World

ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ હટાવ્યા, જોઇ લો લિસ્ટ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ ભારતીય કંપનીઓને મોટી રાહત આપી છે. રશિયા સાથેના વેપારને કારણે પ્રતિબંધિત 4 ભારતીય કંપનીઓ - RRG એન્જિનિયરિંગ, લોકેશ મશીન્સ, ગેલેક્સી બેરિંગ્સ (અમદાવાદ) અને શૌર્ય એરોનોટિક્સ - ને 'સ્પેશિયલી ડેસિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ'માંથી મુક્ત કરાઈ છે. આ નિર્ણય ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર પહેલાં સકારાત્મક સંકેત માનવામાં આવે છે, જે લગભગ 99% પૂર્ણ થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ હટાવ્યા, જોઇ લો લિસ્ટ
IMAGE - IANS

US removes sanctions on Indian companies: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર અંતિમ મહોર મારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તે દરમિયાન અમેરિકાએ ભારતીય કંપનીઓને એક મોટી રાહત આપી છે. રશિયા સાથે વેપાર કરવાના કારણે અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેમાંથી 4 કંપનીઓને હવે ટ્રેઝરી પ્રતિબંધોની યાદીમાંથી મુક્ત કરવામાં આવી છે. અમેરિકાએ તાજેતરમાં જ પોતાની SDN એટલે કે 'સ્પેશિયલી ડેસિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ' અપડેટ કરીને આ નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા હતા કે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર લગભગ પૂરો થઈ ગયો છે અને હવે માત્ર 1 ટકા જેટલું જ કામ બાકી રહ્યું છે.

કઈ 4 ભારતીય કંપનીઓ પરથી પ્રતિબંધો હટાવાયા?

અમેરિકાએ એક્ઝિક્યુટિવ ઓર્ડર 14024 હેઠળ આ કંપનીઓ પર રશિયા સાથે કનેક્શન હોવાના કારણે પ્રતિબંધો લાદ્યા હતા. હવે જે કંપનીઓને આ બ્લેકલિસ્ટમાંથી મુક્ત કરવામાં આવી છે, તેમાં નીચેની કંપનીઓ સામેલ છે:

  • આરઆરજી એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (RRG Engineering Technologies Pvt Ltd)
  • લોકેશ મશીન્સ લિમિટેડ (Lokesh Machines Limited)
  • અમદાવાદ સ્થિત ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ (Galaxy Bearings Ltd)
  • શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (Shaurya Aeronautics Private Limited)

શું છે આ SDN લિસ્ટ?

SDN યાદી અમેરિકાના OFAC (ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ) વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટમાં એવા વ્યક્તિઓ અથવા કંપનીઓના નામ સામેલ કરવામાં આવે છે જે અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરાયેલા દેશોના નિયંત્રણ હેઠળ હોય અથવા તેમના માટે કામ કરતા હોય. એકવાર કોઈ કંપનીનું નામ આ લિસ્ટમાં આવી જાય, પછી અમેરિકાના નાગરિકો કે કંપનીઓ તે પ્રતિબંધિત કંપની સાથે કોઈપણ પ્રકારનો વેપાર કે નાણાકીય લેણદેણ કરી શકતા નથી. આ લિસ્ટને સમય-સમય પર અપડેટ કરવામાં આવે છે.

યાદીમાંથી માત્ર ભારતીય કંપનીઓ હટી, 9 નવી કંપનીઓ ઉમેરાઈ

અમેરિકન વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મંગળવારે OFAC દ્વારા નવો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ નવી યાદીની ખાસ વાત એ છે કે તેમાંથી માત્ર 4 કંપનીઓને જ હટાવવામાં આવી છે અને આ ચારેય ભારતીય છે. બીજી તરફ, આ યાદીમાં 9 નવી કંપનીઓનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે, જેમાંની મોટાભાગની કંપનીઓ મેક્સિકોની છે.

રશિયા મુદ્દે ટ્રમ્પે ભારત પર લગાવ્યો હતો સૌથી વધુ ટેરિફ

અમેરિકામાં ટેરિફ લગાવવાની શરૂઆત સાથે જ તત્કાલીન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર રશિયાના મુદ્દે ભારતને સતત નિશાના પર લેતી રહી હતી. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવાના કારણે ટ્રમ્પે ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ ઝીંકી દીધો હતો, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હતો. જો કે, ત્યારબાદ આ ટેરિફ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે લાંબી ચર્ચાઓ અને વાટાઘાટો પણ થઈ હતી. હવે આ 4 કંપનીઓ પરથી પ્રતિબંધ હટવો એ આગામી વેપાર કરાર માટે ખૂબ જ સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.