ટુકડાના સ્વરૂપમાં તૂટીને સમુદ્રમાં પડે છે. એવા વિશાળકાય બરફના પહાડો કાચના ટુકડાની જેમ પાણીની સપાટી પર તરતા હોય એ દૃશ્ય જાદુઈ લાગે છે, જેને જોવા માટે પ્રવાસીઓનો ધસારો થાય છે. 'ડિસ્કો બે' જેવા વિસ્તારોમાં હમ્પબેક અને કિલર વ્હેલ જેવાં દુર્લભ જળચરોના દર્શન થાય છે, જે આ બર્ફીલા લેન્ડસ્કેપને જીવંત બનાવે છે.
દિવસો સુધી સૂર્યાસ્ત નથી થતો
ગ્રીનલેન્ડની સૌથી વિશિષ્ટ ઘટના છે 'મિડનાઇટ સન' એટલે કે અડધી રાતનો સૂર્ય. પૃથ્વી તેની ધરીથી 23.5 ડિગ્રી નમેલી હોવાથી આર્કટિક ક્ષેત્રમાં ઉનાળાના મહિનાઓમાં સૂર્ય ડૂબતો જ નથી. અહીં ઊનાળો 100 દિવસ લાંબો ચાલે છે, ત્યાં સુધી અનંત અજવાળું ધરાવતા ગ્રીનલેન્ડમાં સ્લેજ સફારી જેવી સાહસિક પ્રવૃત્તિ અવિસ્મરણીય અનુભવ બની રહે છે. આવી અનોખી પ્રાકૃતિક ખૂબીઓને કારણે ગ્રીનલેન્ડ 'રહસ્યમય સ્વર્ગ' તરીકે ઓળખાય છે.



