Board Of Peace: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન એક ઐતિહાસિક જાહેરાત કરતા 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace)ના પ્રથમ ચાર્ટરને ઔપચારિક રીતે લૉન્ચ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ની તર્જ પર બનેલી આ નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પ્રારંભિક હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાનો છે, પરંતુ ભવિષ્યમાં તે વિશ્વભરના વિવાદો ઉકેલવા માટે કામ કરશે. અમેરિકન પ્રમુખ દ્વારા જે પ્રસ્તાવ બતાવવામાં આવ્યો છે, તેમાં 8 મુસ્લિમ દેશો સહિત અન્ય ઘણા દેશોનો સહમતિ પત્ર હતો. ગાઝામાં ફરીથી શાંતિ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવેલા બોર્ડમાં મુસ્લિમ દેશો તો જોડાઈ ગયા છે, પરંતુ યૂરોપિયન યૂનિયનના દેશો ખચકાઈ રહ્યા છે. આ ઉપરાંત ભારત, રશિયા અનેચીન જેવા મોટા દેશોએ પણ હજુ સુધી તેનાથી અંતર જાળવી રાખ્યું છે. આ વચ્ચે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, ભારતની આ મામલે શું વ્યૂહરચના છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રોજેક્ટ સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે. તો તેની પાછળ ત્રણ કારણો છે.
ભારત હાલમા રાહ જોવાના મૂડમાં
પહેલું કારણ એ છે કે ભારતની 'થોભો અને રાહ જુઓ'ની નીતિ છે. ભારત ઈચ્છે છે કે, પહેલા એ જોવામાં આવે કે, વિશ્વના કયા-કયા દેશો તેમાં જોડાવા તૈયાર છે. અત્યાર સુધી રશિયા અને ચીન તેનો હિસ્સો નથી બન્યા. આ ઉપરાંત ફ્રાન્સ, ઈટાલી અને બ્રિટન જેવા દેશોએ પણ તેનાથી અંતર જાળવી રાખ્યું છે. આવી સ્થિતિમાં ભારત આગળ વધીને મેમ્બરશિપ લેવા નથી માગતું. વધુમાં ગાઝા મુદ્દો ભારતના આંતરિક રાજકારણની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ રહ્યો છે. તેથી, ભારત તાત્કાલિક જોડાણ ટાળી રહ્યું છે અને હાલમાં રાહ જોવાના મૂડમાં છે.
આ દેશો UNને નબળું પાડવા નથી માગતા
બીજું કારણ એ છે કે અત્યાર સુધીમાં આ બોર્ડ સાથે ઈઝરાયલ, જોર્ડન, ઈન્ડોનેશિયા, ઇજિપ્ત, બલ્ગેરિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કોસોવો, મોરોક્કો, મંગોલિયા, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કીયે અને સંયુક્ત આરબ અમીરાત જોડાયા છે. આ મોટાભાગના ઈસ્લામિક દેશો છે. તેઓ ગાઝામાં શાંતિ અને ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાવવામાં રસ ધરાવે છે. પરંતુ યુરોપિયન દેશો તેનાથી દૂર જ રહ્યા છે. વાસ્તવમાં તેનું કારણ એ છે કે, અમેરિકાની નજીક રહેલા યુરોપના દેશોને પણ ડર છે કે ક્યાંક અમેરિકાનું જ વર્ચસ્વ ન થઈ જાય. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રનું સ્થાન લેનારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને પણ આશંકાઓ વધારી દીધી છે. કોઈપણ દેશ નથી ઈચ્છતો કે યુએન જેવા બહુપક્ષીય સંગઠનના સ્થાને અમેરિકાના એકતરફી વર્ચસ્વ વાળા બોર્ડ ઓફ પીસને તાકાત મળે.
ડોનાલ્ડ ટ્રમ્પ હટી જશે તો 'બોર્ડ ઓફ પીસ'નું શું થશે?
ત્રીજું કારણ એ છે કે, ભારતમાં 'બોર્ડ ઓફ પીસ'ના ભવિષ્યને લઈને પણ ચિંતા છે. આનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેના પ્રત્યે જૂનુન રાખે છે, પરંતુ તેઓ પ્રમુખ પદ પરથી હટી ગયા બાદ આ બોર્ડનું ભવિષ્ય શું રહેશે. આ અંગે અનિશ્ચિતતાની સ્થિતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ તો ત્રણ વર્ષમાં સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વસનીયતા અંગે પણ ભારતમાં ચિંતા છે. ભારતે હંમેશા સંયુક્ત રાષ્ટ્ર અને બહુપક્ષીયતાને મહત્વ આપ્યું છે. આવી સ્થિતિમાં ભારત નથી ઈચ્છતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ કોઈપણ સંગઠન સંયુક્ત રાષ્ટ્રનું સ્થાન લેવાની સ્થિતિમાં આવે.


