For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીન દ્વારા હિન્દ મહાસાગરમાં સૈન્ય બેઝ બનાવવો ચંતાજનક : અમેરિકા

ભારત-અમેરિકા હિન્દ મહાસાગરમાં ચીનને રોકવા કટિબદ્ધ

ચીન આંતરરાષ્ટ્રીય કાયદા માનતું નથી, પારદર્શી નથી અને વિદેશમાં સૈન્ય બેઝ બનાવવા માગે છે : રેટનર

Updated: Sep 23rd, 2022

Article Content Image

વોશિંગ્ટન, તા.૨૩

હિન્દ મહાસાગરમાં ચીનની હાજરી વધી રહી છે. એટલું જ નહીં ચીન અહીં સૈન્ય બેઝ પણ બનાવી રહ્યું છે અને આ બાબત ચિંતાજનક છે તેમ અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકામાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડિફેન્સ ડૉ. એલી રેટનરે કહ્યું કે, અમને માત્ર હિન્દ મહાસાગરમાં ચીનની વધતી હાજરીની જ ચિંતા નથી, પરંતુ એ પણ ચિંતા છે કે તે આ હાજરીનું શું કરશે, તેની નિયત શું છે?

અમેરિકન અધિકારી ડૉ. એલી રેટનરે કહ્યું કે, અમને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (ચીન) અને તેના સૈન્યની એક પેટર્ન જોવા મળી રહી છે. અમે અન્ય ક્ષેત્રોમાં પણ આ જોયું છે, તે આંતરરાષ્ટ્રીય કાયદા નથી માનતા, તે પારદર્શી નથી અને વિદેશોમાં સૈન્ય બેઝ બનાવવા માગે છે. ડૉ. રેટનરની ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે કેટલાક સપ્તાહ પહેલા જ જિબુતીમાં ચીનનું સૈન્ય બેઝ હોવાના સંકેતો મળતી સેટેલાઈટ તસવીરો જાહેર થઈ હતી. આ સૈન્ય બેઝ સંપૂર્ણપણે ચાલુ છે અને અહીં એક મોટું યુદ્ધ જહાજ પણ ઊભું છે.

ચીને તાજેતરમાં જ એક સેટેલાઈટ અને મિસાઈલ ટ્રેકિંગ જહાજ યુઆન વાંગ-૫ પણ હિન્દ મહાસાગરમાં તૈનાત કર્યું હતું. વિવાદાસ્પદ રીતે તે શ્રીલંકાના હંબનટોટા બંદર પર ઊભું હતું. જોકે, યુઆન વાંગ-૫ હવે પાછું ફરી ગયું છે. શ્રીલંકાનું હંબનટોટા બંદર બેઈજિંગ પાસે ૯૯ વર્ષની લીઝ પર છે. 

તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા હિન્દ મહાસાગર અને ક્ષેત્રમાં સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તેને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકા અહીં ચીન દ્વારા થઈ રહેલી ગતિવિધિઓ પર એકબીજા સાથે સહયોગ કરશે. ભારત અને અમેરિકા મહત્વના રણનીતિક સહયોગી છે અને બંને દેશોના નૌકાદળ અને એરફોર્સે તાજેતરના વર્ષોમાં એક સાથે થિયોડોર રુઝવેલ્ટ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગુ્રપ સાથે પહેલી વખત એન્ટી-સબમરીન અને હવાઈ લડાઈનો અભ્યાસ કર્યો હતો.

Gujarat