Get The App

યુએસમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.9 ટકાનો ઘટાડો નોંધાયો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
યુએસમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.9 ટકાનો ઘટાડો નોંધાયો 1 - image

- રાજ્યસભામાં પૂછાયેલાં સવાલનો વિદેશ મંત્રાલય દ્વારા લેખિત જવાબ 

- ફેબ્રુઆરી 2025માં 3,78,787 વિદ્યાર્થીની સામે ફેબ્રુઆરી 2026માં 3,52,644 વિદ્યાર્થીને વીઝા મળ્યા  

નવી દિલ્હી : યુએસમાં ફેબ્રુઆરી ૨૦૨૬માં સાડા ત્રણ લાખ કરતાં વધારે ભારતીય વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્કૂલથી માંડી યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણિક કોર્સ કરી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં યુએસમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ ગુરૂવારે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ફેબ્રુઆરી ૨૦૨૫માં ૩,૭૮,૭૮૭ હતી જે ફેબ્રુઆરી ૨૦૨૬માં ઘટીને ૩,૫૨,૬૪૪ થઇ હતી જે ૬.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે.  

 યુએસમાં એડમિશન મેળવનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે કે કેમ તેવા સવાલના જવાબમાં રાજ્યસભામાં વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કિર્તી વર્ધન સિંહે લેખિત જવાબમાં વિગતો આપી જણાવ્યું હતું કે યુએસમાં એડમિશન મેળવનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. 

વિદેશ પ્રધાન કિર્તી વર્ધને યુએસ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના મેપિંગ ટૂલ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સિસ્ટમ-એસઇવીઆઇએસ-સેવિસ-ને ટાંકીને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સમગ્રપણે યુએસની શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેળવનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ઘટાડો થયો છે. આ વિદ્યાર્થીઓ  પ્રાયમરી, સેકન્ડરી, અન્ય વ્યવસાયલક્ષી સ્કૂલ્સ, લેંગ્વેજ ટ્રેનિંગ, ફલાઇટ સ્કૂલ, એસોસિએટ, બેચલર્સ, માસ્ટર્સ, ડોકટેરેટ અને અન્ય શૈક્ષણિક કોર્સ શીખવતી સંસ્થાઓમાં ભણી રહ્યાં છે. 

વીઝા આપવામાં કડક ધોરણો અપનાવવામાં આવ્યા હોવાથી આ સંખ્યા ઘટી છે કે કેમ તેવા સવાલના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે ૧૮ જુને યુએસના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર યુએસમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ અને જેમને એડમિશન ન આપવું જોઇએ તેવા વીઝા અરજદારોને ઓળખી કાઢવા માટે વીઝા અરજીની સંપૂર્ણ તપાસ કરવા માટે ઉપલબ્ધ તમામ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. હાલની યુએસ સરકારે એમપણ જાહેર કર્યું છે કે યુએસના વીઝા એ વિશેષાધિકાર છે, અધિકાર નહીં. નવી નીતિ અનુસાર એફ, એમ અને જે નોન ઇમિગ્રન્ટ વર્ગના વીઝા અરજદારોની અરજીની સઘન ચકાસણી થાય  છે. જુન ૨૦૨૫માં યુએસના નવી દિલ્હી સ્થિત રાજદૂતાવાસે એવી પણ માહિતી આપી હતી કે સ્ટુડન્ટ વીઝા મળે તેનો અર્થ યુએસમાં સ્ટુડન્ટને કાયમ રહેવા મળી જશે તેવી ગેરન્ટી થતો નથી. 

વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે વીઝા મળી ગયા બાદ પણ તેનું સતત મોનિટરિંગ થતું રહે છે અને નિયમભંગ કરવામાં આવે તો વીઝા રદ કરી ડિપોર્ટેશન કરી દેવામાં આવે છે. લાઇસન્સ વિના વાહન ચલાવવું કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ કે નશામાં વાહન હંકારવાના ગુનાસર કે વીઝાની શરતો સાથે સુસંગત ન હોય તેવી પ્રવૃત્તિ કરવા બદલ કોઇ આગોતરી જાણ કર્યા વિના જ શૈક્ષણિક કોર્સ અધૂરો મુકી સ્ટુડન્ટને રવાના થવાની ફરજ પાડવામાં આવે છે. આ બધાં નિયમપાલનની અસર ભારતીય સ્ટુડન્ટસને યુએસ દ્વારા અપાતાં વીઝાની સંખ્યા પર પડી છે તેમ પ્રધાન કિર્તી વર્ધન સિંહે જણાવ્યું હતું.