ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન ટ્રેનમાં ચીન પહોંચ્યા, જાણો કેમ તેઓ વિમાનને બદલે ટ્રેનમાં જ પ્રવાસ કરે છે
Kim Jong Un Visit China : બીજા વિશ્વયુદ્ધના અંતની 80મી વર્ષગાંઠની ઉજવણી લશ્કરી પરેડના રૂપમાં ચીનની રાજધાની બેજિંગમાં 2 સપ્ટેમ્બરના રોજ યોજાઈ. આ પ્રસંગે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખાસ લીલા રંગની બખ્તરબંધ ટ્રેનમાં બેજિંગ પહોંચ્યા હતા. ઉત્તર કોરિયાના એકથી વધુ નેતાઓ મુસાફરી માટે આ અને આના જેવી બીજી ટ્રેનોનો ઉપયોગ કરે છે. ચાલો જાણીએ, તે પાછળનું કારણ. સાથે એ પણ જાણીએ કે આ વૈભવી ટ્રેનમાં કેવી કેવી સુવિધાઓ છે.
ટ્રેન મુસાફરી પાછળનું કારણ
કિમ જોંગ ઉન 2011માં સત્તા સંભાળ્યા બાદ ચીન, વિયેતનામ અને રશિયા જેવા દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ તમામ દેશોમાં પણ તેઓ ટ્રેનમાં જ ગયા હતા. નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયાના વિમાનોની તુલનામાં બુલેટપ્રૂફ ટ્રેન વધુ સુરક્ષિત છે. આ ટ્રેન વધુ આરામદાયક છે અને વધુ જગ્યા ધરાવે છે. ટ્રેન મુસાફરીમાં રાજકીય ચર્ચા કરવાનું પણ સરળ હોય છે. આ બધા કારણસર કિમ જોંગ વિમાનોને બદલે ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે.
ટ્રેનની અંદરનો વૈભવ કેવો છે?
ઉત્તર કોરિયાના પ્રમુખ સુરક્ષા માટે અનેક બખ્તરબંધ ટ્રેનો તૈયાર રખાય છે. આવી કેટલી ટ્રેનો ડિઝાઈન કરાઈ છે, તેનો ચોક્કસ આંકડો જાહેર નથી કરાયો. આ દરેક ટ્રેનમાં સામાન્ય રીતે 10થી 15 કોચ હોય છે. એમાંના અમુક ખાસ કિમ જોંગ માટે જ હોય છે, જેમાં બેડરૂમ, ઓફિસ, સંદેશાવ્યવહાર સિસ્ટમ, મીટિંગ રૂમ પણ છે. તેમના માટે ટ્રેનમાં બે બુલેટ પ્રૂફ મર્સિડીઝ પણ હોય છે. આ સિવાય અત્યાધુનિક કિચન અને ડાઈનિંગ ખરા. સુરક્ષા દળોના આરામ માટે અલગ કેબિનો હોય છે.
ટ્રેનના ફોટોગ્રાફ ક્યાંક જોવા મળી જાય છે
ઉત્તર કોરિયા લોખંડી પહેરાથી ઘેરાયેલો દેશ હોવાથી કિમની ટ્રેન વિશે ઝાઝી વિગતો મળતી નથી. હા, ટ્રેનના ફોટોગ્રાફ્સ ક્યારેક જોવા મળી જાય છે. આ ફોટોમાં કિમને સોનાના ક્રેસ્ટથી શણગારેલી લીલી બોગીની બાજુમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સિગારેટ પીતા અને લાકડાની પેનલ ધરાવતી ઓફિસમાં મીટિંગ કરતા દર્શાવાયા હતા. આ ઓફિસમાં સોનેરી પડદા, ડિઝાઇનર ફર્નિચર અને કિમનું સોનેરી બોર્ડરવાળું લેપટોપ પણ નજરે પડ્યું હતું.
ભૂતકાળમાં પણ ઝાંખી મળી હતી
2018માં જાહેર થયેલા એક વીડિયોમાં કિમને ચીનના અધિકારીઓ સાથે ગુલાબી સોફાની સજાવટ ધરાવતા કમ્પાર્ટમેન્ટમાં ચર્ચા કરતા બતાવાયા હતા. 2020માં વાવાઝોડા પીડિત વિસ્તારોની મુલાકાત વખતે ટ્રેનની અંદર ઝેબ્રા પ્રિન્ટવાળી ખુરશીઓ અને ફૂલોથી પ્રેરિત લાઇટિંગ જોવા મળી હતી. દેશના કૃષિ વિસ્તારોનું નિરીક્ષણ કરવા અને સામ્યવાદી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે કિમ 2022માં દેશવ્યાપી પ્રવાસ પર નીકળ્યા હતા ત્યારે પણ તેમણે આ ટ્રેનમાં જ મુસાફરી કરી હતી.
આ પણ વાંચો : સુદાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી આખું ગામ દટાયું, 1000 લોકોના મોત
ટ્રેનોનો ઉપયોગ કોણ-કોણ કરે છે?
કિમના દાદા, ઉત્તર કોરિયાના સ્થાપક નેતા કિમ ઇલ સુંગ તેમના શાસનકાળમાં આવી ટ્રેન દ્વારા જ વિદેશ પ્રવાસ કરતા હતા. તેમણે આ ટ્રેનમાં ત્રણ વખત રશિયાની મુલાકાત લીધી હતી. વર્ષ 2001 માં તેમણે રશિયામાં આ ટ્રેનમાં 20,000 કિ.મી. યાત્રા કરી હતી. 2011માં ટ્રેન મુસાફરી દરમિયાન જ તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. એ ટ્રેનનો કોચ તેમના સ્મારક સ્થાન પર પ્રદર્શન માટે મૂકાયો છે.
સરહદ પાર કરવાની પ્રક્રિયા કેવી હોય છે?
કિમ રશિયા પ્રવાસે જાય છે ત્યારે સરહદ પાર કરતી વખતે ટ્રેનની વ્હીલ એસેમ્બલી બદલવાની જરૂર પડે છે, કારણ કે રશિયા અને ઉત્તર કોરિયાના રેલ ટ્રેકનો ગેજ અલગ છે. પરંતુ ચીન જતી વખતે આવી પ્રક્રિયાની જરૂર પડતી નથી. સરહદ પાર કર્યા બાદ ચીનનું લોકોમોટિવ ટ્રેનને ખેંચે છે, જેથી સ્થાનિક એન્જિનિયર સિગ્નલ અને ટ્રેક સિસ્ટમ સરળતાથી સંચાલિત કરી શકે.
ટ્રેન પ્રમાણમાં ધીમી છે
કિમ જોંગ ઉનની સ્પેશિયલ ટ્રેન ચીનના રેલવે નેટવર્ક પર મહત્તમ 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જો કે, ઉત્તર કોરિયાના ટ્રેક પર તેની ગતિ 45 કિ.મી. પ્રતિ કલાક હોય છે.
આ પણ વાંચો : ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરૂ