VIDEO: બ્રાઝિલમાં તોફાની પવનો ફૂંકાતા પત્તાના મહેલની માફક પડ્યું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, 7 માળ જેટલી ઊંચી હતી પ્રતિમા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The Statue Of Liberty Collapsed : બ્રાઝિલના રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના ગુઆઇબા શહેરમાં ગત રવિવારે જોરદાર વાવાઝોડાને કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા તૂટી પડી હતી. આ પ્રતિમા હાવન રિટેલ કંપનીના મેગાસ્ટોરની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનને કારણે પ્રતિમા પહેલા ધીમે-ધીમે આગળ તરફ ઝૂકે છે અને પછી સંપૂર્ણપણે ખાલી પાર્કિંગ વિસ્તારમાં તૂટી પડે છે.
મેયરે ઘટનાની કરી પુષ્ટિ
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ તૂટી પડવાની ઘટનાને લઈને આસપાસના લોકોએ તાત્કાલિક પોતાના વાહનો હટાવી લીધા હતા. ગુઆઈબાના મેયર માર્સેલો મારાનાટાએ સોશિયલ મીડિયા દ્વારા ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે, 'જોરદાર પવનને કારણે પ્રતિમા પડી ગઈ, પરંતુ કોઈને ઈજા થઈ નથી.'
સમગ્ર ઘટના અંગે હાવન કંપનીએ જણાવ્યું હતું કે, ઘટના પછી તરત જ તમામ સલામતી પ્રોટોકોલ અનુસાર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, પ્રતિમા ટેકનિકલ અને એન્જિનિયરિંગ ધોરણો અનુસાર બનાવવામાં આવી હતી, અને ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.
પહેલાથી જ કરાઈ હતી વાવાઝોડાની ચેતવણી
નાગરિક સુરક્ષા વિભાગે પહેલાથી જ વાવાઝોડા મામલે લોકોના મોબાઇલમાં એલર્ટ જારી કરી દીધા હતા. જેમાં ભારે પવન, ઇમારતો ધરાશાયી થવા અને તોફાનની સંભાવનાને કારણે લોકોને ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લો પ્રેશરના કારણે વિસ્તારમાં ભારે પવન, ગાઢ વાદળો અને હવામાનમાં અચાનક ફેરફાર થયો હતો.









