ટ્રમ્પની અનોખી ઓફરઃ સ્વેચ્છાએ સ્વદેશ પાછા ફરનારા ગેરકાયદે ઈમિગ્રન્ટને 1000 ડૉલર અને પ્રવાસ ભથ્થું
Trump's new offer to migrants: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વેચ્છાએ અમેરિકા છોડીને જતા રહેનારા ગેરકાયદે ઈમિગ્રન્ટને 1000 ડોલર તેમજ મુસાફરી ભથ્થું આપવાની અનોખી યોજનાની જાહેરાત કરી છે. અમેરિકામાં રહેતાં ગેરકાયદે પ્રવાસીઓ સ્વેચ્છાએ સામૂહિક ધોરણે સહેલાઈથી પોતાના વતન જઈ શકે અને અમેરિકન સરકારનો ડિપોર્ટેશન ખર્ચ પણ ઘટી જાય એ હેતુથી આ નિર્ણય લેવાયો છે.
આ અંગે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે માહિતી આપી છે કે, અમે અમેરિકામાં ગેરકાયદે રહેતા વિદેશીઓને સીબીપી એપ મારફતે તેમના વતન પરત મોકલવા માટે નાણાકીય અને મુસાફરીનો ખર્ચ આપવાની એક ઐતિહાસિક તક જાહેર કરી છે. કોઈ પણ ગેરકાયદે વસવાટ કરતો પ્રવાસી સ્વેચ્છાએ જ સીબીપી હોમ એપનો ઉપયોગ કરીને વતન જવાની તૈયારી દર્શાવશે, તો તેને 1000 ડોલરનું વળતર મળશે. જો કે, તે ચૂકવણી સ્વદેશ પહોંચ્યાની ખાતરી થયા પછી જ કરાશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનની કાગારોળ: ખ્વાજા આસિફે ફરી કહ્યું, ભારત ગમે ત્યારે કરી શકે છે હુમલો
ડિપોર્ટેશન ખર્ચ 70 ટકા ઘટશે
મીડિયા રિપોર્ટ અનુસાર, આ વળતરનો ખર્ચ થતો હોવા છતાં અમેરિકાની સરકાર દ્વારા હાથ ધરાયેલી ડિપોર્ટેશનની કવાયતના ખર્ચમાં 70 ટકા સુધીનો ઘટાડો થશે. હાલ અમેરિકાની સરકારને એક ગેરકાયદે રહેતા એક પ્રવાસીની ધરપકડ, અટકાયત તથા તેને ડિપોર્ટ કરવાનો ખર્ચ આશરે 17121 ડોલર આવે છે. જો કે, એપની મદદથી સ્વેચ્છાએ લોકો પરત જશે, તો સરકાર 1000 ડોલર તેમજ મુસાફરી ભથ્થું ચૂકવશે. આમ, આટલો ખર્ચ ડિપોર્ટેશન ખર્ચ કરતાં અનેકગણો ઓછો છે. હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, ‘જો તમે અમેરિકામાં ગેરકાયદે રહો છો, તો આ ધરપકડથી બચવા અને અમેરિકા છોડવા માટેની સર્વોત્તમ તક છે. જેમાં સૌથી સુરક્ષિત અને સારી રીતે તમે અમેરિકા છોડી શકો છો.’
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ
ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યા પછી ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ પર જોરશોરથી કામ શરૂ કર્યું છે. જેમાં તેમણે ગેરકાયદે વસતાં વિદેશીઓને હાંકી કાઢવાની મોટાપાયે કવાયત હાથ ધરી છે. આ અંગે અનેકવાર તેઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે, ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢવાની કવાયતમાં તેઓ સફળ રહ્યા છે.
એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, જે સરકારો પોતાના વર્તમાન લક્ષ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહી હોય, ત્યાં ડિપોર્ટેશનનું પ્રમાણ વધુ હોય છે. જો કે, અનેક લોકોને ટ્રમ્પની આ નીતિ કામમાં આવી નથી. ઈમિગ્રન્ટ્સને જ નહીં, કેટલાક અમેરિકનોને પણ લાગી રહ્યું છે કે, ટ્રમ્પ સરકાર લોકોને અયોગ્ય રીતે ડિપોર્ટ કરી રહી છે.