World

વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાનો આદેશ ટ્રમ્પ સરકારે પાછો ખેંચ્યો

By GS Team
15 Jul 20204 mins read
This article was originally published on 15 Jul 2020
વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાનો આદેશ ટ્રમ્પ સરકારે પાછો ખેંચ્યો

- હાર્વર્ડ, એમઆઈટી, ગૂગલ, ફેસબુક ઉપરાંત 17 રાજ્યોએ ટ્રમ્પ સરકાર પર આદેશ પાછો ખેંચવાનું દબાણ કર્યું હતું


(પીટીઆઈ)         વૉશિંગ્ટન, તા.15 જુલાઈ 2020, બુધવાર

ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓને ઘરે મોકલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હાર્વર્ડ, એમઆઈટી સહિતની ૨૦૦ શૈક્ષણિક સંસ્થાઓ, ૧૭ રાજ્યો અને ટેકનોલોજી ક્ષેત્રની ગૂગલ, ફેસબુક, માઈક્રોસોફ્ટ સહિતની ૧૨ કંપનીઓએ ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં અરજી કરી હતી. એ અરજીની સુનાવણીમાં ટ્રમ્પ સરકારે નવી જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓને પાછા મોકલવામાં આવશે નહીં.

ટ્રમ્પ સરકારે ઓનલાઈન ક્લાસ ભરતા તમામ વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ ચાલ્યા જવાનો આદેશ કર્યો હતો. ઈમિગ્રેશન વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે જે વિદેશી વિદ્યાર્થીઓની યુનિવર્સિટીઓએ ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે તેમને ફરજિયાત સ્વદેશ જવું પડશે. જે વિદ્યાર્થીઓ નવા નિયમનું પાલન નહીં કરે તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

આ આદેશની અસર અમેરિકામાં સ્ટડી કરી રહેલાં લગભગ ૧૦-૧૨ લાખ વિદ્યાર્થીઓને થઈ હતી. ભારતના અઢી લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્ટડી કરી રહ્યાં છે, એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન ચાલતા હોવાથી તેમને પણ ભારત પાછા ફરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ટ્રમ્પ સરકારના નવા નોટિફિકેશન પછી હાર્વર્ડ યુનિવર્સિટી અને એમઆઈટી જેવી ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે આ નિર્ણય ક્રુર અને ઘાતકી છે. વિચાર્યા વગર જ આ નિર્ણય લેવાયો છે, જે બંધારણની વિરૂદ્ધમાં છે. શૈક્ષણિક સંસ્થાનો ઉપરાંત અમેરિકાના ૧૭ રાજ્યોએ પણ એક સંયુક્ત અરજી કરીને ટ્રમ્પ સરકારને ભીંસમાં લીધી હતી. એટલું જ નહીં, અમેરિકાની વિખ્યાત ટેકનોલોજી કંપનીઓ - ફેસબુક, ગૂગલ, માઈક્રોસોફ્ટ વગેરેએ પણ કોર્ટમાં અરજી કરીને ટ્રમ્પ સરકારની નવી વિઝાનીતિને રદ્ કરવાની માગણી કરી હતી.

વિદેશી વિદ્યાર્થીઓના સંદર્ભમાં લાગુ કરાયેલી આ નવી વિઝાનીતિ અંગે થયેલી અરજીની સુનાવણી ફેડરલ કોર્ટમાં ચાલતી હતી એ વખતે ન્યાયધીશ એલિસન બરોજે કહ્યું હતું : 'મને ટ્રમ્પ સરકારે જાણકારી આપી છે એ પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ અંગે કરાયેલો આદેશ રદ્ થયો છે. તેથી વિદેશી વિદ્યાર્થીઓએ અધૂરો અભ્યાસ અધવચ્ચે છોડીને સ્વદેશ જવું પડશે નહીં. હવે એ નિર્ણયના વિરોધમાં ચાલતા તમામ કેસ પણ તુરંત બંધ કરાશે.

ચારે બાજુથી દબાણ થતાં ટ્રમ્પ સરકારે નિર્ણય પાછો ખેંચવો પડયો હતો. ટ્રમ્પ સરકારે નિર્ણય પાછો ખેંચ્યો હોવાથી અમેરિકામાં અભ્યાસ કરી રહેલાં અઢી લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો.

'ટ્રમ્પની પીછેહઠ એ વિદેશી વિદ્યાર્થીઓનો વિજય છે'

ટ્રમ્પ સરકારે કોર્ટમાં વિદેશી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો હોવાનું જણાવ્યું તે પછી અમેરિકાના સોશિયલ મીડિયામાં વિદેશી વિદ્યાર્થીઓની તરફેણમાં ટ્રેન્ડ બન્યો હતો.

કોંગ્રેસમેન બ્રાડ સ્કેન્ડરે જણાવ્યું હતુ ંકે આ વિદેશી વિદ્યાર્થીઓનો, કોલેજનો અને કોમનસેન્સનો વિજય છે.

કોંગ્રેસવુમેન અયાના પ્રેસલીએ ટ્વીટ કર્યું હતું કે ઓનલાઈન ક્લાસ લેવાય એનો અર્થ એવો નથી કે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ્ કરી દેવા. સરકારનો આ નિર્ણય ભૂલભરેલો એની કબૂલાત સરકારે કોર્ટમાં જ કરી છે.

કોંગ્રેસમેન મીક શેરીલે કહ્યું હતું કે આ ભેદભાવપૂર્ણ નીતિ સામે લડાયેલી સત્યની લડાઈની જીત છે.

ટ્રમ્પ સરકારના યુટર્ન પછી અમેરિકામાં અભ્યાસ કરી રહેલાં લાખો વિદ્યાર્થીઓએ પણ સોશિયલ મીડિયામાં તેમની લાગણી વ્યક્ત કરી હતી.

કોર્ટમાં પીછેહઠ થઈ, પણ ટ્રમ્પની અક્કડ યથાવત

હું હવે મેરિટ આધારિત વિઝાનીતિ બનાવીશ : ટ્રમ્પ

બાળક હતા ત્યારે જે લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં આવ્યા છે તેમનું રક્ષણ કરવાની ટ્રમ્પની ખાતરી

વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ્ કરવા મુદ્દે ટ્રમ્પ સરકારની ભારે ટીકા થઈ હતી. અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. એ પછી ટ્રમ્પ સરકારે પીછેહઠ કરીને નિર્ણય પાછો ખેંચ્યો હતો, છતાં ટ્રમ્પની અક્કડ યથાવત રહી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે રોઝ ગાર્ડન પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. એ વખતે નવી વિઝાનીતિ મુદ્દે ટ્રમ્પને સવાલો કરાયા હતા. ટ્રમ્પે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે હું ટૂંક સમયમાં મેરિટ આધારિત વિઝાનીતિ બનાવીશ. મારી સરકાર તેના પર કામ કરી રહી છે અને હું ટૂંક સમયમાં એ આદેશ પર સહી કરી દઈશ.

નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં જ નવી વિઝાનીતિ અમલી બનાવવાનો સંકેત ટ્રમ્પે આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ગત ચૂંટણી એજન્ડામાં પણ નવી વિઝાનીતિનો ઉલ્લેખ કર્યો હતો.

ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતી વખતે દાવો કર્યો હતો કે નવી વિઝાનીતિથી અમેરિકાને હોનહાર અને કુશળ વિદેશી વિદ્યાર્થીઓ મળશે. દુનિયાભરના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના આધારે અમેરિકામાં આવે તેવી વ્યવસ્થા કરીશ તો તેનાથી વિશ્વભરના કુશળ વિદ્યાર્થીઓ ખુશ થશે. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે જે લોકો બાળવયે ગેરકાયદે રીતે અમેરિકામાં આવ્યા છે તેમની સુરક્ષાનું પણ નવી વિઝાનીતિમાં ધ્યાન રખાશે.