| (IMAGE - IANS) |
Khalistani Attack Indian Embassy Croatia: અત્યાર સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકોએ હવે પૂર્વ યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ તેજ કરી છે. એક ચોંકાવનારી ઘટનામાં, ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ(Zagreb) સ્થિત ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ભારત સરકારે લાલ આંખ કરી છે અને ક્રોએશિયા સરકાર સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો છે.
શું બની ઘટના?
અહેવાલો અનુસાર, પ્રતિબંધિત આતંકી સંગઠન 'સિક્સ ફોર જસ્ટિસ'(SFJ) સાથે જોડાયેલા કેટલાક અસામાજિક તત્ત્વોએ જાગ્રેબમાં ભારતીય દૂતાવાસની સુરક્ષામાં ભંગ કર્યો હતો. આ ઉપદ્રવીઓએ માત્ર દૂતાવાસ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ જ ન કર્યો, પરંતુ ત્યાં તોડફોડ પણ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તેઓએ દૂતાવાસની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા અને ભારતીય તિરંગાને ઉતારી તેની જગ્યાએ ખાલિસ્તાની ધ્વજ લગાવવાની કોશિશ કરી હતી.
ભારતની પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું છે કે, નવી દિલ્હી અને જાગ્રેબ એમ બંને સ્તરે ક્રોએશિયાના અધિકારીઓ સમક્ષ આ ગંભીર મામલો મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. મંત્રાલયે આ દૂષિત કૃત્ય કરનારા તત્ત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુમાં, ભારતે સ્પષ્ટ કર્યું છે કે વિયેના સંધિના નિયમો અનુસાર કોઈપણ રાજદ્વારી પરિસરમાં પરવાનગી વગર પ્રવેશ કરવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને આવા પરિસરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જે તે યજમાન દેશની પ્રાથમિક જવાબદારી છે.
યુરોપિયન દેશો માટે ખતરાની ઘંટડી
આ ઘટના એટલા માટે વધુ ગંભીર ગણાય રહી છે કારણ કે અત્યાર સુધી ખાલિસ્તાની ગતિવિધિઓ મુખ્યત્વે કેનેડા, અમેરિકા અને બ્રિટન જેવા 'ફાઇવ આઇઝ' દેશો પૂરતી મર્યાદિત હતી. પરંતુ હવે ક્રોએશિયા જેવા યુરોપિયન દેશોમાં હુમલા થવા એ સૂચવે છે કે આ આતંકી સંગઠનો નવા વિસ્તારોમાં પોતાનું જાળ ફેલાવી રહ્યા છે.
26 જાન્યુઆરી પહેલા કાવતરું
ઉલ્લેખનીય છે કે, આગામી 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે, જેમાં યુરોપિયન દેશોના નેતાઓ પણ સામેલ થવાના છે. તેવામાં SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુએ તેના સાથીઓને ભારત વિરુદ્ધ માહોલ બનાવવા અને હિંસા કરવા ઉશ્કેર્યા હોવાના ઇનપુટ્સ પણ ગુપ્તચર એજન્સીઓને મળ્યા છે.


