US Politics: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની અણધારી વ્યૂહનીતિથી બધાને ચોંકાવી દીધું છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોના અમેરિકી દળો દ્વારા કરાયેલા કથિત અપહરણ બાદ એવી પ્રબળ શક્યતા હતી કે વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો સત્તા સંભાળશે. જો કે, ટ્રમ્પે મચાડોની ક્ષમતા પર સવાલો ઉઠાવી તેમને મોટો ઝટકો આપ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અમેરિકાની સ્પેશિયલ ફોર્સે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં મધ્યરાત્રિએ ઓપરેશન પાર પાડી નિકોલસ માદુરોને કસ્ટડીમાં લીધા હતા. આ ઘટના બાદ વેનેઝુએલામાં સત્તાના શૂન્યાવકાશને ભરવા માટે મારિયા મચાડોનું નામ સૌથી મોખરે હતું. પરંતુ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ મચાડોને નેતૃત્વ સોંપવાના પક્ષમાં નથી. તેણે કહ્યું કે, 'મારું માનવું છે કે વેનેઝુએલાની વર્તમાન પરિસ્થિતિને સંભાળવી મચાડો માટે ખૂબ મુશ્કેલ હશે. તેઓ એક સારા મહિલા છે, પરંતુ દેશમાં તેમને જોઈએ તેટલું સમર્થન કે સન્માન મળતું નથી. તેઓ આ સ્થિતિ સંભાળી શકશે નહીં.'
મચાડોએ ટ્રમ્પને સમર્પિત કર્યો હતો એવોર્ડ
આ વિવાદ વધુ રસપ્રદ એટલા માટે છે કારણ કે મારિયા મચાડોએ થોડા સમય પહેલા જ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કરતા કહ્યું હતું કે, 'ટ્રમ્પ ખરેખર આ સન્માનને લાયક છે.' મચાડોને આશા હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેમને માદુરો શાસન સામે પૂર્ણ ટેકો આપશે, પરંતુ ટ્રમ્પના તાજેતરના નિવેદને આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
કોણ છે મારિયા કોરિના મચાડો?
58 વર્ષીય મચાડો છેલ્લા બે દાયકાથી નિકોલસ માદુરો અને તેમના શાસનના સૌથી મોટા ટીકાકાર રહ્યા છે. તેમણે 2023માં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટણી જીતી હતી. 2024ની પ્રમુખપદની ચૂંટણી લડતા તેમને રોકવામાં આવ્યા હતા. મચાડોએ નિવૃત્ત રાજદ્વારી એડમુન્ડો ગોન્ઝાલેઝને ટેકો આપ્યો હતો. જોકે, ચૂંટણીમાં માદુરોની જીત થઈ હતી, જેને વિપક્ષે ભારે ગોટાળા ગણાવીને પડકારી હતી.
વેનેઝુએલાનું ભવિષ્ય હવે શું?
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલામાં અરાજકતાનો માહોલ છે. એક તરફ મચાડો પાસે બહોળો રાજકીય અનુભવ છે, તો બીજી તરફ ટ્રમ્પના અવિશ્વાસને કારણે હવે વેનેઝુએલામાં કોણ સત્તા સંભાળશે તે મોટો પ્રશ્ન બની ગયો છે. વિશ્લેષકો આને ટ્રમ્પની 'યુઝ એન્ડ થ્રો' પોલિસી તરીકે જોઈ રહ્યા છે.


