World

4 વર્ષના યુદ્ધનો અંત આવશે? પુતિનને મનાવવા મોસ્કો પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પના બે દૂત, બેઠક પર સમગ્ર વિશ્વની નજર

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવા ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર મોસ્કો પહોંચ્યા છે. તેઓ રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરી, રવિવારે કિવ પણ જશે. ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ ચોક્કસ પ્રસ્તાવ સાથે ગયા છે, જોકે યુક્રેનની જમીન છોડવાના મુદ્દે સ્પષ્ટતા નથી. ઝેલેન્સકીએ રશિયા પર શાંતિ પ્રયાસોને નબળા પાડવા કિવ એરપોર્ટ પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

4 વર્ષના યુદ્ધનો અંત આવશે? પુતિનને મનાવવા મોસ્કો પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પના બે દૂત, બેઠક પર સમગ્ર વિશ્વની નજર

Trump Envoys Witkoff, Kushner in Moscow to Revive Russia-Ukraine Peace Talks | રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાએ ફરી પ્રયાસો શરૂ કર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત ખાસ ગણાતા બે દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરશનિવારે મોસ્કો પહોંચ્યા છે.

બંને વાટાઘાટકારો રશિયન અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ રવિવારે યુક્રેનના પાટનગર કિવ પણ જવાના છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સર્જાયેલા અવરોધને તોડીને કોઈ વ્યવહારુ સમાધાન સુધી પહોંચવાનો છે.

અમારી પાસે શાંતિ પ્રસ્તાવ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતાં પુષ્ટિ કરી હતી કે વિટકોફ અને કુશનર એક ચોક્કસ પ્રસ્તાવ સાથે ગયા છે.

મેં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરને મોકલ્યા છે, જેઓ બે ઉત્તમ વાટાઘાટકારો છે. કોઈ સમજૂતી પર પહોંચવાની સારી તક હોઈ શકે છે.- ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પ્રમુખ

યુક્રેન પોતાની જમીન રશિયાને આપી દેશે?

ટ્રમ્પે જણાવ્યું કે બંને દૂતો યુદ્ધ સમાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ લઈને ગયા છે અને ત્યાં જઈને મૂલ્યાંકન કરશે કે સમજૂતીનો કોઈ વાસ્તવિક માર્ગ છે કે નહીં. જોકે, આ પ્રસ્તાવમાં યુક્રેન દ્વારા પોતાની જમીન જતી કરવાનો મુદ્દો સામેલ છે કે નહીં તે અંગે ટ્રમ્પે ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો.

શાંતિ મંત્રણા વચ્ચે રશિયાના ભીષણ હુમલા: ઝેલેન્સકીનો મોટો આક્ષેપ

એક તરફ રાજદ્વારી વાટાઘાટો શરૂ થઈ રહી છે, ત્યારે બીજી તરફ યુદ્ધના મેદાનમાં હિંસા તેજ બની છે.

  • એરપોર્ટ પર હુમલા: યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો કે રશિયા કિવના 2 એરપોર્ટ પર રાતોરાત હુમલા કરીને આ રાજદ્વારી પ્રયાસોને નબળા પાડવાની કોશિશ કરી રહ્યું છે.
  • ડ્નિપ્રોમાં 5 ના મોત: ડ્નિપ્રો ક્ષેત્રમાં થયેલા હુમલામાં 5 લોકોના મોત થયા છે.
  • SBU હેડક્વાર્ટર પર ડ્રોન હુમલો: દૂતોની રવાનગીના એક દિવસ પહેલાં જ રશિયન ડ્રોને સેન્ટ્રલ કિવમાં યુક્રેનની SBU સિક્યોરિટી સર્વિસના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. ઝેલેન્સકી અનુસાર આ હુમલો એજન્સીના એક્ટિંગ ચીફની ઓફિસને નિશાન બનાવીને કરાયો હતો.

ઝેલેન્સકીની અસ્થાયી યુદ્ધવિરામની દરખાસ્ત

વધતા તણાવ છતાં, ઝેલેન્સકીએ યુએસ દૂતોની મુલાકાત દરમિયાન એરસ્ટ્રાઈક્સ મોકૂફ રાખવાની ઓફર કરી છે. તેમણે રશિયાને પણ સામે આ જ પ્રકારનું વલણ અપનાવવા અપીલ કરી છે. જોકે, મોસ્કો તરફથી આ દરખાસ્ત પર તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

એક સપ્તાહ અગાઉ CIA ચીફે રશિયાની ગુપ્ત મુલાકાત લીધી હતી

વિટકોફ અને કુશનરે અગાઉ ગાઝા અને ઈરાનમાં સીઝફાયર વાટાઘાટોમાં પણ ભાગ લીધો હતો. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવું મિશન CIA ડિરેક્ટર જોન રેટક્લિફની મોસ્કો મુલાકાતના એક અઠવાડિયા પછી આવ્યું છે, જેમાં તેમણે નાટો સભ્ય દેશો પર હુમલા સામે રશિયાને ચેતવણી આપી હતી.