VIDEO : ટ્રમ્પે વધુ એક દેશ સાથે બગાડ્યા સંબંધ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખનું કર્યું અપમાન, જાણો શું કહ્યું
Donald Trump Cyril Ramaphosa Meet : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશો સાથે સંબંધો બગાડી રહ્યા છે. હવે આ જ ક્રમમાં ટ્રમ્પના કારણે વધુ એક ગાઢ મિત્ર દેશ સાથે અમેરિકાના સંબંધ બગડ્યા છે. વાસ્તવમાં વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસા વચ્ચે ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર અને સમજૂતી અંગે વાતચીત શરૂ થઈ હતી, જોકે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અચાનક કડવાશમાં ફેરવાઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખે ટ્રમ્પના કર્યા વખાણ
બેઠક દરમિયાન ટ્રમ્પે સિરિલ રામફોસાને કહ્યું કે, ‘આપણા સંબંધો ઘણા જૂના છે અને હું તે સંબંધોને વધુ મજબૂત કરવા ઈચ્છું છું. હું તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છું.’ તો રામફોસાએ કહ્યું કે, ‘તમે યુક્રેન અને મધ્ય પૂર્વ વચ્ચે શાંતિ સમજૂતી માટે કામ કર્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. હું એ મુદ્દે પણ વાત કરવા ઈચ્છું છું કે, આપણે બંને એકબીજાને કેવી રીતે મદદ કરીએ શકીએ.’
ટ્રમ્પે અચાનક શ્વેત નરસંહારનો મુદ્દો ઉઠાવી બગાડ્યા સંબંધો
વાતચીત દરમિયાન ટ્રમ્પે અચાનક શ્વેત નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રામફોસાને એક વીડિયો બતાવી દાવો કર્યો કે, ‘દક્ષિણ આફ્રિકામાં હજારો ગોરા ખેડૂતોની હત્યા કરવામાં આવી છે.’ આ દરમિયાન રામફોસાએ તપાસ ચાલી રહી હોવાની વાત કહી, પરંતુ ટ્રમ્પ તેમની વાતથી સંમત ન થયા અને તેઓ વારંવાર ડેથ શબ્દ બોલતા રહ્યા.
President Cyril Ramaphosa meets Donald Trump at the White House, where Trump plays a montage of Julius Malema’s videos. pic.twitter.com/bDHJqhB0Kl
— Hopewell Chin’ono (@daddyhope) May 21, 2025
ટ્રમ્પનું આકરું વલણ છતાં રામફોસાએ શાંતિથી વાત કરી
બેઠકમાં ટ્રમ્પનું આકરું વલણ છતાં રામફોસા શાંતિ અને સંયમ સાથે વાત કરતા રહ્યા હતા. બેઠકમાં ટ્રમ્પે તેમને અનેક પેપરના કટિંગ પણ દેખાડ્યા હતા, જોકે તેમ છતાં રામફોસાએ શાંતિથી તેમને તપાસનું આશ્વાસન આપ્યું હતું. ટ્રમ્પ તેમની કોઈપણ વાત માનવતા તૈયાર ન હતા અને તેઓ કદાચ બીજું કંઈ જ વિચારી રહ્યા હતા.
વેપાર-સમજૂતીની ચર્ચા કર્યા વગર બેઠક પૂર્ણ
ટ્રમ્પના ઉગ્ર વલણના કારણે બેઠકમાં કોઈપણ વેપાર અને સમજૂતી પર વાતચીત ન થઈ. આ વલણના કારણે બંને દેશોના સંબંધો પણ આગળ ન વધી શક્યા. ટ્રમ્પના નિવેદન પર રામફોસાએ પોતાના દેશનો પક્ષ રાખ્યો હતો. આમ ટ્રમ્પના કારણે બંને દેશો વચ્ચે થયેલી ઐતિહાસિક મુલાકાત કડવાશ વચ્ચે પુરી થઈ હતી.