6 વર્ષ બાદ ભારત-મ્યાનમાર સરહદે ફરી શરૂ થશે વેપાર, લિપુલેખ પાસથી વેપારીઓ કરશે ટ્રેડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Myanmar Border Trade Resumes : ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. પેંગસાઉ પાસ પર ભારત અને મ્યાનમાર વચ્ચે સરહદી વેપાર ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા છ વર્ષથી વધુ સમયથી આ વેપાર બંધ હતો. જોકે, હવે બંને પક્ષોના વ્યાપારી સંગઠનોની બેઠક બાદ 20 જુલાઈથી તે ફરી શરૂ થવા જઈ રહ્યો છે. 'ફ્રી મૂવમેન્ટ રિજીમ' હેઠળ સરહદ પારના વેપારથી બોર્ડરની બંને બાજુએ 10 કિલોમીટરના દાયરામાં રહેતા લોકોને સ્થાનિક વેપાર અને સરહદ પાર લેણદેણ કરવાની મંજૂરી મળે છે.
કોવિડ દરમિયાન બંધ થયો હતો ટ્રેડ લિંક
કોવિડ-19 મહામારીના કારણે 3 ફેબ્રુઆરી 2020ના રોજ બંધ કરાયેલા આ ટ્રેડ લિંકને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સ્થાનિક વેપાર પ્રતિનિધિઓ અને મ્યાનમારના તેમના સમકક્ષો વચ્ચે 9 જુલાઈએ અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં વેપાર ફરી શરૂ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો.
પેંગસાઉ પાસથી શરૂ થશે વેપાર
ભારતીય પક્ષના એક સ્થાનિક વ્યાપારી સંગઠનના પ્રમુખ જોંગખમ મોરાંગે જણાવ્યું કે, 'અમને આશા છે કે, આનાથી મહામારી દરમિયાન ગુમાવેલી આજીવિકા પાછી મળશે.' સ્થાનિક ધારાસભ્ય લેસમ સિમાઈએ જણાવ્યું કે, સરહદી વેપાર ફરી શરૂ થવાથી વેપારની બહેતર તકો ઊભી થશે. નાના વેપારીઓ અને રહેવાસીઓની આજીવિકામાં સુધારો થશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળશે. બોર્ડર હાટ દર મહિનાની 10, 20 અને 30 તારીખે ચાલશે.
લિપુલેખ ટ્રેડ: ચીનનું આ છે પ્લાનિંગ
એક અહેવાલ અનુસાર, ભારત-ચીન સરહદી વેપારની સીઝન સત્તાવાર રીતે શરૂ થયાના એક મહિનાથી વધુ સમય પછી પણ લિપુલેખ પાસ મારફતે સરહદ પારનો વેપાર શરૂ થઈ શક્યો નથી. ચીની અધિકારીઓએ ભારતીય વેપારીઓને તિબેટના તકલાકોટમાં એક નવા બજાર અને ગોડાઉનનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાહ જોવા જણાવ્યું છે. કોવિડ-19ના કારણે વર્ષ 2020માં લિપુલેખ મારફતે સરહદી વેપાર સ્થગિત કરવામાં આવ્યો હતો, અને છ વર્ષના સમયગાળા બાદ તેને ફરી શરૂ કરવાનો હતો.
નવા બજાર માટે જોવી પડી રાહ
આ વર્ષની ખાસ વાત એ હતી કે, વર્ષ 2020માં ધારચુલા-લિપુલેખ રોડનું કામ પૂર્ણ થઈ જવાને કારણે વેપારીઓ ખચ્ચરના બદલે રોડ માર્ગે લિપુલેખ સુધી સામાન લઈ જઈ શકતા હતા. જોકે વેપારની સીઝન સત્તાવાર રીતે 1 જૂનથી શરૂ થઈ હતી, પરંતુ ભારતીય પક્ષ તરફથી તૈયારીઓ મહિનાના અંત સુધીમાં જ પૂર્ણ થઈ શકી હતી.
ટ્રેડ અંગે ટૂંક સમયમાં આવશે અપડેટ
ભારતીય વેપારીઓએ 8 જુલાઈએ પાસ ઓળંગવાનો હતો. પરંતુ, ધારચુલાના SDM અને ટ્રેડ ઓફિસર આશિષ જોશીએ જણાવ્યું કે, તેમને 7 જુલાઈએ તેમના ચીની સમકક્ષ તરફથી એક ઈમેલ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, નવું માર્કેટપ્લેસ અને વેરહાઉસ હજુ બની રહ્યા છે, અને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વેપારીઓને મોકલવામાં ન આવે. તેમણે ઉમેર્યું કે, ચીની અધિકારીઓ ટૂંક સમયમાં જ તેમને નવી તારીખ વિશે માહિતી આપશે.









