For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના મહામારીના કેર વચ્ચે આજથી ટોક્યો ઓલિમ્પિકનો શુભારંભ થશે

Updated: Jul 22nd, 2021

Article Content Image

18 દિવસમાં 33 રમતોની 339 ઈવેન્ટ્સમાં 205 દેશના 11 હજારથી વધુ ખેલાડીઓનો મહાકુંભ

ભારતીય સમય પ્રમાણે આજે સાંજે 4.30 વાગ્યાથી ઉદ્ઘાટન સમારંભ યોજાશે : રમતોના મહાકુંભના ઇતિહાસમાં પહેલી વખત પ્રેક્ષકોની ગેરહાજરી

જાપાનના ટોક્યોમાં કોરોનાના કેસો વધતાં સ્થાનિકોના વિરોધ છતાં ગેમ્સનું આયોજન 

માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના 'ન્યૂ નોર્મલ' પ્રોટોકોલ સાથે સૌપ્રથમ મેગા ઈવેન્ટ

ટોક્યો : કોરોનાના કારણે એક વર્ષના લાંબા બ્રેક બાદ આખરે આવતીકાલથી જાપાનની રાજધાની ટોક્યોમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો શુભારંભ થશે. મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત્ છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા કેટલાક ખેલાડીઓ પણ કોરોનાગ્રસ્ત બની ચૂક્યા છે. 

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના 'ન્યૂ નોર્મલ' પ્રોટોકોલની વચ્ચે યોજાનારા રમતોત્સવમાંથી રમતોના પ્રાણ સમા પ્રેક્ષકોની જ બાદબાકી કરી દેવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સાંજે 4.30 વાગ્યાથી શરૂ થનારા ઉદ્ઘાટન સમારંભ સમયે સ્ટેડિયમમાં માત્ર ગણતરીના આમંત્રિતો જ હાજરી આપશે. 

જ્યારે જાપાન સહિત દુનિયાભરના લોકો ઓલિમ્પિકના ઉદ્ઘાટનને અને ત્યાર બાદ યોજાનારી રમતોને ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળશે.  18 દિવસ ચાલનારા ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં કુલ 33 રમતોમાં દાવ પર લાગેલા 339 ગોલ્ડ મેડલ જીતવા માટે વિશ્વના 205 દેશોના 11 હજારથી પણ વધુ એથ્લીટ્સ સ્પર્ધામાં ઉતરવા માટે થનગની રહ્યા છે.

કોરોનાના કારણે પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલા ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લીટ્સની સાથે સાથે 10 હજારથી વધુ કોચીસ, ઓફિશિઅલ્સ તેમજ અન્ય સપોર્ટ સ્ટાફના લોકો પણ ટોક્યો પહોંચી ચૂક્યા છે. ટોક્યો ઓલિમ્પિકનું તારીખ 9 ઓગસ્ટના રોજ સમાપન થશે. ટોક્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સ્થાનિકો ઓલિમ્પિકના આયોજનનો વિરોધ કરી રહ્યા છે, આમ છતાં આયોજકો ગેમ્સ યોજવા માટે મક્કમ રહ્યા છે. 

મહામારીના કારણે છેલ્લા દોઢેક વર્ષથી વિશ્વ પર છવાયેલી ગમગીનીને જોતાં ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ ઉદ્ઘાટન સમારંભને વધુ ઝાકમઝોળભર્યો ન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો વહેતા થયા છે. અલબત્ત, પરંપરા અનુસાર ઉદ્ઘાટન સમારંભમાં જાપાનીઝ સંસ્કૃતિ અને સભ્યતાની રંગબેરંગી અને સંગીતમય અભિવ્યક્તિ જોવા મળશે તે નક્કી છે.

ભારતે મહામારીને કારણે માત્ર 22 ખેલાડીઓને જ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભની પરેડમાં મોકલવાનો નિર્ણય લીધો છે. જેનું નેતૃત્વ લેજન્ડરી બોક્સર મેરી કોમ કરશે. વિશ્વના અન્ય દેશો પણ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત એથ્લીટ્સને જ મોકલશે તે નક્કી લાગી રહ્યું છે.

Gujarat