World

ચીનથી પાછા ફર્યા પછી ટ્રમ્પે શીને અંગૂઠો દેખાડયો : તાઇવાન પ્રમુખને મળવાનો સંકેત આપ્યો

By GS Team
18 May 20262 mins read
ચીનથી પાછા ફર્યા પછી ટ્રમ્પે શીને અંગૂઠો દેખાડયો : તાઇવાન પ્રમુખને મળવાનો સંકેત આપ્યો

- 'તાઇવાનને પડતું મૂકવું યુ.એસ.ને પોસાય તેમ નથી'

- તાઇવાનના વિદેશમંત્રી ચેન મીંગ ચીએ કહ્યું કે, 'જો પ્રમુખ ટ્રમ્પ અમારા પ્રમુખને મળવા ઇચ્છે તો સહર્ષ સ્વીકાર્ય છે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ તાઇવાનના સમકક્ષને મળવાના સંકેત આપ્યા છે. ચીનની યાત્રાએથી પાછા ફર્યા બાદ તુર્ત જ પ્રમુખ ટ્રમ્પે કરેલા આ વિધાનોથી ચીનના પ્રમુખ શી જિનપિંગને મરચાં લાગ્યા છે. ચીનથી પાછા ફર્યા બાદ ટ્રમ્પે મીડીયા સાથે કરેલી વાતમાં પહેલાનો તાઇવાનને શસ્ત્રો આપવાની બાબતમાં અસમંજસની સ્થિતિ ફેલાઈ હતી પરંતુ મીડીયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, 'મારે આ બાબતે તાઇવાન ચલાવી રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરવી પડશે.' તાઇવાને ટ્રમ્પના આ સંકેતનો ઉત્તર આપતા કહ્યું છે કે : 'જો પ્રમુખ ટ્રમ્પ પોતાના સમકક્ષ લાઇ યિંગ તે સાથે મંત્રણા કરવા ઇચ્છે તો તાઇવે તેનું સ્વાગત કરશે.'

તાઇવાન તરફથી તેના ઉપવિદેશમંત્રી યેન ડ્રમીંગ ચીને કહ્યું હતું કે : અમે અમેરિકાના પ્રમુખના આ વિધાનો સાંભળ્યા છે. તેઓની સતત ઇચ્છા રહી છે કે, તેઓ તાઇવાનના તેઓને સમકક્ષ સાથે મંત્રણા કરવા ઇચ્છે છે. જો વાસ્તવમાં તેમ જ હોય તો તાઇવાનમાં તેનું સ્વાગત છે.

આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે, ચીનની વધી રહેલી નૌકાશક્તિથી પેસિફીક ઉપર ચીનનો પ્રભાવ છવાઈ જવાની ભીતિ છે. ઉત્તરમાં જાપાન અને દક્ષિણે ફીલીપાઇન્સ વચ્ચે ૬૦૦ માઇલનો ગાળો છે તેથી ચીને તેના દક્ષિણ- પૂર્વના મથક કૂચાઉમાં જ અટકાવવા માટે તાઇવાન જ અનિવાર્ય ઢાલ છે તેથી અમેરિકાને તાઇવાનને પડતું મૂકવું પોસાય તેમ નથી. બીજું તાઇવાનને પડતું મૂકે તો અમેરિકાના બીજા સાથી દેશોને  અમેરિકા ઉપર વિશ્વાસ ન રહે તેથી અમેરિકા તાઇવાનને પડતું મૂકી શકે તેમ નથી.